મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન પર લડાવાનું છે. ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરમાં છે. જેમના હાથે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીપક પ્રગટ્યો તે પૂજ્ય રવિશંકર મહારાજ પોતાના પુસ્તક ‘ગીતાઃ બોધવાણી’માં યુદ્ધ પહેલાંની પરિસ્થિતિ અંગે કંઈક આમ લખે છે.
આપણા શરીરમાં રોજ કૌરવો અને પાંડવોની, દૈવી અને આસુરી વૃત્તિઓની લડાઈ ચાલે છે. ધૃતરાષ્ટ્ર એટલે જેણે રાજ્યને દબાવી પાડ્યું છે. સેંકડો આશાપાશથી બંધાયેલા છે એ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે :
‘આ કુરુક્ષેત્રની અંદર મારા અને પાંડવોના પુત્રો યુદ્ધ માટે એકઠા થયેલા તેમણે લડાઈમાં શું કર્યું તે કહે.’
ધૃતરાષ્ટ્રને ચિંતા છે કે જે દબાવેલું છે તે યુદ્ધમાં હારવાથી જતું રહેશે. જ્યારે પાંડવોને દુ:ખ થતું નથી કેમ કે ગયેલું છે તે મેળવવાનું છે. જેટલા બીજાનું દાબીને બેઠેલા છે તે બધા ધૃતરાષ્ટ્ર. એટલે તેઓ આંધળા હોય છે. જેઓએ ખૂબ પાશવી બળથી બીજાનું દબાવ્યું હોય છે તે આંધળા જ હોય છે.
ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આંખે પાટા બાંધતી હતી. એનો અર્થ એ કે ધૃતરાષ્ટ્ર જે કરે તે એને ગમતું નહોતું. પણ સતી હોવાને કારણે પતિની વચમાં આવતી નહોતી.
યુદ્ધ શરૂ કરતાં પહેલાં દુર્યોધને માતા ગાંધારી પાસે – યુદ્ધમાં વિજય થાય એવા આશીર્વાદ માંગ્યા ત્યારે માતા ગાંધારીએ કહ્યું, ‘જેટલો તારામાં સદધર્મ હશે તેટલો તારો વિજય થશે.’ એવા આશીર્વાદ આપ્યા હતા.
એના બધા છોકરા આંધળા હતા, એટલે કે ખોટું થાય તો કોઈ એમ નહોતું કહેતું કે ખોટું થાય છે. બધા જ એ રસ્તે જતાં હતા.
કહેવત છે, ‘જેનો સેનાપતિ આંધળો તેનું લશ્કર કૂવામાં.’ કૌરવોના મોભી ધૃતરાષ્ટ્ર તેમજ મદાંધ કૌરવો (સાચું) જોઈ શકતા નહોતા એટલે એમનું લશ્કર કૂવામાં જ પડવાનું હતું. આ ખૂબ અગત્યનું છે. ન્યાય અને નીતિને રસ્તે ચાલનાર ટીમ તમને અંતિમ વિજય તરફ દોરી જાય છે. કૌરવોની શરૂઆત જ ખોટી હતી.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)