કેવી રીતે બન્યો આ માણેક બુરજ?

લોકવાયકા પ્રમાણે જ્યારે દિવસના સમયમાં અમદાવાદ શહેરના કિલ્લાની દિવાલો ચણાતી એની સાથે સાથે માણેકનાથ દિવસ દરમિયાન સાદડી વણતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા. સાદડી ખોલતાંની સાથે જ જાદુઈ રીતે કિલ્લાની દીવાલો પણ તૂટી પડતી. જ્યારે શહેરીજનો અને અહમદશાહ બાદશાહને આ વાતની જાણ થઈ ત્યારે તેની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહમદશાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. બીજા કિસ્સામાં એમણે રાજાને એ સ્થળ શોધવામાં મદદ કરી કે જ્યાંથી કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે. એમની સલાહથી શહેરની સ્થપતિએ શહેરનો નકશો બદલ્યો. જૂના નગરજનો અને જાણકારોના મત પ્રમાણે એમની આ શક્તિઓ બતાવવાનો ઉદ્દેશ ફક્ત બાદશાહ અને સત્તાધિશોને પ્રજા પ્રત્યે વિનમ્રતા અને સહાનુભુતિ રાખવા માટે જ હતો. ૧૪૧૧ માં અહમદશાહને કિલ્લો બનાવવામાં એમણે મદદ કરી હતી.

માણેકનાથે સાબરમતી નદીના ફર્નાન્ડિસ બ્રિજ નીચે જીવતેજીવ જળસમાધી લીધી હતી. અમદાવાદના બજાર માણેક ચોકનું નામ એમના નામે જ પડ્યું છે. એમની યાદમાં એક સ્મારક મંદિર પણ ઉભું કરવામાં આવ્યું છે. એલિસબ્રિજની પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુરજ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના સ્થાપના દિવસે શહેરના અગ્રણીઓ અને એમના વંશજો દ્વારા માણેક બુરજ પર ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)