ટીટોડી ચકલી જેવું એક નાનકડું નિર્દોષ પક્ષી. એણે કુરુક્ષેત્રના રણમેદાન નજીક માળો બાંધ્યો. માનવો વચ્ચે ચાલતા ભીષણ યુદ્ધથી આ નિર્દોષ પક્ષી બિચારું અજાણ હતું. બીજા દિવસે સૂર્યોદય થયો. યુદ્ધનો આરંભ થયો. ભગવાન શ્રીકૃષ્ણની નજર આ માળા તરફ ગઈ. એમનું દિલ કરુણાથી છલકાઈ ઉઠ્યું. (છે ને વિરોધાભાસ?) તેઓ ઝડપથી છલાંગ મારી રથમાંથી નીચે ઉતર્યા. એક હાથીના ગળામાં બાંધેલો મોટો ઘંટ છોડીને એના થકી એમણે પેલા ઈંડાં ઢાંકી દઈ સુરક્ષિત કરી દીધા. વળી પાછો એ દિવસનો સૂર્યાસ્ત થયો. શ્રીકૃષ્ણે પેલા ટીટોડીના બચ્ચાં જ્યાં હતાં તે તરફ જોયું. બહાર પેલું નિર્દોષ પક્ષી, એમની મા હશે કદાચ, કલ્પાંત કરી રહી હતી. એનાં કલ્પાંતના સૂર આકાશ વીંધીને ઉપર ઉઠી ગયા હતા. શ્રીકૃષ્ણને ખ્યાલ હતો કે ઘંટ નીચે મૂકેલાં ઈંડાં સલામત હતાં. એમણે હળવા પગલે જઈ પેલો ઘંટ ઉપાડી લીધો અને ટીટોડીને એનો માળો સલામત મળી ગયો.
આવા ભીષણ યુદ્ધ વચ્ચે પણ એક નાનકડા નિર્દોષ જીવની કાળજી કરવાનો ઉપદેશ ગીતાજ્ઞાન આપે છે. ગાઝાપટ્ટીમાં અત્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. એક લાખ કરતાં વધુ નિર્દોષ લોકો જેમાં ૭૦ ટકા કરતાં વધુ સ્ત્રીઓ અને બાળકો છે, હોમાઈ ગયા છે. એમનો કોઈ વાંક ખરો?
પણ નેત્યાનાહુને શ્રીકૃષ્ણ જેવો સારથી નથી મળ્યો, નહીં તો આ નિર્દોષોનો સંહાર થયો ન હોત. ગીતા આ શીખવાડે છે. લડો, યુદ્ધો અનિવાર્ય છે, આદિ-અનાદિ કાળથી થતા રહ્યા છે પણ એ યુદ્ધો એ રીતે લડાવા જોઈએ કે જેમાં એક પણ નિર્દોષ વ્યક્તિને કોઈ પણ નુકસાન વેઠવું ના પડે.
નાનામાં નાના જીવ ટીટોડીની ભગવાન ચિંતા કરે છે, જ્યારે અહીંયા સ્ત્રીઓ અને બાળકોની કત્લેઆમ થાય છે, એટલું જ નહીં પણ એમને ખોરાક-પાણી વગર, મેડિકલ સહાય વગર, તડપાવી તડપાવીને ઘાતકી રીતે મારી નખાય છે.
આવું જ કાંઈક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે. આવું જ કાંઈક સુદાન અને મ્યાનમારમાં ચાલી રહ્યું છે. મહાભારત યુદ્ધ હતું, મહાભયાનક યુદ્ધ હતું પણ એમાં કરુણા સાવ મરી નહોતી પરવારી. આજના યુદ્ધ શત્રુની બરબાદીના એકમાત્ર લક્ષ્ય સાથે લડાય છે. એમાં પેલા ટીટોડીના બચ્ચાંની ચિંતા કોણ કરે ભલા?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)