દેશમાં સૌથી વધુ સુરક્ષિત રાજ્યોમાં ગુજરાતનું નામ મોખરે હોય છે. ગાંધીના ગુજરાતમાં લોકો સપનાને પાંખો આપવાની આશાએ આવતા હોય છે, પણ શું આપણું ગુજરાત સુરક્ષિત છે? વધતા ક્રાઈમ આંકડા જોઈ રાજ્યમાં દીકરી તો શું દીકરાની સુરક્ષાને લઈ વાલીઓમાં ભયનો ફફડાટ વધતો જઈ રહ્યો છે. નાની વાતે મોટું ધિંગાણું કરવું જાણે સામાન્ય વાત બની ગઈ છે.
આ વચ્ચે મોટો પ્રશ્ન એ થાય કે ખોટ ક્યાં પડી રહી છે? શું ગુજરાતની કાયદાકીય વ્યવસ્થા કથળી રહી છે? શું કાયદો માત્રને માત્ર કાગળ પર રહી ગયો છે?
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણો, અલગ અલગ વર્ગના લોકોએ શું આપ્યો અભિપ્રાય..
શાલિની મહાતો, આચાર્ય, બ્લુ બેલ સ્કૂલ, અમદાવાદ
ગુજરાતમાં કાયદામાં કોઈ પણ ખામી નથી, પરંતુ કાયદાના અમલીકરણ કરતી વખતે ક્યાકને ક્યાક ખોટ પડી જાય છે. બીજી બાજુ કાયદા વ્યવસ્થાને લઈ લોકોમાં જે ડર હોવો જોઈએ, એ નથી. ઉદાહરણ તરીકે આપણે ડ્રીંક અને ડ્રાઇવનો કેસ લઈએ તો, લોકોને ખબર છે કે આ ગુનો છે, તેમ છતા કરે છે, કેમકે એ લોકોને ખબર છે કે કાંઈ પણ કરીને થોડા રૂપિયા આપી, જામીન પર કે પછી ઓળખાણથી છૂટી જવાશે. મોટો ગુનો ત્યારે બને છે જ્યારે કોઈ એક સ્તર પર અધિકારી કે કર્મચારીએ કોમ્પ્રોમાઈશ કર્યુ હોય. તેના પર કડક કાર્યવાહી થાય તો, લોકોમાં કાનૂન વ્યવસ્થાનો ભય ઊભો થાય. સાચી વાત તો એ છે કે નિયમો બન્યા છે લોકોના સારા માટે, તેમ છતાં આપણે નિયમોને મેન્યુ પ્લેટ કરીએ છીએ. કેમ કે ગુનો કરનારાએ પહેલાથી જ કાયદાની છટકબારી શોધી લીધી હોય છે. સુઘડ સમાજ માટે આપણે આપણા બાળકો અને યુવાનોને કાયદાની સમજ આપવી જોઈએ, સાથે ગુનાખોરી કર્યા બાદના પરિણામોનું ભાન કરાવવું જોઈએ.
પરેશ મોદી, હાઈકોર્ટ એડવોકેટ, અમદાવાદ
પહેલાના જમાનામાં આટલું પોપ્યુલેશન ન હતું. પણ હવે અલગ અલગ રાજ્યોમાંથી લોકો ગુજરાતમાં રોજીરોટી કમાવા આવતા હોય. હવે તે લોકો એવું વિચારતા હોય કે મારે ગુજરાતમાં રોજીરોટી માટે ટકવાનું છે. બીજી બાજુ સ્થાનિકોને એવું થાય કે આ અમારી જગ્યા પર અતિક્રમણ થાય છે. પોપ્યુલેશન સાથે લોકોનો સંઘર્ષ વધ્યો, બીજી પાસુ એ છે કે કાયદાના જ્ઞાનની કમી. હાલની તકમાં પણ એવા લોકો છે જેને કાયદા વિશે સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. રાજ્યમાં ક્રાઈમ તો વધ્યો પણ તેની સામે પોલીસ ફોર્સ કેટલી છે? આજે પણ સમાચારમાં પોલીસ ભરતીની જાહેરાત છપાઈને આવે છે. પોપ્યુલેશન વધારા સાથે કાનૂની ઓછી સમજ અને પોલીસ ફોર્સમાં ઘટાડો આ પરિબળોથી ગુનાના રેશિયોમાં વધારો થઈ રહ્યો છે. કોઈ પણ માણસથી ગુનો ત્યારે થાય છે જ્યારે વાત તેમના અહંકાર, સ્વાભિમાન કે અસ્તિત્વ પર આવી જાય છે.
કૌશલ ગોહિલ, ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ, સ્વસર્જન ફાઉન્ડેશન, અમદાવાદ
ગુનાખોરી વધવા પાછળનું એક કારણ એવુ છે, કે ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે. પહેલાના લોકોમાં કાયદાની રીતે આટલી માહિતી ન હતી. પરંતુ હવે ટેક્નોલોજીની મદદથી લોકો પાસે પૂરતી કાયદાની સમજ હોય છે, કે મારે કોની સામે કેવી રીતે લડવાનું છે. ગુજરાતમાં એડલ્ટ ક્રાઈમ રેશિયો સાથે જુરિનલ ક્રાઈમમાં પણ ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. કેટલાક આરોપીએ નાના બાળકોને ટાર્ગેટ બનાવી તેની પાસે ગુનો કરાવશે, કેમકે આરોપીને ખબર છે બાળક તો છૂટી જવાનું છે. આ કિસ્સાને કાયદાની દ્રષ્ટિ માંથી છટકબારી જ કહી શકાય. બીજુ બાજુ ટેકનોલોજી આગળ વધી સોશિયલ મીડિયા જોઈ લોકોમાં સાયકોલોજીક ડિસઓર્ડર થાય. પોતાના સેટીસફેક્સન માટે લોકો કોઈ પણ પગલું ભરી દેતા હોય આવી હિંમત માત્રને માત્ર ટેકનોલોજીથી આવે છે. મારા મત પ્રમાણે સરકાર ઘણી વખત સારા કાયદા લાવતી હોય છે. પણ તેનું અમલીકરણ થતા થતા તે નબળો થઈ જાય છે. જ્યા સુધી કાયદાનો કડક અમલીકરણ નહીં થાય ત્યાં સુધી આવા ગુના વધવાની શક્યતા તો રહેવાની જ છે. હાલના સમયમાં ગુજરાતમાં પોલીસ ફોર્સની સંખ્યા પુરતા પ્રમાણમાં છે, પણ તેની ડ્યુટી જે જગ્યા પર આપવામાં આવી તે સરખી રીતે કરવામાં આવે તો પણ આવા ગુના રેશિયોમાં ઘટાડો થઈ શકે.
સંદિપ બારોટ, સરકારી કર્મચારી, નડિયાદ
ગુજરાતના સરકારી કાયદા વ્યવસ્થા ખુબ સારી છે, પણ આપણે ત્યાં બે માનસિકતા શિક્ષિત વર્ગ અને અશિક્ષિત વર્ગ, તેની માનસિકતામાં પરિવર્તન આવે તો ગુનાખોરીમાં ઘટાડો થઈ શકે. મારા મત પ્રમાણે સામાન્ય લોકોમાં જાગૃતિ ઓછી છે. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવા માટે સામાન્ય જનતાને પણ સુધરવું પડે. પોલીસ ફોર્સ વાત થાય તો જરૂરિયાત પ્રમાણે આપણે પાસે પોલીસ બળ છે, આ ઉપરાંત પણ સરકાર પોલીસની ભરતી કરતી રહેતી જ હોય છે. એવુ નથી ગુના વધવામાં પુર જનતાનો વાંક ક્યાંકને ક્યાંક સરકારનો એકાંદરો વાંક છે. શિક્ષણ નીતિ સુધરે તો ગુનામાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. બીજી બાજુ કાયદા થોડા કડક કરવાની જરૂર છે. જેમાંથી આવા ગંભીર ગુના કરનારા છટકબારી ન કરી શકે. નીતિ બદલશે તો પરિસ્થિતિ બદલાશે.
માધવ ફિચડીયા, યુવા, અમદાવાદ
ગુના વધી રહ્યા છે એ વાતને નકારી ન શકાય, પરંતુ એનો અર્થ એ નથી કે આખી કાયદા વ્યવસ્થા નબળી છે. આમ જોવા જઈએ તો આખા દેશમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે, પ્રસાશન પોતાનું કામ કરે જ છે. આજના સમયની સમસ્યા એ છે કે, ગુના થાય ત્યારે લોકો તરત જ પોલીસ તંત્રને દોષ આપવાનું શરૂ કરી દે છે. પરંતુ એકમાત્ર પોલીસ વિભાગ પર આખી જવાબદારી મૂકવી યોગ્ય નથી. ગુનાને રોકવા માટે દરેક નાગરિકનું જાગૃત હોવું અને પોતાના ભાગનો સહયોગ આપવો અત્યંત આવશ્યક છે. કાયદા અને વ્યવસ્થાની જવાબદારી એ માત્ર પ્રશાસન માટે નથી, પણ સમાજના દરેક સભ્ય માટે છે. હકીકતમાં, જો કાયદા વ્યવસ્થા ખરેખર એટલી નબળી પડી ગઈ હોત, તો આજની દિનચર્યા જીવવી પણ મુશ્કેલ થઈ ગઈ હોત. લોકો રસ્તા પર નીકળવામાં પણ ડરી જતા, પરંતુ આજે પણ આપણી સુરક્ષિતતાના મજબૂત આધાર તળે ગુજરાતમાં લોકો નિડર રીતે જીવવાં સક્ષમ છે.
(તેજસ રાજપરા – અમદાવાદ)