Opinion : બદલાતી દિવાળીની પરંપરા કે વિસરાતી સંસ્કૃતિ?

દિવાળી એટલે ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ. આમ તો દિવાળી પ્રકાશનો તહેવાર કહેવાય જ્યાં પ્રભુ શ્રી રામે રાવણનો વધ કરી ફરી રામરાજ્યની સ્થાપના કરી હતી. આ અવસરને આપણે અવનવી વાનગી, રંગબેરંગી રંગોળી અને ઝળહળતા ફટાકડા સાથે કેટલીક ધાર્મિક વિધિ અને પરંપરા સાથે ઉજવીએ છીએ. દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવાય છે. જેમાં દરેક દિવસનો અનેરો મહિમા અને વિધિવધાન હોય છે. પરંતુ હવેના સમયમાં દિવાળીનો વાસ્તવિક અર્થ બદલાયો છે. કેટલીક પરંપરામાં આધુનિક ફેરફાર આવ્યા છે, તો કેટલીક પરંપરા તો લુપ્ત થવાના આરે છે.
બદલતા સમય સાથે બદલાતી પરંપરા કેટલી યોગ્ય છે? આ વખતે ઓપિનિયન વિભાગમાં આ વિશે જાણો અલગ-અલગ વર્ગના લોકોનો શું છે અભિપ્રાય..

કિશન એમ મોઢા, શાસ્ત્રીજી, અમદાવાદ

બદલાતી પરંપરા પાછળનું મુખ્ય કારણ એ જ છે, કે પહેલાના અભ્યાસ અને આજના અભ્યાસમાં ઘણો ફરક હોય છે. પહેલા અભ્યાસમાં વડીલોના માન સમ્માનની રખવાળી યુવા પેઢીના હાથે હોવાની વાત શીખવવામાં આવતી હતી. જ્યારે આજકાલ આપણે લોકો વિદેશી કલ્ચરને વધુ મહત્વ આપીએ છીએ, અને આપણા કલ્ચરને ભૂલવા લાગ્યા છીએ. એટલા માટે આપણા તહેવાર ઉજવવાની રીતમાં બદલાવ આવી રહ્યા છે. જ્યારે ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. નાની ઉંમરમાં વધતા ફોનના ઉપયોગથી દેખાદેખીનો દોર ચાલ્યો છે. લેટેસ્ટ બનવાના ચક્કરમાં આપણી પરંપરા ભૂલાતી જાય છે. પહેલાના સમયમાં વાલી ગુરુ પાસે શિષ્યના સારા સંસ્કાર આપવાની વાત કરતા, જ્યારે આજના સમયમાં નાનો એવો ઠપકો આપવાથી પણ મોટા ધીંગાણા થઈ જાય છે. પહેલાના સમયમાં ચોપડામાં પૂજન કરવામાં આવતું જેની જગ્યા પર હવે કોમ્પ્યુટર જેવી સિસ્ટમોની પૂજા કરવવામાં આવે છે.

હરિઓમ ગોહિલ, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સાયલા

ખેરખર તો, આપણે જૂની પરંપરાને ભૂલતા જઈએ છીએ. નવા જમાનામાં આપણે ‘ચાલશે’ બોલતા શીખી ગયા છીએ. સાચી વાત એ છે, કે નવા વર્ષની શરૂઆતમાં જે પણ કરીએ એ આખુ વર્ષ કરતા રહીએ, એવી ભાવનાથી આપણે વડીલોના આશીર્વાદ લેવા જતા હતા. વડીલો પણ આશીર્વાદ સ્વરૂપે બાળકોને કાંઈને કાઈ આપતા, આ પરંપરા તો જાણે નીકળી જ ગઈ છે. આ ઉપરાંત બીજી પરંપરા લુપ્ત થઈ છે એ ઝગમગતી દિવળીની પરંપરા, જેની જગ્યા LED લાઈટોએ લીધી છે. કેટલીક પરંપરામાં બદલાવ સારા માટે થાય છે. પરંતુ કેટલીક પરંપરા લુપ્ત થવાના સારા પરિણામોની જગ્યા પર ખરાબ પરિણામો વધુ આવી શકે છે. પહેલાના સમયમાં ફટાકડા ફોડવાનું ચલણ ન હતું. જ્યારે હવે રંગબેરંગી ફટાકડા ફોડી પ્રદૂષણ કરવાને જ દિવાળીની ઉજવણી ગણવામાં આવે છે. જો કે એ સાચા અર્થમાં દિવાળી નથી. સાચા અર્થમાં દિવાળીમાં એકબીજાની ખુશીમાં વધારો કરવો, ઘર આંગણાને અવનવી કળા, ચિત્રકલાથી મહેકાવવું અને હળીમળીને રહેવાનો તહેવાર છે.

ભાવના હિતેષ રાવલ, પરંપરાના પથપ્રદર્શક, અમદાવાદ

મારી દ્રષ્ટિએ પરંપરાગત રીત અંધકારમાંથી અજવાળા તરફ જવાનો તહેવાર એટલે દિવાળી છે. દિવાળી તો અતિપ્રાચીન તહેવાર છે. પરંતુ સમય સાથે બધું બદલાઈ ગયું છે. પહેલા લક્ષ્મી માતા સાથે વિષ્ણુના અલગ-અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવતું હતું. આજકાલ લોકો આપણી પરંપરા છોડી પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, જે આપણા માટે દુઃખદ ઘટના છે. એવુ નથી કે આપણી પરંપરા લુપ્ત થઈ ચુકી છે. કેટલીક જગ્યા પર હજુ પણ જૂના પરંપરાગત રીત-રિવાજો જોવા મળે છે. સમય જતા દિવાળી તેના ધાર્મિક મૂળથી અલગ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ તહેવાર મોટો સામાજિક અને સાંસ્કૃતિક તહેવાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હા ઘણી જગ્યા પર ધાર્મિક પરંપરાને અનુસરવામાં આવે છે, પણ સોશિયલ મીડિયા પર મુકવા માટે. આજના યુવાનોને માત્ર ભેટ સોગાદો, ફટાકડાં અને દિવાળી પાર્ટીમાં જ રસ છે.

આયુષ ધીનોજા, GEM Z  યુવાન, અમદાવાદ

પહેલાનો સમય અને અત્યારનો સમય અલગ છે. અમુક એવા રિવાજો છે જે બદલાયા નથી. હા એ વાત સાચી કે અમુક રિવાજો સમય સાથે બદલાય ગયા છે, તો અમુક સમય સંજોગોને લઈ છૂટી ગયા છે. હાલના સમયમાં જે કામ ફોનથી થતું હોય, તેના માટે રૂબરૂ મળીને સમય વ્યર્થ કરવાની મારી દ્વષ્ટિએ કોઈ જરૂર નથી. વાત રહી વિધી વિધાનની તો, પહેલાંના સમયમાં બધુ કામ ચોપડા પર થતું એટલા માટે ચોપડા પૂજન કરતા. જ્યારે હાલના સમયમાં બધુ કામ કોમ્પ્યુટર પર થાય છે એટલા માટે કોમ્પ્યુટર પૂજા થાય છે. જેને આપણે પરિવર્તન સંસારનો નિયમ કહી શકાય.

અનિરૂદ્ધ ઠાકોર, ફાઉન્ડર, આપણી ધરોહર(NGO) , અમદાવાદ

આમ જોવા જોઈએ, તો પરિવર્તન સંસારનો નિયમ છે. એજ માની ને અમુક વસ્તુમાં બદલાવ જરૂરી છે. પરંતુ જે સમાજ પાછલા કેટલાંક વર્ષોથી એક પરંપરાને અનુસરતો હોય તે કાંઈ ખોટી તો ના જ હોયને. એટલે કેટલીક પરંપરામાં કોઈ ફેરફાર નાજ આવવો જોઈએ. જ્યારે આજના વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરનારાને દિવાળીની પરંપરાની ખબર જ નથી હોતી. આજ કાલના યુવાનોને માત્ર નવા કપડા પહેરી, ફોટો પડાવવા સાથે ફટાકડાંની આતીશબાજી કરવામાં જ રસ છે. મારા મત પ્રમાણે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનની નવી ટેકનોલોજી સાથે રીત બદલાય છે, પરંપરા બદલાય નથી. હાલના સમયમાં પણ કેટલીક જગ્યા પર ચોપડા પૂજન કરવામાં આવે જ છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)