કોઈપણ દેશની આર્થિક સ્થિરતા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવાની ક્ષમતા માટે સોનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. સોનું માત્ર એક કિંમતી ધાતુ નથી, પરંતુ એ આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય સ્થિરતાનો મુખ્ય આધારસ્તંભ પણ છે. ૧૮૦૦ અને ૧૯૦૦ના દાયકામાં સોનું વૈશ્વિક અર્થતંત્રનો એક અભિન્ન ભાગ હતું, જ્યારે ઘણા દેશોએ એમના ચલણોને સોનાના ભંડાર સાથે જોડ્યા હતા.
૧૯મી અને ૨૦મી સદીની શરૂઆતમાં, મોટાભાગના દેશોએ એમના ચલણો સોનાના મૂલ્ય પર આધારિત રાખ્યા, જેને “ગોલ્ડ સ્ટાન્ડર્ડ” તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે જારી કરાયેલા દરેક ચલણનું સોનામાં એક નિશ્ચિત મૂલ્ય હતું, અને લોકો એમના પૈસાને સોનામાં રૂપાંતરિત કરી શકતા હતા. આમ, સોનું એ દેશની આર્થિક સ્થિરતા અને એના ચલણની મજબૂતાઈનો મુખ્ય આધાર હતો.
આધુનિક સમયમાં સોનાનું મહત્વ
૧૯૭૦ના દાયકાથી વૈશ્વિક અર્થતંત્રમાં સોનાનો સીધો ઉપયોગ બંધ થઈ ગયો હોવા છતાં સોનાનું મહત્વ ઘટ્યું નથી. આજે પણ સોનું સંપત્તિના સલામત અને સ્થિર ભંડાર તરીકે જોવાય છે, ખાસ કરીને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં. જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર કટોકટીમાં હોય છે ત્યારે સોનાની સંપત્તિ એની વૈશ્વિક વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એના નાણાકીય વ્યવહારોને ટેકો આપે છે.
આ દેશો પાસે છે અધધધ સોનું
સોનાના સંગ્રહમાં સૌથી પહેલું નામ કોઈ હોય તો એ મહાસત્તા ધરાવતું અમેરિકા છે. અમેરિકા પાસે 8,133.46 ટન ગોલ્ડ છે. જ્યારે બીજા નંબર પર છે જર્મની, જે 3,351.53 ટન સોનું ધરાવે છે. એ જ રીતે ઇટાલી પાસે 2,451.84, ફ્રાન્સ 2,436.97, રશિયા 2,335.85, ચીન 2,264.32 અને જાપાન પાસે 845.97 ટન સોનું છે. ભારતની વાત કરીએ તો સોના સંગ્રહમાં આપણો દેશ આઠમું સ્થાન ધરાવે છે. ભારત પાસે 840.76 ટન સોનાની સંપત્તિ છે. નવમાં નંબરે નેધરલેન્ડ છે, જેની પાસે 612.45 ટન સોનું છે. દસમા નંબરે તુર્કી આવે છે, જેની પાસે 584.93 ટન સોનું છે.
દુનિયામાં કેટલું સોનું ઉપલબ્ધ છે?
અત્યાર સુધીમાં, વિશ્વમાં આશરે 244,000 મેટ્રિક ટન સોનું મળી આવ્યું છે. જેમાંથી 187,000 મેટ્રિક ટન સોનું ઉત્પન્ન થયું છે અને 57,000 મેટ્રિક ટન સોનું હજુ પણ ભૂગર્ભમાં છે. સૌથી વધુ સોનું ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું છે. 2016માં, યુનાઇટેડ સ્ટેટસ સોનાના ઉત્પાદનમાં ચોથા ક્રમે હતું.
કેમ કરવામાં આવે છે સોનાનો સંગ્રહ?
આર્થિક સ્થિરતા: સોનું એક સ્થિર અને વિશ્વસનીય અનામત છે, જે દેશના અર્થતંત્રને નાણાકીય કટોકટીથી બચાવવામાં મદદ કરે છે.
ચલણ સપોર્ટ: ઐતિહાસિક રીતે સોનું દેશના ચલણની મજબૂતાઈ અને એની નાણાકીય સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહ્યું છે.
વિશ્વસનીયતા: વૈશ્વિક અનિશ્ચિતતાઓ દરમિયાન, અન્ય દેશો સાથે વેપાર અને દેવાના વ્યવહારો માટે સોનાનો ભંડાર રાખવો મહત્વપૂર્ણ છે.
ભારતમાં સોનાનું વિશેષ મહત્વ
ભારતમાં સોનાને માત્ર રોકાણનું સાધન નહીં, પણ સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ આપવામાં આવે છે. લગ્ન, તહેવાર અને અન્ય પ્રસંગોએ સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. એ આર્થિક સુરક્ષાનું પ્રતિક પણ છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે અને લોકો એને લોંગટર્મ રોકાણ માટે વિશ્વમાં સૌથી વધુ સોનું ભારતમાં વપરાય છે. એમ કહી શકાય છે ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે. દર વર્ષે 800થી 900 ટન સોનું ભારતમાં આયાત થાય છે, જે મોટા ભાગે આભૂષણ ઉદ્યોગ અને રોકાણ માટે વપરાય છે. ભારતીય પરિવારો સોનાને લાંબા ગાળાની સંપત્તિ અને ભવિષ્યની સુરક્ષા તરીકે જોવે છે. ગ્રામીણ ભારતમાં આજે પણ સોનું એક મહત્વપૂર્ણ નાણાકીય સંપત્તિ છે, અને કેટલાય ખેડૂત અને વ્યાપારીઓ તાત્કાલિક જરૂરિયાત માટે સોનાના દાગીના ગીરવે મૂકી લોન લેતા હોય છે. જયારે રોકાણની બાબતમાં પણ ભારતીયો અવલ્લ છે. ભારતીય બજારમાં સોનાના સિક્કા, બિસ્કિટ અને ગોલ્ડ ઈટીએફ (Exchange Traded Funds) જેવી વિવિધ રોકાણની તકો ઉપલબ્ધ છે. છેલ્લાં દાયકાઓમાં ડિજિટલ ગોલ્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ લોકપ્રિય બન્યા છે, જે ભારતીય રોકાણકારોને સોનામાં રોકાણ માટે વધુ સુવિધા પૂરી પાડે છે. ભારત મુખ્યત્વે સાઉદી અરેબિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી સોનું આયાત કરે છે. વિશ્વભરમાં ખાસ કરીને અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાં ભારતના સોનાના દાગીનાનો નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. |
આર્થિક સ્થિરતાનુ પ્રતીક છે સોનું
સોનાની સંપર્તિએ માત્ર કિંમતી ધાતુનો સંગ્રહ નથી પરંતુ એ દેશની આર્થિક સ્થિરતા અને સુરક્ષાનું પણ પ્રતીક છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં, સોનું સૌથી મહત્વપૂર્ણ અનામત સાબિત થાય છે, જે દેશોને નાણાકીય કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. એથી સોનાના ભંડાર હજુ પણ વિશ્વના દેશોની તિજોરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
હેતલ રાવ
