લક્ષ્ય ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરો તો જ લક્ષ્યવેધ શક્ય બનશે

ગુરુદ્રોણ જ્યારે રાજકુમારોની ધનુર્વિદ્યાની પરીક્ષા લેતા હતા તે સમયે એક ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર રૂમાંથી બનાવેલું એક પંખી અને એની લાલ રંગની ચમકતી આંખ વિંધવાનું લક્ષ્ય હતું. બાણ ચલાવતા પહેલાં ગુરુજી દરેકને પૂછતા કે, ‘તને શું દેખાય છે?’ ભીમ, યુધિષ્ઠિર કે દુર્યોધન બધા છેક આકાશથી માંડી ઝાડ અને ઝાડમાં ફળોથી માંડી પંખી બધાનું વત્તેઓછે અંશે વર્ણન કરતા અને નાપાસ થતા.

અર્જુનનો વારો આવ્યો ત્યારે એણે શરૂઆત જ પંખી અને પંખીની ડોકથી કરી. તરત જ એણે કહ્યું કે, હવે મને પંખીનું માત્ર માથું દેખાય છે અને સ૨સંધાન કરતાં એનું છેલ્લું ઉચ્ચારણ હતું, ‘હવે મને માત્ર પંખીની ચળકતી આંખ જ દેખાય છે. ’

દ્રોણાચાર્યે એને બિરદાવ્યો અને કહ્યું, ‘ચલાવ બાણ, તું સફળ થઈશ’ અને અર્જુને લક્ષ્યવેધ કર્યો. ગીતાજીના ઉપદેશમાં કૃષ્ણે હંમેશાં કર્મયોગ પર ભાર મૂક્યો છે. લક્ષ્ય ઉપરથી ધ્યાન નહીં હટાવવું અને સંપૂર્ણપણે લક્ષ્યને કેન્દ્રસ્થાને રાખીને પોતાની વ્યૂહરચના ગોઠવવાથી સફળ થવાય એ શીખ શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉપદેશના માધ્યમ થકી શ્રીકૃષ્ણ અર્જુનને અને પાંડવોને આપે છે.

પ્લાસીના યુદ્ધમાં પણ આવું જ થયું હતું. સિરાજુદૌલાની વિશાળ સેનાને અંગ્રેજોના મુઠ્ઠીભર પણ શિસ્તબદ્ધ લક્ષ્યકેન્દ્રીત લશ્કરે હરાવ્યું હતું. જીત હાંસલ કરવા માટે બીજા પણ કાવાદાવા થયા હતા. જનરલ પેટર્નના શબ્દોમાં કહીએ તો, ‘નો બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય ડાઈંગ ફોર હીઝ કન્ટ્રી, એ બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય મેકીંગ અધર્સ શુડ ડાય ફોર હીઝ કન્ટ્રી.’

અર્થાત્ કોઈ બેવકૂફ માત્ર પોતાના દેશ માટે શહીદી વહોરીને યુદ્ધ જીતી શકતો નથી, યુદ્ધ જીતવા માટે તો શત્રુપક્ષને ધ્વસ્ત કરવો પડે છે.

ગળાકાપ હરીફાઈના આ યુદ્ધમાં, લક્ષ પ્રતિબદ્ધતા, જાગરૂકતા અને પ્રતિસ્પર્ધીની નબળાઈઓનો લાભ ઉઠાવીને એને પરાસ્ત કરનાર મેનેજરો જ સ્પર્ધા જીતી શકે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)