Opinion: વિદેશમાં અભ્યાસ કરવો કે સ્વદેશમાં રહેવું?

અમેરિકામાં ટ્રમ્પની સરકાર બની અને જાણે દેશ-દુનિયા માટે ગ્રહોની દશા અને દિશા બદલાઈ ગઈ હોય તેવું વર્તાય રહ્યું છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા બાદથી ગ્લોબલ ન્યૂઝની રોજની હેડલાઈન બની ચૂક્યા છે. ટ્રમ્પ પ્રશાસનની નવી ઈમિગ્રેશન નીતિઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.

કલ્પના કરો, એક યુવાન ભારતીય વિદ્યાર્થી, જે પોતાના ઘર-પરિવાર, દોસ્તો અને આરામદાયક જીવનને પાછળ છોડીને અમેરિકાની ધરતી પર પોતાના સપનાને પાંખો આપવા ઉડાન ભરે છે. ફૂલબ્રાઈટ સ્કોલરશિપ હોય કે ટોચની યુનિવર્સિટીમાં એડમિશન, દરેક પગલું એક નવી આશા જગાવે છે. પરંતુ, અચાનક એક ઈમેલ આવે છે: “તમારો F-1 વીઝા રદ કરવામાં આવ્યું છે. તાત્કાલિક દેશ છોડી દો.” કારણ? ક્યારેક નાનું ટ્રાફિક ઉલ્લંઘન, ક્યારેક સોશિયલ મીડિયા પર એક લાઈક કે કોમેન્ટ, અને ક્યારેક તો કોઈ કારણ જ નહીં. આ છે આજના અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની હકીકત.

હવે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે સપનાઓને નીતિઓની બેડીઓ પહેરાવવામાં આવે, તેવામાં શું ભારતીય વિદ્યાર્થી અમેરિકાને કર્મ ભૂમિ તરીકે સ્વીકારી શકશે?

મિતલ ગોસ્વામી, MD, ડાયનેમિક કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ

  ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે અમેરિકા સહિતના વિવિધ દેશોમાં અભ્યાસ કે અન્ય કારણોસર જતા હોય છે. પરંતુ અમુક જ એવા કેસ જેમાં વિદ્યાર્થીના વિઝા કેન્સલ કરવા કે પરત મોકલવા જેવી ઘટનાઓ ધ્યાને આવતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓનું ધ્યેય નક્કી હોય છે કે અભ્યાસ કરવો અને કારકિર્દીનું આયોજન કરવું. દુનિયાનો કોઈ પણ દેશ હોય વિદ્યાર્થીને તકલીફ ત્યારે પડે છે જ્યારે તે કોઈપણ ચળવળનો હિસ્સો બને, કે રાજકારણના વિવાદોમાં ઉડા ઉતરે કે પછી ત્યાંના ક્લબ્સમાં જઈને જગડા કરે. હા એ વાત બની શકે કે, આ ઘટના પર ટ્રમ્પ સરકાર કડક કાર્યવાહી કરી રહ્યા હોય. જો વિદ્યાર્થી પોતાના ફોક્સ બહાર અને જે તે દેશમાં રહેતા હોય તેના નિર્ણય વિરુધ્ધ ભૌગોલિક તણાવોમાં પોતાનું યોગદાન આપશે તો પછી તેમના વિરુધ્ધ પણ કડક પગલા લેવાઈ શકે. મારા મત પ્રમાણે, હાલના સમયમાં લોકો અમેરિકા સામે U.K., ઓસ્ટેલિયા,અને જર્મનીને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ભારત સરકારે આ મામલે ગાઈડ લાઈન જાહેર કરી છે અને ભારત સરકાર પણ પોતાના વિદ્યાર્થીની સુરક્ષા માટે જરૂરી પગલાં લેતા હોય છે.

પરેશ મોદી, હાઈકોર્ટ એડવોકેટ, અમદાવાદ

ભારતમાં પોપ્યુલેશન વધારે છે અને આપણે ત્યાં એવી તકો નથી મળતી જેવી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને મળી રહી છે. જે લોકો મહેનત કરવા ઈચ્છે છે, તેમના માટે વિદેશનો વિકલ્પ ઉત્તમ છે. ઘણી વખત એવું બનતું હોય કે, વિદ્યાર્થી અભ્યાસના વિઝાનો દુરુઉપયોગ કરે છે અથવા તો કોઈ ગેરકાયદે પ્રવૃતિમાં જોડાય છે. અત્યારના સમયમાં અમેરિકા થોડું કડક વલણ અપનાવી રહ્યું છે. તેમનું માનવું એવુ છે કે તમે જે કોઈ એજન્ડા લઈ આવ્યા છો તેના પર ફોકસ કરો. અમેરિકાની વીઝા નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હા, એ વાત છે કે હાલ જે થઈ રહ્યું છે, તે એમના દેશની પોલીસીની વિરુધ્ધ કામ કરવાથી વિદ્યાર્થીઓનો ભોગ લેવાય રહ્યો છે. કોઈ પણ દેશમાં જતા પહેલાં ત્યાંના સામાન્ય કાનૂન વિશે આપણે થોડી માહિતી રાખવી જોઈએ. આ સાથે જો જાણી-અજાણી રીતે કોઈ ભૂલ થઈ હોય તો ત્યાંની કોર્ટમાં મોસન ટુ ઓપન, અને મોસન ટુ રીઓપન પણ કરી શકાય છે. આ ઉપરાંત આપણે કોર્ટ દ્વારા માફી માગી એને સમસ્યાનું સમધાન લાવી શકાય છે. ટ્રમ્પે એક સ્માર્ટ પગલું ભર્યું છે કે ચળવળોનો જન્મ શાળાઓ અને કોલેજોમાંથી થાય છે. એટલા જ માટે તેમને ત્યાં કડક કાયદાઓ બનાવ્યા છે. આ સામે ભારત સરકારે પણ કોઈ પણ દેશ માટે એવી પોલીસી બનાવવી જોઈએ, જેમાં આપણે તેમને પ્રશ્ન પૂછી શકીએ કે, ક્યા આધાર પર વિદ્યાર્થીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ભારતનું એક લિગલ હેલ્પ ડેસ્ક દરેક દેશમાં હોવું જોઈએ.

દર્શ સોની, વિદ્યાથી, કેનેડા 

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સામેના વિવાદોને ચિંતાજનક ગણું છું. ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રો-પેલેસ્ટાઈન આંદોલનને સમર્થન આપે છે, જે અમેરિકાની સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન ગણાય છે. આનાથી યહૂદી વિદ્યાર્થીઓને અસુરક્ષા લાગે છે, જેના કારણે આવા વિદ્યાર્થીઓને ઓળખીને ડિપોર્ટ કરવામાં આવે છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ એક્સ જેવા પ્લેટફોર્મ પર લેફ્ટ આઇડિયોલોજીનું સમર્થન કરે છે, જે રાજકીય દબાણને આમંત્રણ આપે છે. મારા મતે, વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક છે, પરંતુ સ્થાનિક કાયદા અને સંવેદનશીલતાનું પાલન કરવું જરૂરી છે. આ નીતિઓ ભારતીય વિદ્યાર્થીઓના શૈક્ષણિક સપનાંને અસર કરે છે, પરંતુ સંવાદ અને સમજણથી આ મુદ્દાઓનો ઉકેલ શક્ય છે. વિદ્યાર્થીઓએ સકારાત્મક અભિગમથી પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવું જોઈએ.

જય શંકર જાની, જર્નલિઝમ સ્કોલર, અમદાવાદ

અમેરિકામાં ભારતીય સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, તાજેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિઝા રદ થવાના બનાવો, ડિપોર્ટેશનની ધમકી અને યુનિવર્સિટીઓ પર ફેડરલ દબાણ જેવા વિવાદો ચિંતાજનક છે. આ પરિસ્થિતિએ અમેરિકામાં અભ્યાસ માટેના વિશ્વાસને ધક્કો પહોંચાડ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ હવે ભવિષ્યના સુરક્ષિત વિકલ્પ તરીકે ભારતમાં જ અભ્યાસ કરવાનો વિચાર કરી રહ્યા છે. સાથે જ, કૅનડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો વધુ સ્થિર અને અનુકૂળ નીતિઓના કારણે વિકલ્પ રૂપે સામે આવી રહ્યા છે. હાલમાં અમેરિકા સ્થિત ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ મિશ્ર છે. જેમના દસ્તાવેજો યોગ્ય છે અને જેમણે વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, તેમનું ભવિષ્ય સ્થિર બની શકે છે. અન્યથા, નાની ઘટનાઓ પણ ગંભીર પરિણામ આપી શકે છે. ભારત સરકાર માટે આવાં સમયમાં સક્રિય હસ્તક્ષેપ જરૂરી છે. દૂતાવાસો દ્વારા સહાય કેન્દ્રો, વિદેશી સરકારો સાથે સંવાદ, અને વિદ્યાર્થીઓના હક્ક માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની જરૂર છે. આવી નીતિગત અસ્થિરતા ભારતના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

(તેજસ રાજપરા, અમદાવાદ)