ક્રાઈસિસ મેનેજમેન્ટ : અડીખમ નેતૃત્વ

મહાભારતના વનપર્વમાં સંકટ વ્યવસ્થાપન અંગે મળતી અમૂલ્ય શીખ એ છે કે જ્યારે વ્યક્તિ ધ્યેયથી ચંચળ બને, સંશયગ્રસ્ત થાય ત્યારે તેને ખોટી રીતે દબાવીને નહીં પરંતુ સમજાવીને ઉર્જાવાન બનાવી ધ્યેય તરફ વાળવો એ જ સાચું નેતૃત્વ છે. અર્જુન જ્યારે ધર્મસંકટમાં મુકાય છે અને પોતાનો માર્ગ ભૂલવા લાગે છે ત્યારે શ્રીકૃષ્ણ ધીરજપૂર્વક તેને પોતાના કર્મ, ધર્મ અને ધ્યેય અંગે સમજાવે છે. અહીં ક્રાઈસિસ મેનેજમેન્ટનાં ત્રણ સોપાનો – સમજૂતી, સંવાદ અને આત્મસંયમ મહત્વનો ભાગ ભજવે છે. આજે પણ ઘણા બધા જાણીતા નેતાઓ અને સંસ્થાઓએ આ સોપાનો અંગીકાર કર્યા છે. કોર્પોરેટ ક્ષેત્રે પણ આવાં અનેક ઉદાહરણો છે.

આવા જ એક ઉદાહરણ તરીકે, નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસમાં જ્યારે શરૂઆતના તબક્કે રોકાણકારોનો વિશ્વાસ ઓછો હતો ત્યારે ધીરજપૂર્વક સમજૂતી સાથે ટીમના દરેક સભ્યને જોડી રાખ્યો અને નૈતિકતાથી કંપનીને આગળ વધારી. બીજું ઉદાહરણ લઈએ તો રતન ટાટાએ 2008માં તાતા નેનો કાર પ્રોજેક્ટ સફળ ના થવા છતાં પણ ટીમને મોરલ સપોર્ટ આપ્યો અને આર્થિક નુકસાન બાદ પણ સંસ્થા તેમજ ટીમ સાથે અડીખમ ઉભા રહ્યા. આવાં ઉદાહરણો દર્શાવે છે કે સંકટ સામે લડવા માટે પોઝિટિવ દ્રષ્ટિકોણ અને ઇફેક્ટિવ સંવાદ ખૂબ જ મહત્વ ધરાવે છે.

અર્જુનની જેમ ઘણા કર્મચારીઓ સંકટ વખતે ગભરાટમાં કે ઉશ્કેરાટમાં આવીને પોતાની મર્યાદાઓ અને શક્તિઓ ભૂલી જાય છે ત્યારે નેતાનું કામ હોય છે તેમને પુનઃ તેમની ક્ષમતાનો અહેસાસ કરાવવાનું. સ્પેસએક્સના એલન મસ્ક પણ એક સમયે રોકાણકારોની ટીકા અને ટેકનિકલ નિષ્ફળતાઓ વચ્ચે પોતાની ટીમને પ્રેરિત કરતા રહ્યા અને સંવાદથી જ તેમને વિશ્વાસમાં લીધા અને એને કારણે એમણે કંપનીને એકવાર નહીં અનેકવાર પુનર્જીવિત કરી.

મહાભારતનો આ પ્રસંગ એ બતાવે છે કે સંકટ સમયે લીડર શાંતિ, નમ્રતા અને આધ્યાત્મિક સમજથી સમગ્ર ટીમને એક ઉર્જા આપે તો તેનું શું પરિણામ આવી શકે! સંકટ એ અવસર છે જેમાં નેતૃત્વની સાચી પરીક્ષા થાય છે. આ પ્રસંગ ટાઈમલેસ મેનેજમેન્ટ મેન્યુઅલ છે, જે આજે પણ દરેક સંસ્થાને શીખવે છે કે સંકટ નિવારણ માત્ર વ્યવહારુ યુક્તિથી નહીં પરંતુ ધૈર્ય અને વિચારોના સંવાદથી થાય છે. યાદ રાખો એ લીડર શુડ બી એ ડીલર ઇન હોપ.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)