દિવાળીમાં ટ્રેડિશનલ પરિધાન પહેરવામાં વાંધો શું છે?

દીકરી પૃથાને સમજાવતા બરખાબહેન બોલ્યા, આખું વર્ષ તને ગમે એવા કપડા તું પહેરે છે, છતાં હું કશુ જ કહેતી નથી. પણ દિવાળી માટે તો જીન્સ, સ્કર્ટની જગ્યાએ ટ્રેડિશનલ ડ્રેસ ખરીદી શકે ને ? મમ્મીની વાત સાંભળી પૃથા બોલી, યાર મમ્મી તું પણ તારા જમાનામાં જ જીવે છે. હવે એવું નથી કે દિવાળી હોય એટલે ટ્રેડિશનલ કપડાં જ પહેરવાના. સમયની સાથે બધુ બદલાઈ ગયું છે. બરખાબહેન બોલ્યા, હા બધુ બદલાઈ તો ગયું છે પણ આપણી સંસ્કૃતિ નથી બદલાઈ. એક કામ કર. તું તારે મનફાવે એવા કપડા પહેરજે, પણ હા પછી અમારી સાથે પૂજામાં બેસવાની કે મંદિરે દર્શન કરવા આવવાની જરૂર નથી. તું તારે બદલાયેલા સમય સાથે ફરજે હોં. બરખાબહેનને ગુસ્સામાં જોઈ પૃથાએ કહ્યું મમ્મી આમ ચિડાઈશ નહીં, હું તો તને અકળાવતી હતી. સાચું કહું દિવાળી માટે મે તારા ગમતા કલરનો સરસ મજાનો સલવાર સુટ લીધો છે. હવે તો ખુશ થઈ જા.

બરખાબહેનને તો પૃથાની વાત સાંભળીને હાશ થઈ, પણ ખરેખર આજના આધુનિક યુગમાં દિવાળી પરિધાનને લઈને અનેક મહિલાઓના મનમાં કસમકસ ચાલતી હોય છે. ખાસ કરીને નવી પેઢી અને જૂની પેઢીમાં તો ક્યારેક રીતસરના આંતરિક વિખવાદ પણ થઈ જાય છે. ત્યારે એ સવાલ તો જરૂર થાય કે દિવાળીમાં ટ્રેડિશનલ પરિધાન પહેરવામાં વાંધો શું છે?

દિવાળી તહેવાર દરમિયાન હવે મહિલાઓ અને યુવતીઓ ઇન્ડો-વેસ્ટર્ન અને વેસ્ટર્ન કપડામાં પહેરવાનું પસંદ કરે છે. જેમાં ખાસ કરીને ફ્યૂઝન અને સ્ટાઇલિશ લુક સાથે માર્ડન-ટચ આપે છે. હમણાં હમણાં લેટેસ્ટ ટ્રેન્ડમાં લોકપ્રિય વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન પરિધાનની પસંદગીમાં ધોતી પેન્ટ સાથે ટયુનિક ટોપ, શરારા સાથે ક્રોપ ટોપ અને જેકેટ, પલાઝો પેન્ટ અને કુર્તા, ફ્યુઝન સાડી અથવા ડ્રેપ સાડી, સ્કર્ટ અને લાંબી કુર્તી, જીન્સ સાથે ટ્રેડિશનલ ટોપ અથવા શ્રગ, કફતાન ટોપ અને પેન્ટ, ક્લોટ્સ અને પેપલમ ટોપ પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.

દિવાળી પરંપરાગત તહેવાર છે, એમાં ટ્રેડિશનલ પરિધાન કેમ નહીં?

બેંગ્લોરના આરતીબહેન રાજપોપટ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, હું માનુ છુ કે તહેવારોમાં તો ટ્રેડિશનલ પરિધાન જ જોઈએ. આપણે દરિયાકિનારે, હિલ સ્ટેશન કે પછી ડિસ્કોમાં જઈએ તો એ પ્રમાણે જ વસ્ત્રો પહેરીએ છીએ. તો પછી દિવાળી તો આપણો પરંપરાગત તહેવાર છે તો એમાં ટ્રેડિશનલ પરિધાન કેમ નહીં? એ તહેવારની વાઈબ્સ પણ આપે છે. જો કે આજકાલ ટીવી સીરીયલ, ફિલ્મ, એડવર્ટાઇઝીંગમાં તહેવારોને લઈને ટ્રેડિશનલ પોશાક બતાવવામાં આવે છે. જેના કારણે આજની જનરેશન ફેશન સમજીને પણ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરતી થઇ છે. આજના બાળકોને આપણા પરંપરાગત તહેવાર અને એની સાથે જોડાયેલી પરંપરા ઉપરાંત પરિધાનો વિશે શાંતિથી અને સાચી સમજ આપવી જરૂરી છે. હું માનું છું કે પરાણે બાળકોને ટ્રેડિશનલ પોશાક પહેરવાની જીદ કરવાની જરૂર નથી. એમને સમજાવવાની જરૂર છે.

દિવાળી પર ટ્રેડિશનલ પરિધાન સારા લાગે એમ હું માનું છુ!

જાણીતા લેખિકા દિનાબહેન રાયચુરા ચિત્રલેખા.કોમને કહે છે, દિવાળીનો તહેવાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. મને આજે પણ યાદ છે કે હું નાની હતી ત્યારે મારા મમ્મી વહેલી સવારે ઉઠીને બ્રાઈટ કલરનું સેલુ પહેરી, માથામાં સરસ મજાની મોગરાની વેણી નાખીને વડીલોને પગે લાગવા જતી. જો કે આજની આધુનિકતામાં આવા દ્રશ્યો ઘણા ઓછા જોવા મળે છે. છતાં દિવાળી જેવા તહેવાર પર તો ટ્રેડિશનલ પરિધાન સારા લાગે એમ હું માનું છુ. જો કોઈ યુવતીને જીન્સ ગમતું હોય તો એ પહેરી શકે પરંતુ પ્રયત્ન કરવો કે એના પર ટ્રેડિશનલ કુર્તી પહેરે. જેનાથી એ પણ ખુશ અને એને જોઈને પરિવારના વડીલોને પણ ખુશી થાય. દિવાળીના આ તહેવારોમાં ચાર-પાંચ દિવસ દરમિયાન ટ્રેડિશનલ લૂક રાખીએ તો સારું જ છે.

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે

અમદાવાદની ફેશન ડિઝાઈનર અને આજના યુવાનોને નવા ટ્રેન્ડથી માહિતગાર કરતી ઝરણા સોની ચિત્રલેખા.કોમને કહે છે કે, દિવાળીનો તહેવાર એટલે પ્રભુ શ્રી રામના આગમનનો ઉત્સવ. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે ટ્રેડિશનલ કપડા જ પહેરીએ, તો પછી આ તો આપણો સૌથી મોટો તહેવાર છે. માટે ટ્રેડિશનલ પરિધાન જ શોભે. સામાન્ય રીતે તો સાડી ઓલ ટાઈમ હીટ છે. પરંતુ યુવતી શોર્ટ સરારા, ડિઝાઈનર કુર્તી વધુ પસંદ કરે છે. ઉપરાંત લહેંગા, ચણીયા-ચોળી અને હેવી ડ્રેસ કેરી કરી દિવાળીની ઉજવણી કરે છે.

 

ટ્રેડિશનલ ડ્રેસ માત્ર વસ્ત્ર નથી, એ આપણી સંસ્કૃતિનો અહેસાસ કરાવતી એક એવી ચીજ છે, જે વારસામાંથી મળેલી છે. આ વસ્ત્રો માત્ર આપણી ઓળખ જ નહીં, પરંતુ તહેવારના આનંદ અને ગૌરવને પણ વધારે છે. આજના યુગમાં ફેશન અને પસંદગી બદલાઈ છે, અને લોકોને પોતાની રીતે તહેવાર મનાવવાનો હક્ક છે, પરંતુ દિવાળી માત્ર પ્રકાશના પર્વની સાથે આપણને આપણા મૂળ અને સંસ્કૃતિની એકદમ નજીક લાવે છે.

હેતલ રાવ