યુવતીએ ક્યારે લગ્ન કરવા એ કોણ નક્કી કરે?

ફરી એક ફેમિલી ગેધરિંગ, ફરી એ જ વાત. સંસ્કૃતિને કાકીએ ટપકારતા કહ્યું, બેટા, હવે તો ઉંમર થઈ, લગ્ન ક્યારે? સંસ્કૃતિએ હસીને વાત ટાળી, પણ એના મનમાં અનેક સવાલો થતા હતાઃ શું લગ્ન ન કર્યા એટલે મારું જીવન અટકી ગયું? હું ભણું, નોકરી કરું, મારી રીતે જીવું, પણ લોકોને બસ એક જ ચિંતા, લગ્ન કેમ નથી થયા? સમાજને શું ફરક પડે હું ક્યારે લગ્ન કરું?

સંસ્કૃતિ મનમાં ને મનમાં વિચારી રહીઃ મમ્મી-પપ્પા પણ ચિંતા કરે અને એમની આ ચિંતા સમજું છું, પણ આ ચિંતા એમની નથી, સમાજની છે. એમણે જ મને આગળ વધતા શીખવ્યું,  પણ હવે કહે છે થોડું એડજસ્ટ કર. એડજસ્ટ એટલે શું? પોતાના સપના દબાવી દેવા?  હું એવો સાથી શોધું છું જે મારી સાથે ખભેખભો મિલાવે, નહીં કે મને બદલવાનો પ્રયત્ન કરે. શું લગ્ન એ જીવનનો એકમાત્ર ધ્યેય છે?

કોઈ યુવતિએ લગ્ન કયારે કરવા એ નિર્ણય લેવાનો હક એને નથી?

સ્ત્રીઓને પણ સમાન પસંદગીનો અધિકાર મળવો જોઈએ

લગ્ન એક વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ, એમાં દબાણ કે બળજબરી ન હોવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની પસંદગીના અધિકાર સાથે જન્મે છે, કારણ કે એ તેમનું જીવન છે. એ જે રીતે જીવવા માંગે છે, જે કરવા માંગે છે, એ એમની પસંદગી છે. જ્યારે તેઓ પોતાનું જીવન સ્થિર કરવા માંગે, ત્યારે તેઓ પોતાના માટે સૌથી યોગ્ય જીવનસાથી શોધી શકે છે, જે એમને સમજે અને એમની સાથે સુસંગત હોય. આ એમની પસંદગી છે કે તેઓ પહેલા પોતાનું કરિયર સ્થાપિત કરવા માંગે છે કે પછી કુટુંબ શરૂ કરવા માંગે છે. આ બાબતમાં કોઈને એમના પર આંગળી ચીંધવાનો કે એમના ચારિત્ર્ય કે પસંદગી પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડેન્ટલ સર્જન ડો. સ્નેહા છાબરા કહે છે, “પુરુષોને પોતાનું જીવન સ્થિર કરવા, કરિયર બનાવવા અને કુટુંબ માટે કમાણી કરવાની પસંદગી આપવામાં આવે છે, તો સ્ત્રીઓને પણ સમાન પસંદગીનો અધિકાર મળવો જોઈએ. જો કોઈ સ્ત્રી લગ્ન માટે તૈયાર ન હોય, તો કોઈને એના પર આંગળી ચીંધવાનો કે એવું કહેવાનો અધિકાર નથી કે એનામાં કંઈક ખામી છે. આ એનું જીવન છે, એને પોતાની રીતે જીવવા દો. આપણે એમના પર આપણા મંતવ્યો થોપવાનો પ્રયાસ ન કરવો જોઈએ.”

પહેલા કારકિર્દીને પ્રાધાન્ય આપવું ખોટું નથી

આજના સમયમાં દરેક યુવતી સૌપ્રથમ પોતાની કારકિર્દી બનાવવા અને માનસિક રીતે સ્વસ્થ રહીને પોતાના પગ પર ઊભા રહેવાનું લક્ષ્ય રાખે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર દિપ્તી જોષી કહે છે, “આજના સમાજનો દૃશ્યપટ જોતાં, દરેક યુવતી પહેલા ભણીને, કમાઈને, અને અદ્ભુત આત્મવિશ્વાસ હાંસલ કરીને સમાજમાં અને પોતાના પરિવારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. પોતાના માતા-પિતાને આર્થિક રીતે ટેકો આપ્યા પછી જ એ લગ્ન વિશે વિચારે છે. ઉત્તમ કારકિર્દી બનાવવા અને પરિવારની જવાબદારીઓ નિભાવતાં એના લગ્નનો સમય 30થી 35 વર્ષ સુધી જાય છે. આમાં કંઈ ખોટું નથી. પોતાના ભવિષ્યના જીવન માટે પહેલા કારકિર્દીને પ્રાધાન્ય આપવું ખોટું નથી. સમાજે આવી યુવતીઓના વિચારને, એમના શિક્ષણ અને આદર્શોને સંપૂર્ણ રીતે સ્વીકારીને એમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ. એમને ટેકો આપવો જોઈએ. જે યુવકને આવી યુવતી પસંદ હોય, એણે એની કારકિર્દી અને નિર્ણયો પર ગર્વ અનુભવવો જોઈએ, અને એના આ નિર્ણયને માન આપવું જોઈએ.”

મહિલાઓના જીવન માટે સમાજની લીમિટો હવે બદલાવાની જરૂર છે

આજની યુવતીઓ શિક્ષિત છે, સંવેદનશીલ છે અને પોતાનું કરિયર બનાવવાની ક્ષમતા રાખે છે. બાળપણથી જ એમને કહેવામાં આવે છે કે ભણો, સપનાઓ જુઓ, ઊંચાં ઉડો  પણ જ્યારથી વાત લગ્નની આવે છે, ત્યારે એ દરેક સપનાને રોકવાનો, મર્યાદિત કરવાનો પ્રયોગ થવા લાગે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા આઇઇએલટીએસ ટ્રેનર અને બિઝનેસ વુમન કપિલા ગાંધી કહે છે કે, “કોઈ પણ યુવતીનું 22-23 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂર્ણ થાય, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, જોબ, સેટલ થવામાં જ 28-30ની ઉંમર થઈ જાય છે, એ નૅચરલ છે. યુવતીઓ આ ઉંમરે ખૂબ મેચ્યોર પણ બને છે. પરંતુ સમાજ આજે પણ એ જ જૂના પરિપ્રેક્ષ્યમાં વિચારે છે કે છોકરીએ ભણ્યા પછી ઘરના કામમાં જ લાગવું જોઈએ, લગ્ન પછી કરિયર પર ધ્યાન ઓછું આપવું જોઈએ. એવુ લાગતું હોય કે શિક્ષણ માત્ર એક ‘માર્કેટ વેલ્યુ’ વધારવા માટે આપવામાં આવ્યું હોય. હકીકત એ છે કે હવે માતાઓ પણ એ સમજવા લાગી છે કે જેમ એમના સપનાઓ અધૂરા રહી ગયા, એમ દીકરીના સપનાઓ અધૂરા ન રહે. સમાજને પણ હવે એ મર્યાદિત પેરેમિટરથી બહાર આવીને માનવું પડશે કે યુવતી પોતાનું જીવન ક્યારે, કેવી રીતે જીવવી એનો નિર્ણય લે એ એનો અધિકાર છે.”

શિક્ષણ, કરિયર અને લગ્ન આ ત્રણેય પસંદગીઓમાં યુવતીની ઈચ્છા કેન્દ્રસ્થાને હોવી જોઈએ, નહીં કે સમાજની મર્યાદા.

હેતલ રાવ