Opinion: 31 ડિસેમ્બરની ઉજવણી કરવી જોઈએ?

કેલેન્ડર વર્ષ 2024ના ગણતરીના દિવસો બાકી છે અને 2025ની નવી શરૂઆત થવા જઈ રહી છે. આ સાથે પશ્ચિમી દેશોમાં ન્યૂ ઈયરની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 31મી ડિસેમ્બર એટલે ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો 365મો દિવસ. વર્ષના છેલ્લા દિવસની ઉજવણીનો ઉત્સાહ ભારતમાં પણ એટલો જ જોવા મળી રહ્યો છે. ઠેક ઠેકાણે પાર્ટી, લાઇટિંગ અને સેલિબ્રેશનનો માહોલ હાલમાં છે.

31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ ઘણા લોકોને એવો મત છે કે આ તહેવાર આપણો નથી એટલા માટે આપણે આ તહેવારની ઉજવણી ન કરવી જોઈએ. ત્યારે બીજી બાજું ઘણા લોકોનું એવું માનવું છે કે તહેવાર કોઈ પણ હોય આપણે તમામ સંસ્કૃતિને સમાન માન આપવું જોઈએ. આ મતામત વચ્ચે પ્રશ્ન એ થાય કે શું આપણે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવી જોઈએ કે નહીં?

જાણો આ વખતે ઓપિનિયન વિભાગમાં 31મી ડિસેમ્બરની ઉજવણી પર અલગ અલગ વર્ગના લોકોનો શું અભિપ્રાય છે.

બિપીન તળાવીયા, સંગઠન મંત્રી, મારૂતિ ધૂન મંડળ યુવા ગ્રુપ, સુરત

31મી ડિસેમ્બરની ઉજવણી આપણે ન કરવી જોઈએ. કેલેન્ડર પ્રમાણે આ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે આ આપણું વર્ષ પૂર્ણ થતું નથી. આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ઘેલા થયા છે. તેમને આપણી સંસ્કૃતિ તરફ પાછા વાળવા માટે 31મી ડિસેમ્બરના રોજ અમે લોકો હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવાના છીએ. આમ તો 31મી ડિસેમ્બરને લઇ કોઈને મનમાં લાગણી હોતી નથી. પરંતુ આ પબ પાર્ટીને લઈને તેઓ ઉજવણી કરતા હોય છે. સનાતન ધર્મ પ્રમાણે આ તહેવારની ઉજવણી આપણે ન કરવી જોઈએ.

નિશીત ભાટી, ગાયક કલાકાર, અમદાવાદ

31મી ડિસેમ્બરની ઉજવણી કરવી જોઈએ પણ જેટલું મહત્વ આપણે ભારતીય સંસ્કૃતિના તહેવારોને આપીએ છીએ, તેટલું જ મહત્વ 31મી ડિસેમ્બરને ન આપવું જોઈએ. હિન્દુ ધર્મના લોકો બીજા કોઈ પણ ધર્મને જલ્દી સ્વીકારી લે છે. જે આપણી માટે જ યોગ્ય વાત નથી. ઘણા લોકો તહેવારની ઉજવણી કરવાના બહાને વ્યસન કરવા માટે પણ આ તહેવારની ઉજવણી કરતા હોય છે. હું યુવાનોને એટલું જ કહેવા માગીશ કે હંમેશા આપણા તહેવારોને વધારે મહત્વ આપવું જોઈએ. આમ તો આપણે આઝાદ થઈ ચૂક્યા છીએ, પણ હવે આપણે સામેથી ગુલામ બનવા માટે જવા જેવી વાત છે. ઈતર પ્રવૃતિમાં સનાતન ધર્મનું આકર્ષણ ઘટતું જઈ રહ્યું છે. અત્યારના સમયમાં અંગ્રેજી શાળામાં ભણવાનું કલ્ચર વધ્યું છે. જ્યારે પાશ્ચાત સંસ્કૃતિના તહેવારોને વધુ માન આપવામાં આવે છે. મારી દ્રષ્ટિએ એક સમય એવો આવશે કે બાળકો દિવાળી વેકેશનની જગ્યા પર ક્રિસમસ વેકેશન ઉજવતા થઈ જશે.

હિરેન મકવાણા, પ્રોફેસર, એજ્યુકેશન ક્લાસ, રાજકોટ

તહેવાર આપણો નથી એટલા માટે આપણે તેની ઉજવણી ન કરવી જોઈએ. પરંતુ તેની જગ્યાએ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આ તહેવારની ઉજવણી કરાય. ખ્રિસ્તી ધર્મના લોકો જ્યારે આપણી સંસ્કૃતિના તહેવાર અપનાવી નથી શક્યા, ત્યારે આપણે તેમના ધર્મના તહેવારોની ઉજવણી કરવી ન જોઈએ. વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો, આપણે તહેવાર માણવા માટે નથી ઉજવતા પોતાના આનંદ માટે બીજા ધર્મના તહેવારની ઉજવણી કરીએ છીએ. મારા મત પ્રમાણે આપણે આપણા ભગવાનનું નામ વધુ લેવું જોઈએ અને દાન ધર્મમાં માનવું જોઈએ. આપણને સનાતન ધર્મ પ્રત્યે લાગણી હોવી જોઈએ. તેની જગ્યા પર આપણે ક્રિસમસના કપડા પહેરીને બીજાના ધર્મ પ્રત્યે લાગણી દર્શાવી છીએ. આપણે આપણો તહેવાર વ્યવસ્થિત ઉજવવો જોઈએ, તેની જગ્યા પર તહેવારના દિવસે આપણે નોકરી ધંધા પર ધ્યાન આપતા હોઈએ છીએ.

ભાવિક રાઠોડ, ખાનગી કંપનીના કર્મચારી, રાજકોટ

આપણે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવી જોઈએ. પણ આ તહેવારમાં કોઈપણ જાતના દુષણો અપનાવ્યા વગર ઉજવણી કરવી જોઈએ. વિદેશમાં પણ હિન્દુ સમુદાય સાથે આપણી સંસ્કૃતિના ઘણા તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. એ જ રીતે આપણે પણ વિદેશી તહેવારોને ખુલા મનથી અપનાવવા જોઈએ. અત્યારના સમયમાં જે રીતે વ્યસનો માટે તહેવારની ઉજવણી કરવામાં આવે છે એ રીતે 31મી ડિસેમ્બરની ઉજવણી ન કરીએ તો વધુ સારું. આપણો દેશ રૂદ્રાક્ષનો દેશ છે દ્રાક્ષનો દેશ નથી, આપણો દેશ વાઈનનો નથી પણ ડિવાઈનનો દેશ છે. આપણે આધ્યાત્મના મૂળને છોડવા ન જોઈએ. કોઈ પણ ધર્મના સારા અને ખરાબ એમ બે પાસા હોય છે. આપણે સારાનું અનુકરણ કરવું જોઈએ અને ખરાબ પાસાને અવગણવું જોઈએ. હા, એ વાત અલગ છે કે સારા ખરાબમાંથી શું લેવું અને શું ન લેવું એ લોકોનો પોતાનો મત હોય છે.

પાર્થ લંગાલિયા, ખાનગી કંપનીના કર્મચારી, સુરત

તહેવાર કોઈ પણ હોય આપણે તેની ઉજવણીનું ભાગ બનવું જોઈએ. હિન્દુ ધર્મના તહેવારને આપણે વધુ માન્યતા આપવી જોઈએ એ વાત ખોટી નથી. પણ જ્યારે વાત બીજા ધર્મના તહેવારની ઉજવણી કરવાની આવે તો વિવિધતામાં એકતા સમજી આપણે એ તહેવારની ઉજવણીનો ભાગ બનવું એ ખોટું નથી. બીજી રીતે આપણું કેલેન્ડર વર્ષ પૂર્ણ થાય છે. આખા વર્ષ દરમિયાન ઘણી વસ્તુ બની હોય છે. સારી હોય કે ખરાબ આપણે એ યાદોને લઈ નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આવનારું કેલેન્ડર વર્ષ સારું રહે તેવી પ્રાર્થના સાથે આગળ વધીએ છીએ. એટલા માટે આપણે આ ઉજવણી કરીએ તો મારી દ્રષ્ટિએ ખોટું નથી.

(તેજસ રાજપરા- અમદાવાદ)