અપમાન કોઈ પણ ક્ષેત્રમાં જાનલેવા બની શકે છે

કુંતિએ ગભરાટમાં કર્ણનો ત્યાગ કર્યો. એક સરસ મજાની છાબડીમાં રેશમની ગોદડીમાં કર્ણને સુવાડી સરયૂનદીમાં તરતો મૂકી દીધો. આ નદી આગળ જતાં ગંગાને મળે છે અને એ રીતે ગંગાસ્નાન માટે ગયેલા પતિપત્ની અધિરથ અને રાધા, જેમને સંતાન નહોતું, તેમને એ મળ્યો. અધિરથ હસ્તિનાપુરનો સારથિ હતો એટલે કર્ણ અધિરથ અને રાધાના પુત્ર (સારથિપુત્ર-સૂતપુત્ર) તરીકે ઉછર્યો. બધી રીતે સક્ષમ હોવા છતાં એણે રાજકુમારો માટેની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં ન આવ્યો, એટલું જ નહીં પણ ‘સૂતપુત્ર’ કહીને અપમાનિત કરી દેવામાં આવ્યો. બરાબર તે જ સમયે અને સ્થળે દુર્યોધને એને અંગદેશના રાજા તરીકે જાહેર કરી એનો રાજ્યાભિષેક કર્યો અને કર્ણ ‘અંગરાજ’ બન્યો.

અહીંયા પાંડવો દ્વારા એનું ઘોર અપમાન કરવામાં આવ્યું. એ સક્ષમ હોવા છતાં અર્જુનને હરાવી ન જાય તે માટે એને સ્પર્ધામાંથી અપમાનિત કરીને દૂર રખાયો અને તે સામે દુર્યોધને એને રાજા બનાવી સન્માન બક્ષ્યુ. આને કારણે કર્ણ અર્જુનનો કટ્ટર વિરોધી અને પાંડવદ્વેષી બન્યો તે છેક શ્રીકૃષ્ણ અને કુંતિએ મનાવ્યો તો પણ ના માન્યો.

ધનનંદે ચાણક્યનું કરેલું અપમાન, દ્રુપદે દ્રોણનું કરેલું અપમાન અને અહીંયા કર્ણનું અપમાન તેમજ દ્રૌપદીએ ‘આંધળાનાં આંધળાં’ જેવા વ્યંગાત્મક શબ્દોથી કૌરવોનું કરેલું અપમાન – કેવા ખતરનાક પરિણામો લાવે છે તે આપણા શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં લખેલું છે.

કોઈ પણ કંપનીના મેનેજર અથવા મેનેજમેન્ટે પોતાના કર્મચારી અથવા પ્રતિસ્પર્ધી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરવું જોઈએ. રાજકુંવરીને કાકુશેઠની દીકરીની કાંસકી જ જોઈતી હતી એટલે રાજાએ એ છિનવી લીધી. તે સામે નારાજ થઈ કાકુશેઠ વલ્લભીપુર ઉપર સુલતાનને ચઢાઈ કરાવવા લઈ આવ્યો હતો. આવા તો અનેક દાખલા છે, માટે વાણી કોઈ પણ ક્ષેત્રમાં સંબંધો જાળવવા માટે જરૂરી છે અને એ જ વાણી સંબંધોમાં પેટ્રોલ છાંટી ભડકો પણ કરે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)