અમદાવાદના રાયપુરથી કાલુપુર સ્ટેશન તરફ જતા વેપાર ધંધાથી ધમધમતા માર્ગ પર સતત વાહનોનો કોલાહલ સંભાળાય. રાયપુર અને સારંગપુર વચ્ચે આવેલા કાપડ માર્કેટથી અંદર જતા એક મંદિરમાં અમદાવાદના નગરદેવતા બીરાજે છે. એક હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી કર્ણાવતી નગરના આ દેવતા એટલે શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ. બહાર રસ્તા પર જૂના શહેરનો કોલાહલ સંભળાય, પણ અંદર આવો તો અહીંની શાંતિ અનુભવતા જ લાગે કે આ એકદમ પ્રાચીન મંદિર હશે. મંદિરની બાંધણી અને અહીં સચવાઇ રહેલી ખંડિત મૂર્તિઓ આ વાતની શાખ પૂરે છે.
આ પ્રાચીન મંદિર ૧૧મી સદીમાં રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. એના નિર્માણ અને વિકાસનું કાર્ય સિધ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગેઝેટીયર, ભાગ-૨માં કર્ણદેવ સોલંકી દ્વારા સ્થાપિત કર્ણમુક્તેશ્વર શિવાલયનો ઉલ્લેખ થયેલ છે. આ શિવમંદિર ખાતે લક્ષ્મી અને તિલક કન્યાનાં ૯૦૦ વર્ષ જૂનાં શિલ્પો, ૧૨મી સદીની મહીષાસુર મર્દની માતાની પ્રતિમા તથા ચર્તુભૂજ વિષ્ણુ ભગવાનની પ્રતિમા વર્તમાન સમયમાં પણ હયાત છે. મરાઠા સામ્રાજ્યના સમયમાં આ મંદિરની શાસ્ત્રોક્ત પૂજા, વહિવટ માટેનું કાર્ય બાપાશાસ્ત્રી અને કુટુંબીજનોને સોંપાવામાં આવ્યું હતું.
આ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના અને હવન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત, દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે મંદિરેથી વિશાળ નગરયાત્રા નીકળી શહેરમાં ફરી પાછી પરત મંદિરે આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)