સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, દેશની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક અમદાવાદના શાહીબાગમાં આવેલું છે. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનના કિંમતી સાહિત્યનો સંગ્રહ છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના પત્રો, નાયબ વડાપ્રધાન તરીકે તથા ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લીધા તે અંગેની ફાઇલો, સાથીઓ, સંસ્થાઓ તથા મિત્રોને માર્ગદર્શન આપતા પત્રો અહીં મૂકવામાં આવ્યા છે. મ્યુઝિયમના ‘સરદાર જીવનદર્શન પ્રદર્શન’માં સરદારના સમગ્ર જીવન અને કાર્યને આ મુજબના વિષયોને ક્રમવાર આવરી લઈ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે.
આજનું આ મ્યુઝિયમ મૂળ તો અમદાવાદની ‘મોતીશાહી મહેલ’ નામની એક ઐતિહાસિક ઇમારત હતી.1618માં મુઘલ બાદશાહ શાહજહાંએ આ મહેલ બંધાવેલો. બ્રિટિશ કાળમાં આ ઇમારત સરકારના તાબામાં હતી. ઓગણીસમી સદીમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું અમદાવાદના મૅજિસ્ટ્રેટની રૂએ સત્તાવાર નિવાસસ્થાન હતું. 1878માં રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તે અહીં રોકાયેલા. સ્વતંત્રતા પછી સરકારી ઑફિસો આ ઇમારતમાં ગોઠવાઈ. 1960માં ગુજરાતની સ્થાપના પછી શરૂઆતનાં વર્ષોમાં આ રાજ્યપાલોનું સત્તાવાર નિવાસસ્થાન હતું. જેના કારણે એ રાજભવન તરીકે ઓળખાય છે.
1975માં ગુજરાત સરકારે સરદારની જન્મશતાબ્દી ઊજવવાનું નક્કી કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી સમિતિ ઢેબરભાઈના પ્રમુખપણા હેઠળ નિમાઈ હતી. આ સમિતિએ 1980ના માર્ચની સાતમીએ આ ઇમારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલયનો પ્રારંભ કર્યો. આજે સરદાર સાહેબના સ્મારક તરીકે એ ભાવિ પેઢીને પ્રેરણા આપતું મહત્વનું સ્થાન છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)