દેશભરમાં દર વર્ષે દશેરાની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, રાવણના પૂતળા સ્વરૂપે સમાજમાં પ્રસરેલા દુષણોનું દહન કરવામાં આવે છે. પણ શું કોઈ પોતાની આંતરિક આસુરી વિચારધારાનું દહન કરે છે? જ્યારે રાવણને આપણે એક અપરાધમાં દર વર્ષે તપતી આગમાં દહન કરીએ છીએ. તો આજના આ નરાધમીઓને શું આકરામાં આકરી સજા ન થવી જોઈએ? આમ તો આજે આપણે સ્ત્રી-પુરૂષ સમાનતાની વાતો કરીએ છીએ, પણ શું ખરેખ આપણી દીકરીઓ સુરક્ષિત છે? ક્યાંથી ઉદ્દભવે છે આવી આસુરી વિચારધારા, જે લક્ષ્મી, સરસ્વતી કે શક્તિ સમાન નારીનું સન્માન કરી શકતા નથી. કોઈ કહે ભળકે બાળો કોઈ કહે ફાંસીએ લટકાવો પણ શું રાવણનું દહન કરવાથી અસુરના અસ્તિત્વ પર પૂર્ણવિરામ આવી જશે?
માઁથી સંબોધન થતા આ દેશમાં રહેતા આવા નરાધમ લોકોને શું સજા મળવી જોઈએ? આવી માનસિક્તાનું કેન્દ્ર બિંદુ શું હોય છે? જાણો આ વખતના અમારા ઓપિનિયન વિભાગમાં. શું છે આ મુદ્દે લોકોનો મત…
ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ
કોલકાતા જેવી ઘટના પાછળ આરોપીઓની અલગ-અલગ માનસિકતા હોય શકે છે. સામાન્ય રીતે આવી માનસિકતા પાછળ બે પ્રકારની વિકૃતી જોવા મળે છે. પહેલું પર્સનાલિટી ડિસઓર્ડર ડિસ્ટર્બ થઈ હોય. જેમાં માણસ વિજાતીય લોકોને દુ:ખ અને દર્દ આપવા માગતા હોય. આવી માનસિકતામાં બની શકે કે માણસને જોડીદારથી અસંતોષની ભાવના આવી હોય. આ ઉપરાંત કેટલીક વખત સ્વભાવ સાથેની જોડાયેલી ખામીઓ પણ આ પ્રકારની માનસિકતા બનાવવામાં ભાગ ભજવતી હોય છે. તો બીજી બાજું પ્લેઝર સિકિંગ ડિસઓર્ડરના ડિસ્ટર્બ થવાથી માણસ આ પ્રકારના કૃત્ય કરી બેસતો હોય છે. આવી માનસિકતામાં મુખ્ય બે પરિબળો કાર્ય કરતા હોય, એક તો એન્ટિ સોશિયલ અને બીજું નાર્સિસિઝમ. કેટલીક વખત નરાધમની માનસિકતામાં એન્ટિ સોશિયલ પ્રકારના પરિબળોની હાજરી જોવા મળતી હોય છે. આવા લોકો પોતાની વિકૃત માનસિક ભૂખ સંતોષવા સામેવાળી વ્યક્તિના જાન અને માલને હાનિ પહોંચાડી શકે છે. આવી ઘટના રોકવા માટે નેગેટિવ માનસિકતા જન્મતા જ રોકવી જોઈએ. આવા વાતાવરણમાં રહેતા લોકોને, ખોટું થઈ રહ્યું છે, એવો અહેસાસ કરાવવો જોઈએ. માનસિક ડિસ્ટર્બ થઈ રહી હોવાનું જાણ થયાની સાથે જ સારું નિદાન થાય તો, આવી ઘટના રોકી શકાય છે.
સોનલ જોશી, વકીલ & સોશિયલ વર્કર
દેશમાં આવી ઘટનાઓ માટે બરાબર કાયદા તો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ કાયદાનું અમલીકરણ થઈ રહ્યું નથી. કેટલીક ઘટના બન્યા બાદ તેના પર એક્શન લેવામાં સમય લાગતો હોય છે, એ સમય ન લાગવો જોઈએ. આપણા દેશમાં ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ છે, તે કામ કરી રહી નથી. પોલીસ અધિકારીઓની માનસિકતા બદલાવવી જોઈએ. હાલના સમયમાં ગેંગ રેપ જેવી ઘટના માટે કેપિટલ ફાઈન સાથે ફાંસીની સજાની જોગવાઈ છે. આવી અલગ-અલગ ઘટના માટે ન્યાય પ્રાણાલી પ્રમાણે દંડ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ આવી ઘટનાના પીડિતોને તત્કાલ ધોરણે ન્યાય નથી મળી શકતો. આવા આરોપીને તત્કાલ ધોરણે સજા મળવી જોઈએ. આરોપીઓને જનતાની સામે લાવી મારી નખવા જોઈએ. જેથી આવી માનસિતા ધરાવતા લોકોમાં ડર ફેલાવવો જોઈએ. બાળકી કે યુવતીઓ માટે સુરક્ષા વધારવી જોઈએ.
હેતલ અમિન, કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ
સ્ત્રી સંરક્ષણ માટે ઘણા નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ આ એક્ટનો લોકમાં કોઈ ડર નથી. આ પ્રકારની ઘટનામાં તત્કાલ ધોરણે ન્યાય મળવો જોઈએ. આ ઘટના ભારતની સંસ્કૃતિ પર મોટું લાંછન છે. ક્યાંકને ક્યાંક વધતા સોશિયલ મીડિયાના ઉપયોગે નાના બાળકો અને યુવાનોની માનસિકતા બગાડી છે. મારા વિચાર પ્રમાણે તો આગામી થોડાંક જ સમયમાં રૂપિયા જ ન્યાયની ભૂમિકા ભજવશે. આવી ઘટનાના આરોપીને એવી સજા મળવી જોઈએ કે બીજા કોઈ આવો ગુના કરવાના વિચાર માત્રથી ધ્રૂજી ઉઠે. અમારા મત પ્રમાણે તો હવે આપણે આપણી દીકરીને ફેશન ટ્રેન્ડ સાથે સેલ્ફ ડિફેન્સમાં આગળ વધારવી જોઈએ. મેં મારી દીકરીને સ્પોર્ટ્સ અને ફેશનની સાથે સેલ્ફ ડિફેન્સ પણ શીખવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે તેવા પ્રોગ્રામનું આયોજન અમારી સંસ્થા કરે છે.
ડો. ખુશી અમિત અગ્રવાલ, ટ્રેઇની ડોક્ટર
કોલકાતા રેપ અને મર્ડર કેસ બાદ હું આશા રાખું છું કે, સૌપ્રથમ તો તમામ મહિલા કર્મચારીઓ માટે સુરક્ષા વધે. આ કેસમાં પણ તપાસ પહેલાં જ કેટલાંક મહત્વના પુરવાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આવી તપાસની જગ્યાએ પણ સુરક્ષા વધારવી જોઈએ. આ પ્રકારના કેસમાં રાજનીતિ કરવાની જગ્યાએ ન્યાય અપાવવા પર ધ્યાન કેન્દ્રિત થાય તો, જલ્દી ન્યાય મળી શકે. જ્યારે મેલ કે ફિમેલ ડોક્ટર માટે હોસ્પિટલમાં ઓન કોલરૂમ કે ડોક્ટર રૂમ રાખવામાં આવે તો, આ પ્રકારના કિસ્સા થવાની શક્યતા નહિંવત રહે છે. આ કેસ બાદ હું મારા મિત્ર સર્કલ વચ્ચે જ રહેવાનું પસંદ કરીશ. આ ઉપરાંત મહિલા સુરક્ષાના સાધનો મારા પૉકેટમાં સાથે રાખીશ.
સચિન બારોટ, સામાન્ય નાગરિક
માર મત પ્રમાણે આવી ઘટનાને લઈ ફાંસી સૌથી યોગ્ય સજા છે. આ ઉપરાંત આપણે સાઉદી અરેબિયન દેશ જેવાં કાયદા બનાવવા જોઈએ. અરબ દેશોમાં આવી ઘટનામાં તત્કાલ ધોરણે ન્યાય મળી જાય છે. આવી ડરામણી સજાની જોગવાઈથી વિકૃત માનસિકતા ધરવતા લોકો આ પ્રકારનું કૃત્ય કરતા પહેલાં 50 વખત વિચારશે. આજે કોઈપણ મહિલા છે, આપણે તેમનું માન-સન્માન જાળવવું જોઈએ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે આપણ દેશમાં એડલ્ટ ફિલ્મનો ઉપયોગ વધુ થાય છે. જો આવી ઘટનાથી બચવું હોય તો, આવી ફિલ્મો આપણા દેશમાં બેન્ડ થવી જોઈએ. હું આજે મારી દીકરીને તમામ સારી કે ખરાબ વસ્તુથી અવગત કરૂં છું, સાથે જ સેલ્ફ ડિફેન્સની માહિતી પણ આપું છુ. હું મારી દીકરીની સાથે-સાથે દીકરાની ગતિવિધીઓ ઉપર પણ નજર રાખું છું.
ડી. એચ. અમીન, કવિ અને લેખક
દુષ્ટ, દુર્જન લોકોનો કહેર ત્યારે ફેલાય છે, જ્યારે કાનૂન વ્યવસ્થાને નખ શીખ લકવો મારી જાય. દેશના કહેવાતા રક્ષકોની ફરજ બને છે કે, જે ઘટના ઘટી એ કોઈ એક જ્ઞાતિ, જાતિ, ધર્મ કે ગરીબ પરિવારની દીકરી ન હતી, આ ભારત દેશની દીકરી હતી. પરંતુ આવા શરમ જનક પ્રસંગોનું નિર્માણ ત્યારે થાય છે, જયારે કાનૂનના ઠેકેદારો કોઈને કોઈ રીતે ક્યાંક પોતાની ફરજ ચૂક્યા છે. સ્ત્રીઓને આવાં લોકોથી પોતાના બચાવ માટેની એક નૈતિક હિંમત પૂરી પાડવી જોઈએ. આપણી નબળાઈ એ સામેવાળાની હિંમત ન બને એ કાયમ આપણી બહેન દીકરીઓને સ્મરણ કરાવતા રહેવું જોઈએ. કેમ કે અંતે આપણે સમાજમાં રહેવાનું છે. આવી કોઈ ઘટના કોઇની પણ સાથે ન બને તે માટે આપણે પહેલા આપણી આસપાસ, સાથે અવરજવર કરતાં, ઘરે, નોકરી, કે કામધંધાના સ્થળે મળતા લોકોના મનોવિચાર જાણી લેવા જોઈએ, તેમના મસ્તિષ્કમાં ચાલતી નકારાત્મક ગતિવિધીઓ સમજી ઘરના સભ્યોને કહી કાનૂનના શરણે જવું, આવેલ વિકટ પરિસ્થિતીનો સામનો કરવાની હિંમત કેળવવી અતિ આવશ્યક છે.
(તેજસ રાજપરા-અમદાવાદ)