અમદાવાદના મધ્યમાં આવેલા ઐતિહાસિક ત્રણ દરવાજામાંથી પસાર થાઓ એટલે ગોખમાં એક દીવો પ્રગટતો જોવા મળે. અહીંથી પસાર થતા લોકો અહીં શીશ ઝુકાવીને નમન કરતાં જાય છે. ગોખલાની આજુબાજુ નજર કરો તો મંદિર અથવા દરગાહ દેખાતી નથી, પણ ભદ્રકાળી મંદિરથી થોડે જ દુર આવેલો આ ગોખ લક્ષ્મીજીના દીવા તરીકે ઓળખાય છે. જાણીને નવાઇ લાગશે પણ આ ગોખમાં દીપ પ્રગટાવવાનું કામ શહેરના જ મુસ્લિમ પરિવાર કરે છે!
લોકવાયકા મુજબ જયારે અહમદશાહ બાદશાહનું શાસન હતું ત્યારે સાંજ પડે શહેરના પ્રવેશ દ્વાર ઉપર આવેલા આ તમામ દરવાજા બંધ થઈ જતા. એક રાત્રે દરવાજા બંધ થયા બાદ મા લક્ષ્મી બહાર જઈ રહ્યા હતા, પણ દરવાજો બંધ હતો. લક્ષ્મીમાતાએ પોતાનો પરિચય મુસ્લિમ દરવાનને આપી દરવાજો ખોલવા કહ્યું. એ વખતે મુસ્લિમ દરવાને કહ્યું કે બાદશાહની પરવનાગી વગર રાત્રે દરવાજો ખુલશે નહીં. લક્ષ્મીજીએ તેને બાદશાહની મંજુરી લઈને દરવાજો ખોલવા કહ્યું ત્યારે દરવાને શરત મૂકી કે તે બાદશાહની મંજુરી લઈ ના આવે ત્યાં સુધી તમે દરવાજાની બહાર જશે નહીં. લક્ષ્મીજીએ વચન આપ્યું.
દરવાન બાદશાહ પાસે ગયો અને ભરઉંઘમાં રહેલા બાદશાહ સામે પોતાનું માથુ ધરી હાથમાં તલવાર આપતા કહ્યું કે, તમે મારૂં માથુ કાપી નાખો. કારણ કે, હું હવે પરત જઈશ તો લક્ષ્મીમાતા જતા રહેશે અને આ નગર દરીદ્ર થઈ જશે. બાદશાહે દરવાનનું માથુ કાપી નાંખ્યુ. એ દરવાનની કબર આજે પણ ભ્રદ્રકાળી મંદિરની ઉપર ભાગે આવેલા કિલ્લામાં અહમદશાહની કબરની બાજુમાં આવેલી છે.
લક્ષ્મીજી જયાં ઊભા હતા તે દરવાજામાં છસો વર્ષથી લક્ષ્મીનો અખંડ દીવો પ્રગટે છે અને દીવાની સંભાળ હજુ એ મુસ્લિમ દરવાનના વંશજો જ રાખે છે. અમદાવાદમાં વેપાર કરતાં ઘણાં લોકોએ પોતાની જૂની પેઢી કે વેપારના સ્થળ હજુ અહીં સાચવી રાખ્યા છે, કારણ કે એ લોકો માને છે આ ઐતિહાસિક અમદાવાદમાં લક્ષ્મીજીનો વાસ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
