મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા કેમ પડકારરૂપ છે?

કુણાલ ‘એ મારા પૈસા છે, હું રોજ મહેનત કરું છું ત્યારે કંપની મને પગાર આપે છે, તો મારા પૈસા પર મારો હક હોય કે નહીં..અને હું માત્ર એ પૈસાને યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટ કરવાની ઇચ્છા રાખું છું શું મને એટલો પણ હક નથી?’ રમોલા સારા હોદ્દા પર કામ કરતી એક વર્કિંગ વુમન છે. પરંતુ એનો પગાર એ બોલ્યા-ચાલ્યા વિના પરિવાર માટે ખર્ચી નાંખે છે. આ વખતે એના પગારમાંથી થોડા પૈસા એ ઇન્વેસ્ટ કરવા માંગે છે. પરંતુ એના પતિદેવ કુણાલને એ પસંદ નથી. એ કહે છે કે, જ્યાં પણ રોકાણ કરવું હશે એ પોતે કરશે..રમોલાએ નોકરી કરવાની, પગાર લેવાનો અને કુણાલ કહે એ પ્રમાણે એનો ખર્ચ કરવાનો. મતલબ કે રમોલાના પગાર પર એનો કોઈ હક નથી?

 

આજની એકવીસમી સદી અને સ્વતંત્ર ભારતમાં આ વાત કદાચ અચરજ પમાડે. પરંતુ આ એક કડવી અને સત્ય વાસ્તવિક્તા છે કે આજે પણ મહિલાઓનો એમની આવક પર હક નથી?

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, 2021માં લગભગ 77 ટકા મહિલાઓ પાસે પોતાનું બેંક એકાઉન્ટ હતું. જ્યારે 2022માં આ આંકડો 78 ટકા પર પહોંચી ગયો. 2023માં, 78.5 ટકા ભારતીય મહિલાઓ પાસે પોતાના બેંક એકાઉન્ટ હતું. ચાલુ વર્ષ એટલે કે  2024ના અહેવાલો અનુસાર, આ આંકડો લગભગ 79 ટકા સુધી પહોંચ્યો છે. બીજી બાજુ પોતાની આવક પર મહિલાઓનું કેટલું નિયંત્રણ છે એ વિશે વાત કરીએ તો  NFHS-5 દ્વારા 2021માં કરેલા સર્વેમાં 2021માં આશરે 53 ટકા મહિલાઓનું નિયંત્રણ એમની કમાણી પર હતું. જ્યારે 2022માં આ આંકડો લગભગ 52 ટકા હતો. 2023માં  52.5 ટકા અને ચાલુ વર્ષ એટલે કે  2024ના અહેવાલ અનુસાર, 53% મહિલાઓ જ પોતાની આવક પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને બેંકમાં એકાઉન્ટ તો છે,  પરંતુ મહિલાઓની આવક પરના નિયંત્રણમાં હજી પણ જટિલતા છે.

મહિલાઓ આ વાત સ્વીકાર કરતા ખચકાટ અનુભવે છે

સોશિયલ એક્ટિવિસ્ટ અલ્પા ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે, “એકબાજુ આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ, મહિલા પગભર બને એ માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે, તો બીજી બાજુ વરવી વાસ્તવિક્તા એ પણ છે કે મહિલાઓએ પોતાની આવકમાંથી પણ ખર્ચ કરતા પરિવાર કે પતિની મંજૂરી લેવી પડે છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષાની મહિલા અને ઘરકામ કરતી મહિલાઓને આવી બાબતોનું ભોગ વધારે બનવું પડે છે. એવી અનેક મહિલાઓ છે જે આખો મહિનો લોકોના ઘરના કામ કરે અને પગારની તારીખે એનો પતિ આવીને પૈસા લઈ જાય, અથવા તો પતિના જ એકાઉન્ટમાં ઓનલાઈન પેમેન્ટ થાય એવો આગ્રહ પણ રાખે. જોકે એનો અર્થ એ પણ નથી કે સારા હોદ્દા પર કામ કરતી મહિલાઓને આવી સમસ્યા નથી થતી. આ ખુબ જ સીંપલ વાત છે પરંતુ સારી આવક ધરાવતી મહિલાઓ આવી વાત સ્વીકારતા પણ સંકોચ અનુભવે છે. હકીકતમાં એમના પગાર પર એમનો હક નથી હોતો.”

 

મહિલાઓને દરેક વાત પુછવી પડે છે

સાચું કહું તો મારો પુરો પગાર મારા હાથમાં જ રહે છે, હું સ્વતંત્ર રીતે મારા પૈસા મારી મરજીથી વાપરી શકું છું, પરંતુ હા એ વાત પણ સત્ય છે કે હું એક સિંગલ મઘર છું. આ શબ્દો છે વડોદરાના ક્રિષ્ના જોશીના, ચિત્રલેખા.કોમને કહે છે, “મારી આસપાસ એવી ઘણી મહિલાઓને જોવું છું કે સારા હોદ્દા પર ઉચ્ચ પગાર સાથે નોકરી કરતી હોય પરંતુ એને કોઇ પણ વસ્તુ લેવી હોય કે પછી કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય કે પછી કોઈને પોતાના પૈસાથી મદદ કરવી હોય તો એ કહે છે, મારે એમને(પતિ)ને પૂછવું પડશે. ત્યારે મને ખુબ દુઃખ થાય છે કે પોતાની આવક ખર્ચ કરવા માટે પણ મહિલાએ પતિ કે પરિવારને પૂછવું પડે એ યોગ્ય નથી.”

આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આજે પણ એમ માનવામાં આવે છે કે મહિલા ભલે દેશનું પ્રતિનિધિત્વ કરતી હોય, મહિલા ભલે દેશનું બજેટ બહાર પાડે, મહિલા ભલે વિશ્વ લેવલે ખ્યાતિ મેળવે, મહિલા ભલે પુરુષ કરતા વધુ આવક મેળવતી હોય, પરંતુ જ્યારે એની આર્થિક સધ્ધરતાની વાત આવે એટલે એને પાંગળી બનાવી દેવામાં આવે છે. એટલે એને કામ તો કરવાનું પરંતુ એની આવક પર એના કરતાં એના પતિ, બાળક કે પરિવારનો વધારે હક. કારણ કે એને કામ કરવાની પરવાનગી પુરુષ સમાજ આપે છે. આવી ખોટી ભ્રામકતાના કારણે પગભર હોવા છતા મહિલા આર્થિક રીતે સ્વતંત્ર નથી.

હેતલ રાવ