ભારતમાં દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે એની સામે ડોનેશન માત્ર ચાલીસ લાખ જેટલું જ મળે છે. જો કે ગુજરાતની વાત કરીએ તો World Health Organization(WHO) પ્રમાણે માથાદીઠ 1 ટકા રક્તદાનની જરૂરિયાત સામે ગુજરાત રાજ્યમાં 1.63 ટકા રક્તદાન થાય છે. માટે એમ કહી શકાય કે સમગ્ર દેશમાં રક્તદાન કરવામાં ગુજરાત મોખરે છે. આમ છતાં આ પરિસ્થિતિમાં ઉનાળા દરમિયાન ફેરફાર થાય છે. ગત માર્ચ અને એપ્રિલ મહિનાની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ બ્લડની અછત સર્જાઈ હતી.
દર વર્ષે 14 જૂન એ બ્લડ ડોનેશન ડે તરીકે મનાવાય છે ત્યારે આ વિષયને આવો વિસ્તારથી સમજીએ..
લોહીની તંગી કેમ સર્જાય છે?
વર્ષ 2022-23ની વાત કરીએ તો રાજ્યમાં અંદાજે 9,88,795 યુનિટ રક્તદાન થયું છે, જેમાં 77 ટકા સ્વૈચ્છિક રક્તદાન છે. જોકે ગરમીનો પારો વધતાં રાજ્યની 194 બ્લડ બેંકમાં 75 ટકા સુધી સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં ખાસ કરીને AB-,A-,B- અને O- બ્લડ ગ્રુપ ના લોહીનો સ્ટોક ઓછો હતો. જ્યારે AB+,A+,B+,અને O+ બ્લડ ગ્રૂપના લોહીનો સ્ટોક મર્યાદિત છે. ગુજરાતની અલગ-અલગ સરકારી, સ્ટેન્ડઅલોન, ચેરીટેબલ અને ખાનગી બ્લડ બેંકમાં પેક્ડ રેડ બ્લડ સેલની ડિમાન્ડ સામે માત્ર 25 ટકા જેટલું જ સ્વૈચ્છિક રક્તદાનથી લોહી મળી રહ્યું છે. જેના કારણે કહી શકાય કે ઉનાળાના સમયમાં લોહીની તંગી સર્જાય છે.
રક્તદાનમાં કેમ થયો ઘટાડો?
અમદાવાદમાં દર મહિને 25થી 30 હજાર અને રાજ્યમાં એક લાખથી વધુ રક્તની જરૂરિયાત હોય છે. જેમાં ખાસ કરીને થેલેસેમીયાના દર્દીઓને રક્તની જરૂરિયાત વધારે હોય છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ રક્તદાતાઓમાં ઘટાડો જોવા મળે છે. સામાન્ય દિવસોની સરખામણીમાં ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં 50 ટકા જેટલું જ રક્તદાન થતું હોય છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાતના રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર કહે છે, “ઉનાળા દરમિયાન બ્લડની અછત રહે એની પાછળ અનેક કારણો છે. જેમ કે કોલેજો તથા યુનિવર્સીટીઓમાં પરીક્ષા ચાલતી હોય છે. શાળાઓમાં વેકેશન શરૂ થાય તો કેટલાક લોકો ફરવા જાય, તો અન્ય લોકો જે બહારગામથી શહેરમાં અભ્યાસ માટે આવ્યા હોય એ પણ પોતાના વતનમાં જાય છે. જેના કારણે બ્લડ કેમ્પ ઓછા થાય છે. જેથી બ્લડની અછત સર્જાય છે.”
ડો.પ્રકાશ કહે છે, “બ્લડની અછતને નિવારી પણ શકાય છે. જાગૃત લોકો બ્લડ બેંક પર જઈને બ્લડ ડોનેશન કરવું જોઈએ, એટલું જ નહીં સોસાયટીઓમાં, વિવિધ કલબ, સંસ્થાઓએ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ.”
AB Negative ગ્રુપનું બ્લડ સૌથી ઓછું ડોનેટ થાય છે
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોતાની બ્લડબેંક છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છેઃ “સિવિલ હોસ્પિટલમાં રોજ એવરેજ 100 બોટલ Packed Red Cells, 40 બોટલ Fresh Frozen plasma, 30 બોટલ Platelets ની જરૂરીયાત હોય છે. એક બોટલમાં 350ml અથવા 450ml બ્લડ હોય છે. જ્યારે એક બ્લડ ડોનર બ્લડ આપે તો એનો 42 દિવસ Packed Red Cells, 1 વર્ષમાં Fresh frozen plasma અને ૫ દિવસમાં Platelets નો ઉપયોગ કરી લેવો પડે.”
ડો.જોષી કહે છે, “O Positive બ્લડ ગ્રુપની જરૂરીયાત સૌથી વધારે રહે છે. જ્યારે B Positive ગ્રુપનું બ્લડ સૌથી વધારે ડોનેટ થાય છે. તો વળી AB Negative ગ્રુપનું બ્લ્ડ સૌથી ઓછું આવે છે.”
વાર્ષિક રક્ત સંગ્રહ અને સ્વૈચ્છિક રક્તદાતાના દાનની ટકાવારી
|
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ઈ-રક્તકોષ પોર્ટલ ઉપર સમગ્ર દેશની બ્લડ બેન્કમાં ઉપલબ્ધ રિયલ ટાઈમ બ્લડ સ્ટોકનો ડેટા જોઈ શકાય છે. આ ડેટા પ્રમાણે ગુજરાતની ટોપ 10 બ્લડ બેન્ક કે જ્યાં સૌથી વધુ બ્લડ કલેક્શન થાય છે ત્યાં નેગેટિવ બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ નથી. જેમાં ખાસ કરીને સરકારી બ્લડ બેન્કોમાં લોહીનો સ્ટોક ઓછો હોવાના આંકડા સામે આવ્યા છે. ઇ-રક્તકોષ પોર્ટલ પર દિવસમાં બે વખત ડેટા અપલોડ થાય છે. દર વર્ષે મે અને જૂન મહિનામાં ઉનાળાના હિસાબે સ્વૈચ્છિક રક્તદાન ઘટવાના કારણે લોહીની અછત સર્જાતી હોય છે. ખાસ કરીને આ સમયગાળામાં કોલેજો બંધ હોય છે લોકો વેકેશનમાં બહાર જાય છે. જેના કારણે યુવાનો અથવા નિયમિત રક્તદાતા તરફથી લોહી મળી શકતું નથી. મોટા શહેરોમાં હોલ બ્લડનો કન્સેપ્ટ રહ્યો નથી. દર્દીની જરૂરિયાત મુજબ બ્લડ કોમ્પોનન્ટ અપાય છે. જો કે ગુજરાત સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (જીએસબીટીસી) પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ લોહી એકત્ર થયું છે.
બ્લડ કલેક્શન કરતી રાજ્યની મોટી બ્લડ બેન્ક
|
બ્લડ ડોનેશન માટે સહિયારો પ્રયાસ
અમદાવાદના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો ચિંતન દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “મોટાભાગની બ્લડની જરૂરિયાત થેલેસેમિયાના દર્દીઓ, લીવર ટ્રાન્સપ્લાન્ટ,કિડની ટ્રાન્સપ્લાન્ટ, બાયપાસ, ની-રિપ્લેસમેન્ટ સહિતની સર્જરી માટે પડે છે. જેમાં પ્લાન્ટ સર્જરી માટે વધુ બ્લડની જરૂરિયાત ઊભી થાય છે. થેલેસેમીયાના બાળકોને પણ બાળકોને બ્લડ પૂરું પાડવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં સરકારની સાથે રહીને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બ્લડ ડોનેશન કેમ્પ કરતી હોય છે. રાજયમાં આ બાબતે ઘણી જાગૃતિ છે માટે બ્લડ ડોનેશનનું સપ્લાય ચાલુ રહે છે.”
ક્યાં દર્દીને કેટલા બ્લડની જરૂર પડે
લીવર ટ્રાન્સપ્લાન્ટ – 25થી 30 બોટલ કિડની ટ્રાન્સપ્લાન્ટ – 4થી 6 કેન્સર – 10થી વધુ થેલેસેમિયા – 2થી 3 યુનિટ ની રિપ્લેસમેન્ટ – 2 યુનિટ બાયપાસ – 2થી 4 યુનિટ |
શિયાળાના સમય દરમિયાન બ્લડ ડોનેશનના કેમ્પ વધુ થતા હોય છે એટલે એક અંદાજ પ્રમાણે આ સમય દરમિયાન બ્લડ બેંકમાં સૌથી વધારે બ્લડ એકત્ર થાય છે. એકત્ર થયેલા બ્લડનો સૌથી વધારે ઉપયોગ થેલેસેમિયાના દર્દીઓ માટે કરવામાં આવે છે, કારણ કે એ દર્દીને રોજ નવા બ્લડની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બ્લડ ડોનેટ કરવાની બાબતે મોખરે છે.
વસ્તી પ્રમાણે અંદાજિત જરૂરિયાત
જો કે સામાન્ય બલ્ડની જરૂરિયાત સામે ગુજરાતની બ્લડબેંકો હાલના તબ્બકે સમૃદ્ધ છે. જેનું એક કારણ લોકોમાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતિ પણ છે.
(હેતલ રાવ)