આજે આ ઐતિહાસિક નગરનો સ્થાપના દિવસ

આજે અખાત્રીજ એ લુણાવાડાનો 592મો સ્થાપના દિવસ છે. મહીસાગર જિલ્લાનું આ ઐતિહાસિક શહેર મુખ્યત્વે ટેકરીઓ અને કોતરોવાળું છે. ઉત્તરી ભાગોમાં ગીચ જંગલો અને ઝરણાં આવેલાં છે.

લુણાવાડાની સ્થાપના રાણા ભીમસિંહજીએ ઈ. સ. 1434માં કરી હતી. શહેરમાં ડાંગર ભરડવાની, લાકડાં વહેરવાની અને તેલની મિલો તથા બરફનું કારખાનું આવેલાં છે. અહીંના માર્કેટયાર્ડમાં આજુબાજુનાં ગોધરા–લુણાવાડા નૅરોગેજ રેલમાર્ગનું તે છેલ્લું મથક હતું. રેલસુવિધાને કારણે તાલુકાની જંગલ-પેદાશો તથા અન્ય માલસામાનની હેરફેર સરળતાથી થતી હતી. પાલી–લુણાવાડા તથા ગોધરા–શહેરા–લુણાવાડાને જોડતા માર્ગો હોવાથી માળવા અને રાજસ્થાન સાથેના અહીંના વેપારને પ્રોત્સાહન મળ્યું છે. લુણાવાડાથી ગોધરા થઈને જતો એક પાકો માર્ગ કાલોલ–હાલોલને જોડે છે. અહીંનું મુખ્ય બજાર ઉત્તરમાં આવેલ વાંસિયા દરવાજાથી દક્ષિણમાં આવેલા દરકોલી દરવાજાને જોડે છે. શહેરના અંદરના માર્ગો સાંકડા અને ગલીઓવાળા છે. જૂના આવાસોના ગવાક્ષભાગો સુંદર કોતરકામવાળા છે.

સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન શાસ્ત્રીઓને કારણે લુણાવાડા અગાઉ ‘છોટી કાશી’ તરીકે ઓળખાતું હતું. સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોને રાજાએ આમંત્રણ આપીને અહીં વસાવેલા અને પાઠશાળાનો તમામ ખર્ચ રાજવીઓ ભોગવતા હતા. લુણાવાડામાં પ્રથમ કન્યાશાળા 1878માં અને માધ્યમિક શાળા 1917માં શરૂ કરવામાં આવી હતી.

આ શહેરને ફરતો કોટ રાજા નહારસિંહજીએ 1788માં બંધાવેલો. શહેરની નજીકમાં વસંતસાગર અને સોરારી તળાવો તથા કિશન સાગર સરોવર આવેલાં છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ, ટાવર, નાથબાવાનો અખાડો, મઠ, જેના પરથી લુણાવાડા નામ પડ્યું એ લૂણેશ્વર મહાદેવનું મંદિર, રણછોડજીનું મંદિર, રામજીમંદિર, વોરાની મસ્જિદ અને જૈન મંદિરનો સમાવેશ થાય છે. અહીં શિવરાત્રિએ અને જન્માષ્ટમીએ લોકમેળા ભરાય છે.

ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે એના પિતરાઈ ભાઈ અર્ણોરાજને ‘વ્યાઘ્રપલ્લી’ નામનું ગામ ગરાસમાં આપ્યું હતું. આ ‘વ્યાઘ્રપલ્લી’ પરથી ઈ. સ.1434માં વૈશાખ સુદ ત્રીજ(અક્ષયતૃતીયા)ના દિવસે મહારાણા ભીમસિંહે લુણાવાડા શહેરનો પાયો નાખ્યો.

1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યા પછીના સમય દરમિયાન અન્ય દેશી રાજ્યોની જેમ લુણાવાડા રાજ્યનું પણ સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ થયેલું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)