આ સ્થાપત્ય છે અનોખા સમન્વયનું પ્રતીક

અમદાવાદ શહેરમાં રેલવે અને ઔદ્યોગિક વિસ્તારથી ઘેરાયેલું એક કલાત્મક ઐતિહાસિક સ્થળ એટલે બાઈ હરિરની વાવ. દાદા હરિની વાવ તરીકે ઓળખાતી આ વાવ બેનમૂન કારીગરીનો નમૂનો છે.

મહમૂદ બેગડા(1459–1511)ના સમયમાં બંધાયેલી આ વાવ બેગડાના અંત:પુરની હરિર નામની બાઈએ બંધાવી હતી. કહેવામાં આવે છે કે આ વાવ વિ. સં. 1556 પોષ સુદ 13ને સોમવાર (15 ડિસેમ્બર 1499) બંધાવામાં આવી હતી. બાંધણીની દ્રષ્ટિએ એ ‘ભદ્રા’ પ્રકારની છે. મુસ્લિમ અમલદારની દેખરેખ નીચે હિંદુ સ્થપતિએ તેનું બાંધકામ કર્યું છે. વાવની કુલ લંબાઈ 73.61 મી. છે. તેનો મુખ્ય પ્રવેશ-મંડપ પૂર્વમાં આવેલો છે. ઘુંમટ સહિતના આ પ્રવેશમંડપની ઉત્તર અને દક્ષિણ દિશાએ સોપાનશ્રેણીઓની રચના છે. કૂટ એટલે કે મજલાના સ્તંભો સાદા છે. દીવાલોમાં ગવાક્ષો રચીને તેમાં મસ્જિદોના મહેરાબમાં હોય તેવા ‘ચિરાગ’ અને ફૂલવેલનાં સુશોભનો કંડારેલાં છે. કૂવાનો કઠેડો એકદમ બારીક  કોતરણીથી અલંકૃત છે.

બાઈ હરિરની વાવમાં કૂવાના મુખભાગે આવેલું કક્ષાસન (પથ્થરની પાટલી) પણ સુંદર રીતે કંડારેલું છે. વાવના કૂટોનું પ્રમાણ અને  આકાર એકસરખાં નથી. કૂવાની ઉત્તર અને દક્ષિણ બાજુએ ચક્રાકાર સીડીઓ આવેલી છે. એ પાણીની સપાટી સુધી 5 મજલાઓમાં થઈને પસાર થાય છે. દરેક માળે આ સીડીમાં જવાનો પ્રવેશ કમાનાકાર છે. મુસ્લિમ અધિકારીની દેખરેખ નીચે તે બંધાઈ હોવા છતાં તેમાં હંસ, હાથી, પૂર્ણઘટ જેવાં હિંદુ મંદિરોમાં જોવા મળતાં રૂપાંકનો કંડારેલાં છે. પનિહારીથી વટેમાર્ગુને અસહ્ય ગરમીમાં રાહત આપતું આ સ્થાપત્ય બનાવાયું હતું.

હિંદુ મુસ્લિમ સ્થાપત્ય જીવન શૈલીની પ્રતિતી કરાવતું આ એક અનોખું સ્થાપત્ય જોવા દેશ-વિદેશના લોકો ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)