મહાભારતનું યુદ્ધ હવે નિશ્ચિત બને છે. ઈતિહાસમાં એવું લખ્યું છે કે આ યુદ્ધ જેટલું ભયાનક યુદ્ધ ભારતવર્ષે જોયું નહોતું. યુદ્ધની ઘોષણા થાય છે. બધા કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થાય છે. મહાવિનાશના ભણકારા સંભળાય છે. લાખોની સંખ્યામાં બંને પક્ષે સેના ભેગી થાય છે.
બધા પોતાના હથિયારો, ધનુષબાણ લઈને સજ્જ છે. એક બાજુ, પાંડવોતરફી અને બીજી બાજુ પાંડવોવિરોધી સેના ગોઠવાઈ જાય છે. એક તરફ યુધિષ્ઠિર સાથે પાંચ પાંડવો અને તેમની સેનાઓ અને બીજી બાજુ કૌરવસેના અને એમની સાથેની સેનાઓ, માનવ મહેરામણ ઉમટયું હોય તેવું દૃશ્ય ઊભું થાય છે. આ પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી બની કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચે છે. રથને બરાબર કુરુક્ષેત્રના મેદાનની વચ્ચેવચ્ચ લાવીને ઊભો કરે છે. અર્જુનના મનમાં મૂંઝવણ થાય છે કે આ શ્રીકૃષ્ણએ રથને વચ્ચેવચ્ચ કેમ ઊભો રાખ્યો હશે? થોડી વખત અર્જુન શાંત રહે છે પણ તેના મનમાં તો જાણે વિચારોનું વાવાઝોડું ચાલે છે. અંતે તેની ધીરજ ખૂટી જાય છે અને શ્રીકૃષ્ણને પૂછે છે કે, ‘હે કેશવ! આ રથને તમે મેદાનની વચ્ચે વચ્ચ કેમ ઊભો રાખ્યો છે?’ ત્યારે શ્રીકૃષ્ણ જે જવાબ આપે છે તે નોંધવા જેવો છે.
શ્રીકૃષ્ણ હલકી મુસ્કાન સાથે જવાબ આપે છે, ‘રથ વચ્ચે લાવવાનો ઉદ્દેશ્ય એ છે કે તું તારા પ્રતિસ્પર્ધીને બરાબર જોઈ શકે. મેદાનની એકબાજુએ ઊભા રહેવાથી પોતાના પ્રતિસ્પર્ધી વિશે ખ્યાલ આવતો નથી.’ આ વાતને જ આપણે કોઈપણ વહીવટ સાથે સરખાવી શકીએ છે. કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય કે કામ શરૂ કરવું હોય તો જાતે જે-તે ફિલ્ડમાં ઉતરીને જોવું પડે કે આપણા પ્રતિસ્પર્ધી કોણ છે? આપણે કોની સાથે હરીફાઈ કરવાની છે? આપણે કયું યુદ્ધ લડવાનું છે અને કયું યુદ્ધ છોડવાનું છે? આપણે પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કેટલું જોર લગાવવું પડશે? માર્કેટની ડિમાન્ડ શું છે? આપણે શું છોડવું પડશે? શું અપનાવવું પડશે? આ બધા સવાલોના જવાબો એક ખૂણામાં ઊભા રહેવાથી ન મળે તે માટે તો જાતે મેદાનમાં ઉતરવું પડે.
કોઈ પણ યુદ્ધ કે હરીફાઈમાં ઉતરતા પહેલા પ્રતિસ્પર્ધીની તાકાતનો અંદાજ કાઢવો અને એની વ્યૂહરચના સમજવી જરૂરી હોય છે. જેમ તરવાની સારામાં સારી ચોપડી વાંચીને તરતા શીખી જવાતું નથી તે જ રીતે કોઈ પણ સ્પર્ધામાં જાતે કૂદી પડ્યા સિવાય વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવતો નથી. કુરુક્ષેત્રના મેદાન પર સામસામે ગોઠવાયેલી બંને સેનાઓ જોઈને અર્જુન હતાશ થઈ જાય છે. બંને પક્ષે પોતાના જ કહેવાય તેમનું લોહી રેડાવાનું છે. એને આ યુદ્ધ નથી લડવું.
કૃષ્ણ એને આ ડિપ્રેશન અથવા હતાશામાંથી બહાર લાવવા ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. ‘અર્જુન વિષાદયોગ’ એક સારો સલાહકાર તમને હતાશામાંથી કઈ રીતે બહાર લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રીકૃષ્ણની પસંદગી પહેલા જ પગલે યોગ્ય પુરવાર થાય છે. મેનેજમેન્ટનો એક સિદ્ધાંત છે કે ડાહ્યા અને અનુભવી સલાહકારોથી ઘેરાયેલો એક સરેરાશ વ્યક્તિ પણ સફળ થાય છે અને દુર્યોધનની જેમ ઘમંડી અને મૂર્ખ સલાહકારોથી ઘેરાયેલો વ્યક્તિ વિનાશ નોતરે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)