ક્ષમા અને સંયમ દ્વારા સંઘર્ષ નિવારણ

મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવતાં ક્ષમા, દયા, સંયમ અને સંવાદને શાસન તથા સંબંધોની સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ માને છે. આ વિચારને આજના મેનેજમેન્ટના સંદર્ભમાં જોઈએ તો તેની અંદર Conflict Resolutionની અત્યંત આધુનિક સમજ છુપાયેલી દેખાય છે.

સંસ્થા હોય કે પરિવાર, મતભેદ થવાના નથી એવું માનવું અવાસ્તવિક છે; પરંતુ મતભેદને સંઘર્ષમાં અને સંઘર્ષને શત્રુતામાં ફેરવવા કે નહીં, એ માણસની પરિપક્વતા નક્કી કરે છે.

આજના સમયમાં કાર્યસ્થળે કોઈ કર્મચારીને પ્રમોશન ન મળે, સહકર્મચારી સાથે મતભેદ થાય, મેનેજરનો નિર્ણય અન્યાયી લાગે અથવા કોઈની વાત મીટિંગમાં સ્વીકારવામાં ન આવે ત્યારે ઘણીવાર મૂળ સમસ્યા કરતાં તેની પ્રતિક્રિયા મોટી બની જાય છે. એક કઠોર ઈ-મેઇલ, ગુસ્સામાં બોલાયેલું એક વાક્ય કે જાહેરમાં કરાયેલું અપમાન વર્ષોથી બનેલો વિશ્વાસ તોડી શકે છે.

તેથી સારા મેનેજરનું કામ માત્ર ફરિયાદનું નિરાકરણ કરવાનું નથી; ફરિયાદ પાછળ રહેલી લાગણીને સમજવાનું પણ છે. અહીં ક્ષમા કોઈની ભૂલને યોગ્ય ઠેરવવાનું નામ નથી અને સંયમનો અર્થ અન્યાય સામે ચૂપ રહેવું પણ નથી. ક્ષમા એટલે વ્યક્તિ અને તેની ભૂલ વચ્ચે ભેદ કરવાની ક્ષમતા; જ્યારે સંયમ એટલે યોગ્ય વાત યોગ્ય સમયે અને યોગ્ય ભાષામાં કહેવાની શક્તિ.

માનીએ કે કોઈ કર્મચારી મોટી ભૂલ કરે છે. નેતા જો તરત જ તેને બધાની સામે અપમાનિત કરે, તો કદાચ ભવિષ્યમાં તે ભૂલ છુપાવવાનું શરૂ કરશે. પરંતુ જો નેતા ખાનગી રીતે વાત કરીને પૂછે કે, ‘આ ભૂલ કેમ થઈ?’ તો કદાચ જાણવા મળે કે પ્રક્રિયા જ અસ્પષ્ટ હતી અથવા કર્મચારી પાસે પૂરતી તાલીમ નહોતી.

અહીં દંડ કરતાં સંવાદ સંસ્થાને વધુ શીખવે છે. આ જ જગ્યાએ Employee Grievance Handling માત્ર HRની પ્રક્રિયા ન રહીને Leadership Responsibility બની જાય છે.

નવી દૃષ્ટિએ જોવામાં આવે તો સંઘર્ષ નિવારણની સૌથી મોટી કળા ‘કોણ સાચું?’ પૂછવામાં નહીં, પરંતુ ‘આપણે આગળ કેવી રીતે સાથે ચાલી શકીએ?’ પૂછવામાં છે.

આજના સોશિયલ મીડિયા યુગમાં માણસ તરત પ્રતિભાવ આપે છે; નેતૃત્વ આપણને પ્રતિભાવ પહેલાં વિરામ લેવાનું શીખવે છે. કારણ કે ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ઘણીવાર સમસ્યા ઉકેલતો નથી, માત્ર પક્ષો નક્કી કરે છે.

બીજી તરફ, સંયમિત સંવાદ સમસ્યાને વ્યક્તિથી અલગ કરીને પ્રક્રિયા અને ઉકેલ તરફ લઈ જાય છે. એક પરિપક્વ સંસ્થા એવી નથી જ્યાં ક્યારેય મતભેદ ન થાય; તે એવી સંસ્થા છે જ્યાં મતભેદ વ્યક્ત કરવા માટે સુરક્ષિત જગ્યા હોય અને અસહમતિ પછી પણ સંબંધો જળવાઈ રહે.

ભીષ્મના વિચારમાંથી આજે ‘Forgiveness Culture’ અને ‘Psychological Safety’ જેવી સંસ્થાકીય વિચારધારાઓને નવી રીતે સમજાવી શકાય છે—ભૂલ કરનારને આંધળું સમર્થન નહીં, પરંતુ સુધરવાની તક આપવી.

અંતે, નેતૃત્વની સૌથી મોટી જીત વિરોધીને હરાવવામાં નથી, પરંતુ વિરોધને સહકારમાં પરિવર્તિત કરવામાં છે. સત્તાથી માણસને ચૂપ કરાવી શકાય છે, પરંતુ સંવાદથી જ તેની સાથે જોડાઈ શકાય છે.

ક્ષમા ભૂતકાળનો ભાર હળવો કરે છે, સંયમ વર્તમાનને સંભાળે છે અને સંવાદ ભવિષ્ય માટે રસ્તો બનાવે છે; એટલે સાચું સંઘર્ષ-વ્યવસ્થાપન એ જીતવાની કળા નહીં, સાથે જીતવાની કળા છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)