Opinion: સરકારી સિસ્ટમને ફૂલપ્રૂફ કરવા શું કરવું જોઈએ?

સરકારી સુવિધાઓને સુઘડ બનાવવા માટે તેમજ અનેક સુવિધાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા સરકારો પ્રયત્નશીલ હોય છે. જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે કાર્યરત હોય છે, સરકારી અધિકારીઓ. આવા પ્રજાની સેવા માટે તત્પર અધિકારીઓને શોધવા માટે સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. યોગ્ય ઉમેદવારો મળે તે માટે ટક્કોરા મારતી પરીક્ષાઓનું આયોજન થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નકલીનો ખેલ શરૂ થયો છે. સરકારી પરીક્ષાના નકલી સર્ટિફિકેટ બનાવી, સરકારની આંખમાં ધૂળ નાખીને વગર મહેનતે કેટલાંક લોકો ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર બેસી જાય છે. નકલીના મુખોટા પહેરી સરકાર અને યોગ્ય ઉમદેવારો સાથે ચેડાં થઈ રહ્યા છે. આવા લોકો સરકારના જ નિયોમોમાં છીંડું ગોતી, સરકારી તિજોરી પર હાથ સાફ કરવાની સાથે લોકોની વાહવાહી લેતા હોય છે. બીજી તરફ એવાં લાકો યુવાનો છે, જે સરકારી નોકરી મેળવવા માટે દિવસ-રાત વર્ષોથી મહેતન કરી રહ્યા છે.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આવા લોકોને અટકાવવા શું કરવું જોઈએ? આ અત્યારના સમયનો એક મોટો પ્રશ્ન અને પડકાર પણ છે. આ મુદ્દે અલગ-અલગ વર્ગનો શું અભિપ્રાય છે.

અમિત પંચાલ, પ્રેસિડન્ટ, વાલી સ્વરાજ મંચ

છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત આવું જોવા મળ્યું કે, કોર્ટ નકલી, Dysp નકલી, કચેરીઓ નકલી હોય છે. છેલ્લા બે વર્ષમાં એવાં-એવાં કિસ્સાઓ સામે આવ્યા છે કે આપણને થાય કે ખરેખર લોકો આવું પણ વિચારી પણ શકે છે અને કરી પણ શકે છે. એટલે સિસ્ટમમાં ક્યાંકને ક્યાંક લૂ ફોલ્ટ તો છે. મારા મત પ્રમાણે કાયદા તો સારા છે પણ તેનું અમલીકરણ બરાબર રીતે થઈ રહ્યું નથી. આજે ગુજરાતમાં ચોરી થાય છે, દારૂ વેચાય છે, પણ આવા ગુનેગારોને પકડવા પોલીસ પ્રોએક્ટિવલી કામ નથી કરતી. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, તેમાં કામચોરીનું દુષણ આવ્યા પછી આવા ગુનામાં વધારો થયો છે. છેતરપિંડી કરનારા લોકો પહેલા લૂ ફોલ્ટ ગોતે છે. જ્યાંથી સિસ્ટમ બરાબર કામ ન કરતી હોય ત્યાંથી તે લોકો અંદર આવવાનો વિચાર કરશે. આવા લોકોને પકડાવાનો ડર હોવા છતા, જેટલાં દિવસ ફાયદો મળે તેટલા દિવસ ફાયદો લઈ લેવાના ઈરાદે સિસ્ટમમાં ઘૂસણખોરી કરતા હોય છે. કથળતું શિક્ષણ પણ ક્યાંકને ક્યાંક આવું થવાનું જવાબદાર બની શકે. આવક ઊભી કરવાની લાલચે પણ ઘણા યુવાનો આવું કરવા માટે પ્રેરાય છે.

યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

નિશાબેન વોહરાએ જાહેર મંચો અને સમાજમાં પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા સર્ટિફિકેટ ઉભા કર્યા હતા. તેમને ઘણી જગ્યાએથી પ્રોત્સાહન પણ મળ્યું હતું. આ એમને જ ઊભુ કરેલું એક ડિંડક હતું. અત્યારના સમયમાં એક ઓરા ક્રિયેટ કરવામાં આવ્યો છે કે, જો તમારી પાસે સફળતા છે તો જ તમે ખુબસુરત છો. એટલા માટે પોતાની પાછળ એક સારુ ટેગ લગાડવા માટે, પોતાની સફળતા દર્શાવવા માટે લોકો શોર્ટ કટનો રસ્તો અપનાવે છે. આવું થવા પાછળ બધા લોકો જવાબદાર છે, પછી ભલે તે સિસ્ટમ હોય, સરકાર હોય કે, સોશિયલ મીડિયા હોય. જ્યારે એક વ્યક્તિ ધારાસભ્ય સહિત મુખ્યમંત્રી સાથે શુભેચ્છા ભેટ કરે છે, ત્યાં સુધીના કોઈ પણ ફિલ્ટરમાં કેમ પકડાતું નથી. આપણી પાસે આટલી બધી એજન્સીઓ છે, તેમના સુધી પણ આવા કોઈ પણ છમકલાની ખબર સુધા કેમ પહોંચતી નથી. જ્યારે જાહેર જગ્યા પર મુદ્દો ઉશ્કેરાય છે ત્યારે તેના પર એક્શન લેવાય છે. માનમોભા માટે ગુજરાતનો યુવાન ખોટું બોલતા શીખી રહ્યો છે. જ્યારે આવી વાતો બહાર આવવાની શરૂઆત થઈ ત્યારે કઈ દાખલો બેસાડ્યો હોત તો, બીજા લોકો આવું કરતા ડરતા. જે છેલ્લે ઘટના બની તે બેને પ્રસિદ્ધિ મેળવવા માટે આ બધું કર્યું હતું. આજ-કાલ લોકો પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયાનો દૂરોપયોગ કરી રહ્યા છે. લોકો જો સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરે તો પણ આવું થતા અટકી શકે.

હરિઓમ ગોહિલ, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સાયલા

હું માનું છું કે નકલી પ્રવૃત્તિઓને રોકવા માટે શિક્ષણ અને જાગૃતિ સૌથી શક્તિશાળી હથિયાર છે. નકલી દસ્તાવેજો, ઑનલાઈન ફ્રોડ અને અન્ય છેતરપિંડી સામે લડવા માટે આપણે વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને પ્રામાણિકતાની ભાવના વિકસાવવી જોઈએ. કોઈ પણ પરીક્ષામાં નૈતિક શિક્ષણ અને ડિજિટલ સેફ્ટીનો સમાવેશ કરવો જોઈએ, જેથી લોકોને નકલી અને સત્ય વચ્ચેનો તફાવત સમજાવી શકાય. સાહિત્ય ચોરી અને ભ્રષ્ટાચારમાં સંડોવાય નહીં તે માટે પરીક્ષા નીતિઓમાં કડક નીતિઓ લાગુ કરવી જોઈએ. સાથે-સાથે, ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવી જોઈએ, જેથી કોઈપણ નકલી પ્રવૃત્તિ ઝડપાઈ શકે.

બારૈયા રાહુલ ભરતભાઈ, વિદ્યાર્થી, અમદાવાદ 

સરકારી જગ્યા પર નકલી દસ્તાવેજો બનાવી બેસવું ખરેખર અયોગ્ય વાત છે. કેમકે આ ખોટા લોકો જો નકલી દસ્તાવેજો બનાવી નામના બનાવશે અને પ્રોત્સહનો મેળવશે તો, જે યોગ્ય લોકો હશે તમના માટે એક ખોટું ઉદાહરણ બની બહાર આવશે. સરકારે એવા કાયદા બનાવા જોઈએ કે જેથી કરી લોકો આવી પ્રવૃતિ ન કરે. આ પ્રકારની નકલી પ્રવૃત્તિઓ (Fake Documents, Plagiarism, Online Fraud) એક ગંભીર સમસ્યા છે, જે સમાજ અને ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. દરેક વિદ્યાર્થીએ પ્રામાણિકતા અને કાયદાની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. કોઈપણ નકલી દસ્તાવેજ કે છેતરપિંડીયુક્ત પ્રવૃત્તિમાં ભાગ ન લેવા સાથે, જો તમને આવા કિસ્સાઓ જોવા મળે તો તેને ઉજાગર કરવા જોઈએ. એક જવાબદાર નાગરિક અને ભવિષ્યના લીડર તરીકે, તમારું ધ્યેય ન માત્ર શૈક્ષણિક સિદ્ધિ મેળવવાનું હોવું જોઈએ, પણ સમાજમાં ઈમાનદારી અને સત્યતા જાળવવી રાખવાનું પણ હોવું જોઈએ.

(તેજસ રાજપરા, અમદાવાદ)