હમાસના ચીફ હાનિયાને ખતમ કર્યા બાદ ઈઝરાયલે તાજેતરમાં જ રિવોલ્યુશનરી ગાર્ડ્સના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરોશનની સાથે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનો પણ વીંટો વાળી દીધો છે. લેબેનોન સહિત પડોશી દેશો સાથે ઇઝરાયેલ બાથે ભરાયું છે અને યુધ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.
મિડલ ઈસ્ટમાં વધતો તણાવ શું ત્રીજી વિશ્વ યુદ્ધનો આરંભ છેે? આ સંભવિત યુદ્ધથી ભારત પર કેવી અસર થશે? આજના ‘ઓપિનિયન’ વિભાગમાં જાણીએ કે, આ વિશે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શું કહે છે…
રૂઝાન ખંભાતા, સામાજિક અગ્રણી, અમદાવાદ
કોઈપણ દેશે બીજા દેશ સાથે યુદ્ધ ના કરવું જોઈએ. યુદ્ધથી ફક્ત અને ફક્ત ડિફેન્સ કંપનીઓને જ લાભ થાય છે. આ બધો ખેલ ઈગોનો છે. મેં તમારા પર આમ કર્યુ અને તમે મારા પર આમ કર્યું. જીવનની તમામ સમસ્યાનું સમાધાન વાતચીતથી થઈ શકે છે. યુદ્ધથી સામાન્ય માણસની પેઢીઓ વર્ષો સુધી પરેશાન થાય છે, જ્યારે સમાજ પાછળ ધકેલાઈ જાય છે. કોઈપણ દેશે આ યુદ્ધમાં જોડાવું કે નહીં એ દરેક દેશની રાજદ્વારી નીતિ પર નિર્ભર છે. ઘણા દેશો માટે રાજકીય રીતે કોઈ વલણ લેવું પડે છે, કારણ કે એમાં એના હિતો સમાયેલા હોય છે. આદર્શ સ્થિતિ એ કે યુદ્ધમાં રાજનીતિ ન હોવી જોઈએ, પરંતુ વર્તમાન યુગમાં વૈશ્વિક સ્તરે ગંદી રાજનીતિ ચાલી રહી છે એ હકીકત છે.
વી. ઝેડ. શર્મા, નિવૃત કર્નલ, વડોદરા
જ્યારે બે કે તેથી વધુ દેશ યુદ્ધમાં જોડાય તેને આપણે વર્લ્ડ વોર કહી શકીએ. આનો પ્રભાવ તમામ દેશો પર પડે છે. કોઈપણ દેશ એમાંથી બાકાત રહી શકતો નથી. નાનામાં નાના યુદ્ધની અસર પણ મોટાપાયે થાય છે. એરસ્પેસ, સમુદ્ર, તેલ જેવી અનેક મહત્વની બાબતોને વિશ્વના કોઈ પણ ખૂણામાં થયેલા યુદ્ધની અસર થાય છે. મારા વિચારમાં અત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, પણ તે કેટલું આગળ વધશે એ તો ખબર નથી. ઈઝરાયલે જે કર્યું તે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કર્યું છે. દરેક દેશ પોતાના હિસાબે યોગ્ય પગલાં લઈ રહ્યા છે. અમેરિકા એક એવો દેશ છે, જે વિશ્વના કોઈપણ ખૂણે થયેલા યુદ્ધમાં પોતાની હાજરી પૂરાવે છે. અમેરિકા ડિફેન્સ કંપનીઓ ધરાવતો દેશ હોવાથી જે દેશો એમની પાસેથી હથિયાર ખરીદે છે અમેરીકા તેની તરફણમાં રહેશે.
રવિ દિયોરા, માર્કેટ એક્સપર્ટ
ગ્લોબલ માર્કેટ અને આપણા માર્કેટના સંકેતો અલગ હતા. આજે ચાર ઓક્ટોબરના રોજ સેબીએ નવા નિયમોનો પરિપત્ર જાહેર કર્યો છે એટલે આપણા માર્કેટમાં વધુ કરેક્શન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં થોડી અનિશ્ચિતા જોવા મળી રહી છે. ક્રૂડની કિંમતો છેલ્લા કેટલાક સમયથી 71 ડોલરની આસપાસ હતી એ 74 ડોલર આસપાસ ખુલતી જોવા મળે છે. યુદ્ધ વધુ લંબાશે તો કૉમોડિટી માર્કેટમાં વધુ અસર જોવા મળશે.
પૂર્વિન મરિયાંકરી, ડાયરેક્ટર, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)
આમ જોવા જઈએ તો આપણે તટસ્થ છીએ. આપણે બંને દેશ વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અને વેપારની દ્રષ્ટીએ જોઈએ તો આ યુદ્ધ ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જશે તો વધુ અસર વર્તાશે નહીં. જો યુદ્ધ લંબાય તો લોજીસ્ટીકની ક્રાઈસીસ વધી જશે. આપણી નિકાસ પશ્ચિમના દેશોમાં રેડ-સી મારફત થાય છે. યુદ્ધની અસર આ સપ્લાય ચેઈનને નુકસાન પહોંચાડી શકે છે.
(તેજસ રાજપરા)