ગીતોપદેશ અને ટીમવર્ક (સંઘબળ)

ભારત જેના કારણે ગુલામીની ઝંઝીરોમાં જકડાયું તે પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલાનું સૈન્ય ઘણું મોટું હતું પણ તેમાં ફૂટફાટ હતી. એનો સેનાપતિ મીર જાફર, શ્રેષ્ઠી જગત શેઠને ફોડી નાખવામાં આવ્યા હતા. લશ્કરમાં શિસ્ત અને એક ટીમ તરીકે લડવાની આવડતનો અભાવ હતો એટલે પ્રમાણમાં ઘણા નાના પણ શિસ્તબદ્ધ અંગ્રેજોની સેનાએ એને હરાવ્યું. મહાભારતમાં પણ આવું જ હતું. મહાયોદ્ધાઓ અને મહારથીઓ જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, અશ્વત્થામા વગેરેનો સમાવેશ થાય, તેની સરખામણીમાં પાંડવો પાસે સૈન્ય ઓછું હતું પણ એને દોરવણી આપનાર અને યુદ્ધ લડનાર બંને મજબૂત હતા.

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ।

તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥

અર્થાત જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે, ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે.

આ સંઘશક્તિ અને નેતૃત્વએ પાંડવોને વિજય તો અપાવ્યો પણ લગભગ છેલ્લા બોલે મેચ જીતાય તેવો આ વિજય હતો. પાંડવોના પુત્રો સમેત બધા હોમાઈ ગયા અને જો ભગવાન શ્રીકૃષ્ણની સહાય ન હોત તો પરીક્ષિતનું પણ માતાના ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું હોત. આ ટીમવર્ક અથવા સંઘબળ ના હોત તો કૌરવો એક આખી ઇનિંગ્સથી જીતી જાત એવી મજબૂત ટીમ હતી.

આજના આધુનિક વ્યવસ્થાપનમાં ટીમવર્ક અને સહકાર એટલે કે કોલાબ્રેશન અત્યંત અગત્યના પરિબળો છે. મેનેજમેન્ટ ટીમમાં ઐક્ય, એક ચોક્કસ ધ્યેય માટે કાર્યરત હોવું, સામૂહિક જવાબદારીને કારણે સંસ્થાને એની પાસે ઉપલબ્ધ બધી શક્તિઓનો સરવાળો કરવાની તક મળે છે. તેની સાથોસાથ દરેક વ્યક્તિનો પોતાનો વિચાર અસરકારકતા, નાવીન્ય અને ટકાઉ ઉત્તરો પૂરા પાડે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)