ભારતના એ દસ ઉપગ્રહ જેણે રચ્યો ઇતિહાસ!

1975નો એ સમયગાળો, જ્યારે દુનિયાના મોટાં દેશો અવકાશમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા હતા. ત્યારે ભારત એક નાનકડા પરંતુ મહત્વના પગલાં માટે તૈયાર થઈ રહ્યું હતું. કાચા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મર્યાદિત સાધનો અને સાવ નવો અનુભવ, છતાંય ભારતીય વૈજ્ઞાનિકોએ એક અખંડ વિશ્વાસ સાથે અવકાશને પડકાર આપ્યો. પરિણામે 19 એપ્રિલ 1975ના રોજ ‘આર્યભટ્ટ’ નામનો ભારતનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં લોન્ચ થયો. આર્યભટ્ટ 19 એપ્રિલ 2025માં પચાસ વર્ષ પુર્ણ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા 1975થી અત્યાર સુધીમાં કુલ 129 ભારતીય મૂળના ઉપગ્રહો અને 342 વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારથી લઈને આજ સુધી, ભારતે ટેક્નોલોજી, સંશોધન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે પ્રગતિ કરી છે, એ એક પ્રેરણાદાયક સફર છે.

આજે અહીં એવા દસ ઉપગ્રહ વિશે જાણીશું જે ભારતના અંતરિક્ષ ઇતિહાસમાં મહત્વ ધરાવે છે.

આર્યભટ્ટ

આર્યભટ્ટ ભારતનો પહેલો ઉપગ્રહ હતો, જે 19 એપ્રિલ 1975ના રોજ રૂસી રોકેટ દ્વારા લોન્ચ થયો. એનો હેતુ ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર સંબંધિત પ્રયોગો કરવાનો હતો. આ ઉપગ્રહ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને સ્વાવલંબન તરફનું પહેલું પગલું હતું. એનું નામ પ્રખ્યાત ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટના નામ પર રાખવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો. ૧૯૮૪ની સોવિયેત યુનિયનની ટપાલ ટિકિટ જેમાં ભાસ્કર ૧, ભાસ્કર ૨ અને આર્યભટ્ટ ઉપગ્રહ છે. ભારતીય ૨ રૂપિયાની ચલણી નોટ પર આર્યભટ્ટ અવકાશયાનનું ચિત્ર હતું.

IRS-1A

IRS-1A  (ભારતીય રિમોટ સેન્સિંગ ઉપગ્રહ) ભારતનો પહેલો પૃથ્વી અવલોકન ઉપગ્રહ હતો. જે 17 માર્ચ 1988ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. એની મદદથી કૃષિ, વન્યજીવન, જમીન ઉપયોગ અને પાણી સંચાલન જેવા ક્ષેત્રોમાં ઉપયોગી માહિતી મળી. આ ઉપગ્રહના કારણે માહિતી અને ડેટા માટે વિદેશી દેશો પર રહેલી ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડવામાં સફળતા મેળવી.

INSAT-3B

INSAT-3B  ભારતના INSAT (ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ) શ્રેણીનો ભાગ છે. આ સેટેલાઈટ 21 માર્ચ 2000ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન, ડેટા ટ્રાન્સમિશન, અને શૈક્ષણિક કામ માટે ઉપયોગી રહ્યો. એ સમયનો એ ભારત માટે ટેલિકોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવનાર ઉપગ્રહ હતો.

કાર્ટોસેટ-2

કાર્ટોસેટ-2 એક ઉચ્ચ રિઝોલ્યુશન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ હતો. જેને 10 જાન્યુઆરી 2007ના રોજ લોન્ચ કરાયો. જેનો ઉપયોગ નકશા બનાવવું, શહેર વિકાસ, વિમાની સર્વેલન્સ અને સુરક્ષા માટે થયો. એ ઉપગ્રહના કારણે ભારતે ઉચ્ચ ગુણવત્તાવાળી સેાટેલાઈટ ઈમેજિંગ સુવિધા મેળવી.

ચંદ્રયાન-1

ચંદ્રયાન-1 ભારતનું પહેલું ચંદ્ર મિશન હતું.  જે 22 ઓક્ટોબર 2008ના રોજ PSLV (પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) દ્વારા લોન્ચ થયું હતું. આ મિશને ચંદ્રના પૃષ્ઠ પર પાણીના અણુઓ હોવાનો પુરાવો આપ્યો. જે વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે મોટી શોધ હતી. આ મિશનથી ભારત વૈશ્વિક અવકાશ સંશોધનમાં મજબૂત ભાગીદાર બન્યું.

SARAL

SARAL એટલે કે ‘Satellite with ARgos and ALtiKa’, ભારત અને ફ્રાંસ વચ્ચે સહયોગથી બનાવામાં આવેલો ઉપગ્રહ છે. એ 25 ફેબ્રુઆરી 2013ના રોજ લોન્ચ કરવામાં આવ્યો. SARALનો મુખ્ય હેતુ સમુદ્ર સપાટી ઊંચાઈનું માપ કરવું અને સમુદ્ર પ્રવાહોની માહિતી એકત્રિત કરવાની હતી.

મંગળયાન (MOM)

મંગળયાન એટલે કે મંગળ ઓર્બિટર મિશન (MOM), ભારતનું પહેલું મંગળ મિશન હતું.  જે 5 નવેમ્બર 2013ના રોજ લોન્ચ થયું. આ મિશનથી ભારત મંગળ સુધી પહોંચનારો પહેલો એશિયન દેશ બન્યો. સાથે જ પ્રથમ પ્રયત્ને સફળતા પણ મેળવી. મહત્વની બાબત એ છે કે MOM નો ખર્ચ ખૂબ ઓછો હતો. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી.

આસ્ટ્રોસેટ

આસ્ટ્રોસેટ ભારતનો પહેલો ખાસ વિજ્ઞાનક મિશન હતું. જે મલ્ટી-વેવલેન્થ અવલોકન માટે 28 સપ્ટેમ્બર 2015ના રોજ લોન્ચ થયો. આ ઉપગ્રહે બ્રહ્માંડના ગહન અવલોકન માટે X-Ray, UV અને ઓપ્ટિકલ રેન્જમાં માહિતી આપી. આ ભારતના અવકાશ વિજ્ઞાનમાં એક મોટું પગલું હતું.

ચંદ્રયાન-2

ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019માં લોન્ચ થયું. એનું લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારની શોધખોળ કરવાનો હતો. જોકે લેન્ડર ‘વિક્રમ’ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરી શક્યું નહીં, છતાં ઓર્બિટર આજેય ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે અને મહત્વની માહિતી મોકલે છે.

ઓશનસેટ-3 (EOS-6)

ઓશનસેટ-3 એ સમુદ્રવિજ્ઞાન માટેનો ઉપગ્રહ છે. જેને 26 નવેમ્બર 2022એ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેનો હેતુ સમુદ્રની સપાટી, પવનની દિશા અને ઝડપ, તેમજ આબોહવાની માહિતી મેળવવાનો છે. આ ઉપગ્રહ ભારતના ખેતી અને માછીમારી ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે.

હેતલ રાવ