Opinion: શું ક્રિએટરના કન્ટેન્ટ પર નિયંત્રણ હોવું જોઈએ?

આજના ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. અમુક જ ક્ષણોમાં કોઈ વ્યક્તિનો વિડીયો વાઈરલ થઈ જાય, તો ગણતરીની મિનિટોમાં લોકોના મંતવ્યો આંગળીના ટેરવે ફરવા લાગે છે. એમાં પણ જ્યારથી યુટ્યૂબ પર સ્ટેન્ડઅપ કોમેડીનું કલ્ચર શરૂ થયું ત્યારથી ડાર્ક કોમેડીના નામે ‘ડિજિટલ ટેરરિસ્ટ’ ફૂટી નીકળ્યા છે. ભારતમાં સારું અને પોઝિટિવ કન્ટેન્ટ આપતા હોય તેવાં યુટ્યુબર્સની ખોટ નથી, પણ જેને યંગ કહી શકાય તેવા પોપ્યુલર ચહેરાઓ, જ્યારે પોતાનું અસલી રૂપ બતાવે છે ત્યારે તેઓ હાંસિયામાં ધકેલાઈ જાય છે અને તેમની કારકિર્દી અહીં જ ખતમ થઈ જાય છે.

હમણાં થોડા દિવસ પહેલાં આવો જ બનાવ બન્યો હતો. જેમાં ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયા હતા. આ શોમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા અંગે કોમેન્ટ કરીને વિવાદનો વંટોળ સર્જયો છે.

આ તમામ વચ્ચે પ્રશ્ન એ થાય કે શું કોઈ પણ કોમેડિયન કે કન્ટેન્ટ ક્રિએટરના કન્ટેન્ટ પર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં?

મનસ્વી થાપર, એડવોકેટ, કેન્ડોર લીગલ, અમદાવાદ

આજના ડિજિટલ લેન્ડસ્કેપમાં, સોશિયલ મીડિયામુક્ત અભિવ્યક્તિ માટેનું એક શક્તિશાળી સાધન અને ખોટી માહિતી, દ્વેષપૂર્ણ ભાષણ અને સામાજિક રીતે અભદ્ર સામગ્રી માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. જ્યારે વાણી સ્વાતંત્ર્ય એક મૂળભૂત અધિકાર છે, ત્યારે અનિયંત્રિત ડિજિટલ સામગ્રી સામાજિક વિસંગતતા, રાજકીય ચાલાકી અને માનસિક સ્વાસ્થ્યના સંકટનું કારણ બની શકે છે. તેના પર રોક લગાવી જરૂરી છે. આ પ્લેટફોર્મ વપરાશકર્તાના ડેટા એકત્રિત કરે છે અને મુદ્રીકરણ કરે છે. જેનાથી ગંભીર ગોપનીયતાની ચિંતા ઉભી થાય છે. જાતીય રીતે સ્પષ્ટ અને હિંસક સામગ્રીના વધારાથી માનસિક સુખાકારી પર અસર પડી છે, ખાસ કરીને સગીરોમાં.

સોશિયલ મીડિયા પર પીરસાતા આવા કન્ટેન્ટ પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આઇ.ટી. એક્ટ, 2000 (કલમ 67 અને 69 એ): અશ્લીલ અને અપમાનજનક સામગ્રી માટે સજા, સરકારને વેબસાઈટ્સને બ્લોક કરવાની મંજૂરી આપે છે જેમાં દંડ સાથે ૩-૫ વર્ષની કેદ થાય છે. ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) 194, 195, 197 અંતર્ગત સાંપ્રદાયિક દ્વેષપૂર્ણ ભાષણ અને હિંસા માટે ઉશ્કેરણી માટે ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (પોક્સો) અધિનિયમ, 2012: સગીરોને લક્ષ્ય બનાવતી બાળ પોર્નોગ્રાફી અને જાતીય સામગ્રી પર પ્રતિબંધ છે આ કાનૂન ભંગ કરનારને 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. આઇટી નિયમો, 2021: ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા અને ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આદેશ આપે છે તેની સાજના ભાગ રૂપે પ્લેટફોર્મને દંડ અથવા પ્રતિબંધિત કરી શકાય છે.

સામાજિક રીતે અભદ્ર સામગ્રીને નિયંત્રિત કરવાના ઘણા પગલાં લેવા જોઈએ. જેમાં આપણે AI-આધારિત સામગ્રી મધ્યસ્થતાને મજબૂત બનાવવી જોઈએ. ગેરકાયદેસર સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કડક દંડ થવો જોઈએ. એક બિન-પક્ષપાતી સોશિયલ મીડિયા દેખરેખ કમિશન હોવું જોઈએ. કાયદા અમલીકરણ અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે નિયમિત બેઠક થવી જોઈએ. સોશિયલ મીડિયામુક્ત અભિવ્યક્તિ માટે જગ્યા રહેવી જોઈએ. પરંતુ જવાબદારી વિના સ્વતંત્રતા અરાજકતા તરફ દોરી જાય છે. સંતુલિત નિયમન, મજબૂત પ્લેટફોર્મ જવાબદારી અને વપરાશકર્તા જાગૃતિ એ સુનિશ્ચિત કરવાની ચાવી છે કે, સોશિયલ મીડિયા ખોટી માહિતી, અશ્લીલતા અને સાયબર ક્રાઇમના કેન્દ્રને બદલે સકારાત્મક ચર્ચાનું સાધન રહે.

નિધી ગજ્જર, કોન્ટેન્ટ ક્રિએટર, અમદાવાદ

આજના સમયમાં લોકો થોડો ટાઈમ મળતાની સાથે ફોન પર સ્ક્રોલિંગ કરવા લાગે છે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય તેમ, કોઈ પણ ટ્રેન્ડની બે બાજુ હોય છે. મારા મતે કોન્ટેન્ટ ક્રિએટર્સના વિડીયો જોયા પછી લોકો પ્રભાવિત થતા હોય છે. તેથી જે કંઈ પણ ક્રિએટર સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, તે લોકોને આકર્ષવા કરે છે. ખરેખર તો આ મનોરંજનનું માધ્યમ છે અને આપણે એને મનોરંજન માટે જ ઉપયોગ કરવો જોઈએ, ન કે ફક્ત લાઈક્સ અને વ્યૂઝ માટે અશ્લીલ કે અયોગ્ય સામગ્રી પોસ્ટ કરવી જોઈએ. હું ઘણીવાર જોઉં છું કે અમુક ક્રિએટર કંઈ પણ મૂકી દેતા હોય છે, જે જોઈને મને લાગતું નથી કે એ યોગ્ય છે. સાથે-સાથે એક પ્રશ્ન માતા-પિતા તરફથી પણ ઉઠે છે કે “આવું અમારા બાળકો જુએ છે, ને તેના કારણે તેના સંસ્કાર બગડે છે.” આ બાબતમાં, હું માતા-પિતાની ભૂલ પણ ગણું છું. તમે તમારા બાળકોને ફોન શા માટે આપો છો? જો સુરક્ષાના કારણે ફોન આપો છો, તો પછી એ બાળકોને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખો. હા, એ વાત છે કે ક્રિએટર્સ માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવો ન જોઈએ. તાળી એક હાથે નથી લાગતી વાંક અને નિયંત્રણ બંને પક્ષે હોવું જોઈએ.

જય શંકર જાની, MJMC વિદ્યાર્થી, અમદાવાદ

ક્રિએટરના કોન્ટેન્ટ પર વારંવાર અનેક રીતે પ્રશ્ન ઉભા થાય છે. પરંતુ આ સવાલ ‘વિચાર અને મર્યાદા’ની વચ્ચેના તફાવતનો છે. ભારતમાં કેટલીક વખત ધર્મ, સમાજ કે રાજકારણને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ વિવાદાસ્પદ બની શકે છે અને હાલમાં આવો જ એક વિવાદ સર્જાયો છે. જેમાં હાસ્યના નામે અસભ્યતા ફેલાવવામાં આવી હતી. કોમેડી મજબૂત અને ઉદ્ભાવક અભિવ્યક્તિનું સાધન છે. જે સમાજની હકીકતો અને ત્રુટિઓ પ્રગટ કરે છે અને બીજી તરફ, કેટલાંક કોન્ટેન્ટ સંવેદનશીલ મુદ્દાઓનો નકારાત્મક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરી શકે છે. જે સામાજમાં અસહિષ્ણુતા ફેલાવી શકે છે. કટાક્ષ અને વ્યંગ્યનો ઉપયોગ કદાચ ઘાતક હોય શકે છે. ખાસ કરીને ધર્મ, જાતિ અથવા સમાજિક ન્યાયના મુદ્દાઓ પર. જો કોન્ટેન્ટ અનાવશ્યક રીતે સમાજમાં દૂરસ્થતા, અત્યાચાર કે અન્ય જાતિ, ધર્મ અથવા સંસ્કૃતિ સામે દુશ્મનાવટ પેદા કરે, તો તે નુકસાનકારક થઈ શકે છે. એટલા માટે કેટલાંક વિષયો પર વિશેષ સભાનતા જરૂરી છે. તેથી મારા મતે, કોન્ટેન્ટ પર નિયંત્રણ હોવું જોઈએ, પરંતુ તે વ્યક્તિગત આઝાદી અને સામાજિક જવાબદારીના મર્યાદામાં હોવું જોઈએ.

દેવમ દિવેચા, ફાઉન્ડર, ગણેશ ડિજિટલ માર્કેટીંગ, ઉના

આજની ડિજિટલ દોડમાં કોન્ટેન્ટ વાસ્તવમાં બ્રાન્ડ બિલ્ડિંગ અને એન્ગેંજમેન્ટ માટે મજબૂત સાધન છે. કોમેડિયનનો હાસ્યપ્રયોગ કે શાર્પ હ્યુમર વાયરલ કોન્ટેન્ટ બનાવવા મહત્વપૂર્ણ છે, પણ સાથે જ ઓડિયન્સની ભાવનાઓ, સામાજિક મૂલ્યો અને બ્રાન્ડ ઈમેજની જવાબદારી પણ ધ્યાનમાં લેવી જોઈએ. અતિશય નિયંત્રણ સર્જનાત્મકતા ધૂંધળી કરી શકે અને કોઈવાર ‘સ્ટ્રેસટ્રેન્ચ’ ઇફેક્ટ પણ સર્જી શકે છે, જે બ્રાન્ડને નુકસાન કરે છે. આમ છતાં, કોન્ટેન્ટ પોલિસી અને પ્લેટફોર્મ ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી છે. ફ્રીડમ ઑફ સ્પીચ અને એથિકલ બાઉન્ડરી વચ્ચે સમતુલા જાળવવી એ ડિજિટલ સફળતાનું સત્ય છે. કોન્ટેન્ટ એ હસી પણ લાવે અને સંબંધ પણ બાંધે – પણ અતિ થાય તો તે હાનિકારક બની શકે છે.

કિશોરભાઈ રાઠોડ, ધંધાર્થી, રાજકોટ

આજની ડિજિટલ દુનિયામાં બાળકો અને યુવાધન સોશિયલ મીડિયા અને ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર વધુ સમય પસાર કરે છે. હાસ્ય કે મજાકના નામે કેટલીકવાર અશ્લિલતા, અપશબ્દો અથવા સામાજિક મૂલ્યોને નુકસાન કરે તેવી ભાષા ઉપયોગમાં લેવાતી હોય છે, જે બાળકોના માનસ પર નકારાત્મક અસર કરી શકે. વાલી તરીકે આવું કોન્ટેન્ટ જોઈને ચિંતિત થવું સ્વાભાવિક છે, પણ સખત પ્રતિબંધ કે નિષ્ઠુર નિયંત્રણ કરતાં સંવાદ અને માર્ગદર્શન વધુ અસરકારક સાબિત થાય છે. બાળકોને સારા-ખરાબ કોન્ટેન્ટની સમજ આપવી અને પરિવાર સાથે ખુલ્લી ચર્ચા કરવી એ યોગ્ય માર્ગ છે. કોન્ટેન્ટ ક્રીએટર્સ માટે પણ જવાબદારી નક્કી કરવી જોઈએ કે તેઓ મર્યાદિત અને સજાગ અભિવ્યક્તિ કરે, જે હાસ્ય સાથે સંસ્કાર પણ આપે.

(તેજસ રાજપરા, અમદાવાદ)