2014માં કોંગ્રેસની સરકારની કાંટાની ટક્કર આપી ભાજપ કેન્દ્રની ગાદી પર વિરાજમાન થયું હતું. આ ઈલેક્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંઢેરામાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2015માં લો કમિશને વન નેશન, વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દેશમાં એક જ ચૂંટણીના આયોજનથી ખર્ચમાં બચત, વારંવાર ચૂંટણી આચાર સંહિતા ન લાગવાના કારણથી ડેવલપમેન્ટ કામ પર પણ અસર નહીં પડવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમયથી પહેલાં જ ભંગ કરી દેવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભાને ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે વન નેશન, વન ઇલેક્શનની પરંપરા તૂટી ગઈ.
પહેલી ટર્મમાં આપેલું વન નેશન વન ઇલેક્શનનું વચન હવે ત્રીજી ટર્મમાં NDA સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે. ત્યારે આ નિર્ણય પર નિષ્ણાંતોએ શું કહ્યું? આવો જાણીએ..
વિષ્ણુ પંડ્યા, રાજકીય વિશ્લેશક
વન નેશન વન ઇલેક્શન વાત નવી નથી. શરૂઆતમાં આપણી ચૂંટણી એક સાથે જ થતી હતી. પછી કેટલાક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું, પક્ષ પલટા થયા અને સરકાર બદલાઈ. જેના કારણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે કરવું શક્ય ન બન્યું. બાદમાં અલગ-અલગ ચૂંટણીઓ દેશની પરંપરા બની અને વન નેશન વન ઇલેક્શન ભૂલાય જ ગયું. મુખ્ય વાત એ છે, ચૂંટણી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ચૂંટણી પંચ, સરકારી તંત્ર સહિત કોઈ પણ પાર્ટી કે ઉમેદવારના પણ કરોડોનો ખર્ચ થાય છે. પહેલાં વિધાનસભા પછી લોકસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ હવે તો સારો એવો ખર્ચ કરવામાં આવે છે. આ રીતે ખર્ચનું ભારણ વધે છે. આ નિર્ણય સાથે પક્ષ પલટાને રોકતો નિર્ણય પણ કરવો જોઈએ. જેથી ખર્ચ પણ બચે અને એક સાથે ચૂંટણી થાય. વાત રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના મુદ્દાની થાય તો, જ્યારે બંને ચૂંટણી સાથે યોજાય ત્યારે બંને મુદ્દા વિષે ચર્ચા તો થાય જ છે. રાષ્ટ્ર કક્ષાએ જતા ઉમેદવારે પ્રાદેશિક મુદ્દા તો ધ્યાને લેવા જ પડે છે.
હેમંત શાહ, જાણીતા અર્થશાસ્ત્રી
લોકસભાની બે ચૂંટણી વચ્ચે મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. જેના પગલે કેન્દ્ર સરકારે રાજ્યની પ્રજા પર વધુ ઉત્તરદાયી બનવું પડે છે. વિધાનસભાની ચૂંટણીની આગળ કે પાછળ લોકસભાની પાંચ વર્ષે થતી ચૂંટણી આવે છે, માટે જ કેન્દ્ર સરકાર નાગરિકોની ચિંતા કરે છે, નહિ તો પાંચ વર્ષે જ કરે, વચ્ચે ના કરે.. લોકસભાની ચૂંટણીમાં દેશના અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ ધ્યાને લેવાય છે. જો બંને ચૂંટણી એક સાથે લેવાશે તો, એ બંને કક્ષાના મુદ્દાની ભેળસેળ થઈ જાય છે. નાગરિકો અલગ-અલગ મુદ્દે વિચારે અને જુદી-જુદી ચૂંટણીમાં મતદાન કરે તો એમાં ખોટું શું છે? વળી, જે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને વાર હોય છે તેમની સરકાર પણ લોકસભાની ચૂંટણી વેળાએ લોકોના કલ્યાણ માટે વધુ પગલાં લે છે. આમ, રાજ્ય સરકાર પણ લોકસભાની ચૂંટણી હોવા છતાં લોકો પ્રત્યે વધુ જવાબદાર બને છે. લોકશાહીમાં ચૂંટણી એ લોકો પ્રત્યે સરકારને જવાબદાર બનાવવા માટેનું સૌથી અગત્યનું સાધન છે. અને તેથી જ કદાચ બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવી કોઈ જોગવાઈ કરવામાં આવી જ નહોતી.
શૈલેષ રાઠોડ, શિક્ષણવિદ
મારી દ્રષ્ટિએ દેશમાં ભૌતિક સુવિધાનો અભાવ છે. જ્યારે પણ ચૂંટણી થાય છે, એ ત્રણ કે પાંચ તબક્કામાં થાય છે. આપણી પાસે EVM, સૈન્ય બળ સહિત ચૂંટણી અધિકારીની પણ અછત જોવા મળે છે. જ્યારે વિધાનસભા અને લોકસભા બંન્ને ચૂંટણી સાથે હોય ત્યારે તો આ અછત ખુબ જ મોટી બની જશે. બીજું કે રાજ્ય અને રાષ્ટ્રના મુદ્દા અલગ હોય છે. ત્યારે અમુક હાઈલાઈટના માધ્યમથી આપણે દેશ કે રાજ્યના નેતા કેવી રીતે નક્કી કરી શકીએ? મારા મત પ્રમાણે આ નિર્ણય અસ્વીકાર્ય એટલે છે કે કેમ કે ઘણી જગ્યા પર વિસંગતા જોવા મળે છે.
રાજવીરસિંહ, સોશિયલ વર્કર
વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય આમ તો આવકારદાયક છે. આ નિર્ણયના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા છે. પરંતુ નિર્ણયની પોઝિટિવ સાઈડ અસર વધારે છે. આવા મોટા નિર્ણયનો અમલ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભારત વિવિધતાપૂર્ણ દેશ છે, પણ શું દેશ પાસે એક ચૂંટણી માટેના પૂરતા રિસોર્સ છે? ભારત સિવાય કેટલાંક દેશોમાં એક ચૂંટણીનો કોનસેપ્ટ છે. ચૂંટણીના સમયે મોટી સંખ્યામાં સૈન્ય બળ અને EVMની જરૂર હોય છે. સામાન્ય રીતે રાજ્યની ચૂંટણીમાં પણ સૈન્ય બળ સહિત EVMને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે વન નેશન વન ઇલેક્શન માટે સક્ષમ છીએ? બીજી બાજુ કેટલીક રાજકીય પાર્ટીને પણ નુકસાન થઈ શકે. એક સાથે ચૂંટણી આવવાથી તમામ રાજકીય પાર્ટીને બમણી મહેતન કરવી પડશે. આ બધી વાત વચ્ચે એક વાત સારી થશે કે દેશની જનતા રાજકીય પાર્ટીઓની ક્ષમતા જાણી શકશે.
નરેશભાઈ સોનપાલ, વ્યાવસાયિક
વન નેશન વન ઇલેક્શન નિર્ણય મારા મત મુજબ આવકારદાયક છે. આ નિર્ણયથી આપણી ઈકોનોમીને વારંવાર થતું નુકસાન અટકી જશે. ચૂંટણી સમયે થતા ખર્ચ અને આચારસંહિતાથી લોકોને છૂટકારો મળી જશે. આચારસંહિતાથી કેટલાક વિકાસ કાર્ય પર બ્રેક લાગી જતી હોય છે. એ વિકાસ કાર્ય અટક્યા વગર થશે. આમ તો સિક્કાની બે બાજુ હોય છે. પરંતુ આ નિર્ણયથી મોટું નુકસાન મને નથી દેખાઈ રહ્યું. હા, એક વાત છે કે વિધાનસભા ચૂંટણી બાદ બરાબર કામ ન કર્યું લોકસભામાં જનતા કોઈ પણ પાર્ટીને માત આપી શકશે નહીં. જ્યારે એક દેશ એક ચૂંટણીનો નિર્ણય થશે ત્યારે થોડી મુશ્કેલી પડશે સ્થળ, સૈન્ય બળ અને EVM બાબતે, પણ એક વખત ખર્ચ થયા બાદ આગામી ચૂંટણી માટે સાધનો ફરી ઉપયોગ પણ લઈ શકાશે.
(તેજસ રાજપરા – અમદાવાદ)