Opinion: પૈસા હોય તો, ડોક્ટર બનાય?

મેડિકલ શિક્ષણમાં પ્રવેશ મેળવવો એ માત્ર કારકિર્દીનો માર્ગ નથી, તે તો સેવાની સાધના છે. આ પવિત્ર સાધનામાં ડગ માંડવા માટે અનેક વિદ્યાર્થી મહેનત અને સંઘર્ષ કરે છે. જ્યારે સંઘર્ષની તપતી આગમાંથી પસાર થાય ત્યારે રાજ્ય સહિત દેશને એક સારા ડોક્ટર મળે છે. જ્યારે નાનપણથી ડોક્ટર બનવાનું સપનું ધરાવતો સામાન્ય ઘરનો વિદ્યાર્થી એકાએક લાગેલા તોતિંગ ફી વધારાના બોજ તળે દબાય, ત્યારે વિદ્યાર્થીનું સપનું નહીં દેશનું ભવિષ્ય કચડાઈ જાય છે.

સરકારી મેડિકલ કોલેજોમાં થયેલ ફી વધારો કેટલો વ્યાજબી?

આ વખતે ઓપિનિયમ વિભાગમાં જાણો, શું છે મેડિકલ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોના મત..

યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

રાજ્યનું તંત્ર આખા દેશમાં ગુજરાત મોડલ સ્થાપના કરવાની વાત કરી રહ્યું છે. ગુજરાતની સમાનતાએ રાજસ્થાન કે મધ્ય પ્રદેશમાં ખૂબ જ ઓછી ફીમાં વિદ્યાર્થી MBBS બની શકે છે. તંત્ર દ્વારા વારંવાર એવું રટણ કરવામાં આવે છે કે, શિક્ષણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. તો આપણી પ્રાથમિક જરૂરિયાત તો સસ્તી હોવી જોઈએને, આપણને પોષાય તેવી હોવી જોઈએ. આ ફી વધારા બાદ ગરીબ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનમાં જવાનું વિચાર નહીં કરે. શિક્ષણ મોંઘું થવાની પહેલી અસર સિદ્ધિ બેરોજગારી પર પડી રહી છે. ફી વધારાના નામ પર ડોનેશન ખુલ્લે આમ લેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણ દિવસે-દિવસે મોંઘું થતું જાય છે. વિદ્યાર્થીઓને પોતાના સપના સાકાર કરવા માટેનો હક હોવો જોઈએ.

ડૉ.મનિષ દોષી,મુખ્ય પ્રવક્તા, પ્રદેશ કોંગ્રેસ

સરકારી મેડિકલ કોલેજમાં ફી વધારો એ સરકારની લૂંટ નીતિનો ભાગ છે. પહેલા NEETને લઈ હોબાળો થયો, ત્યાર બાદ હવે ફરી એક વખત મેડિકલ કોલેજોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ તોતિંગ ફી વધારો સામાન્ય માણસના પુત્ર કે પુત્રીનું તબીબ બનવાનું સપનું રોળી નાખશે. આ મુદ્દે અમે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છીએ, કે ફીનો તોતિંગ વધારો પરત ખેંચવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં સારા ડોક્ટરો તૈયાર થાય. સરકારે ફી વધારો કરી વિદ્યાર્થી, વાલી સાથે ભવિષ્યની આરોગ્ય સેવા પર મોટો પ્રશ્ન ઉભો કર્યો છે.

રચેશ રાખોલીયા, વિદ્યાર્થી

સરકારી મેડિકલ કોલેજમાં આટલો ફી વધારો સામાન્ય વ્યક્તિ માટે અસહ્ય બની જશે. ગરીબ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હતા, તેમણે બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે. વિદ્યાર્થીઓને પોતાના ઘરની પરિસ્થિતિ પ્રમાણે આર્યુવૈદિક કે હોમિયોપેથીમાં અભ્યાસ કરવો પડે. આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે સામાન્ય ઘરનો હોય ત્યારે તેણે મેડિકલ વિશે તો વિચાર જ ન કરાય. કારણ કે આટલી મોંઘી દાટ ફી પોષાય તેમ ન હોય. મેડિકલ કોલેજમાં ફી વધારા સાથે એક સુખની વાત છે કે અહીંયા અભ્યાસ સારો હોય છે.

શ્લોકા સુથાર, હોમિયોપેથિક ડોક્ટર

સામાન્ય રીતે મેડિકલ કોલેજની ફી ઉપરાંત, કોલેજના પુસ્તક સાથે કોલેજનો બીજો ખર્ચ પણ હોય છે. કેમ કે, ડોક્ટરનો અભ્યાસ કરવા માટે જોઈતા પુસ્તકોની કિંમત પણ ઉંચી હોય છે. જ્યારે કોઈ પણ નાના ગામના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાની ઈચ્છા રાખે, ત્યારે તેમણે કોલેજ ફી સાથે હોસ્ટેલનો ખર્ચ પણ જોવા હોય છે. એટલે ખાલી કોલેજની ફી વધારાનો બોજ નથી વધી રહ્યો પણ એક વિદ્યાર્થી પર સાથે-સાથે બીજા ખર્ચમાં પણ વધારો થાય છે. ક્યારેક બાળકનું સપનું પૂરું કરવા માટે મા-બાપ ગમે તેમ કરીને ફી માટે રૂપિયા તો જોડી પણ લે, પરંતુ બાકીના ખર્ચને પહોંચી નથી શકતા. જેના કારણે અનેક મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓએ ફિલ્ડ બદલવા જોવો આકરો નિર્ણય કરવો પડે છે.

અલ્પા અગ્રવાલ, મેડિકલ વિદ્યાર્થીના વાલી

મેડિકલ ફીનો વધારો વાલીઓ માટે એક મોટો બોજ બની જાય છે. સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું  વિચારી જ ન શકે! જ્યારે વાલી પોતાના પુત્ર કે પુત્રીને ડોક્ટર બનાવવાની ઈચ્છા રાખતા હોય, ત્યારે સૌ પ્રથમ તેમણે આઠથી નવ વર્ષ સુધીનો સમય ફાળવવો પડતો હોય છે. આ દરમિયાન લગભગ બે કરોડનો ખર્ચ લાગે છે. આ સમયગાળા પ્રમાણે વિદ્યાર્થીઓને વળતર એટલું મળતુ નથી. જ્યારે આ જ ખર્ચ કે આથી થોડો વધુ ખર્ચ કરી વિદ્યાર્થી ભારત બહાર જઈને સારા ડોક્ટરનો અભ્યાસ કરી શકે છે. એટલાં જ માટે વિદ્યાર્થી પોતાની જાતને જોખમમાં મુકીને ભારત બહાર જવાનું રિસ્ક લે છે. કેટલીક વખત એવુ પણ બને છે કે કારર્કિદીના અડધા રસ્તે પણ આ પ્રકારનો નિર્ણય લેવાની ફરજ પડે છે. સાથે જ વિચાર કરવો પડે છે કે મેડિકલ અભ્યાસ કરીને તે કંઈ ખોટું તો નથી કરી રહ્યોને?

 

(તેજસ રાજપરા- અમદાવાદ)