કોસ્મેટિક બજારમાં આવેલું કલાત્મક સ્થાપત્ય

અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા ઘીકાંટા રોડ પરથી પસાર થાઓ એટલે બંને તરફ કોસ્મેટિક્સ, સિલાઈકામની સામગ્રી, રેડીમેઈડ કપડાંની દુકાનોથી ભરેલું બજાર દેખાય. રહેણાંક વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ એમ બંને સમાજના લોકો રહે છે.

શહેરની ભીડવાળા અને વેપારથી ધમધમતા આ વિસ્તારમાં એક મસ્જિદ આવેલી છે. કલાત્મક મસ્જિદ! ઝરુખાઓ, થાંભલાઓ અને મિનારાઓથી શોભતા ઐતિહાસિક સ્થાપત્યોમાં આ મસ્જિદ સ્થાપત્યનો બેજોડ અને અસાધારણ નમૂનો છે. મુહાફિઝ ખાનની આ મસ્જિદ 1485ના સમયગાળામાં બનાવવામાં આવી છે.

મુઘલ સલ્તનત સમયમાં મોહંમદ શાહે એના વફાદાર અને બાહોશ અધિકારી મુહાફિઝ ખાનની યાદગીરીમાં આ મસ્જિદ બનાવી હતી.

કમાનવાળા પ્રવેશદ્વાર, કોતરણીવાળા મિનાર અને ઝરુખાથી સુંદર લાગતું આ ઐતિહાસિક સ્મારક ઈસનપુરની મસ્જિદ સાથે સામ્યતા ધરાવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)