ઋગ્વેદમાં કહેવાયું છે કે “સંઘશક્તિ કલૌયુગેઃ” એટલે કે કલિયુગમાં સંઘશક્તિનું જ મહત્વ સવિશેષ રહેવાનું છે.સંઘ એટલે કે સંગઠનમાં જે શક્તિ છે તે વ્યક્તિગત યા એકલદોકલમાં નથી હોતી એ આપણે જાણીએ છીએ. ખૂબ જાણીતી વાત છે કે લાકડાનો એક ટુકડો તોડતાં આપણને વાર લાગતી નથી, પરંતુ જો લાકડાના એકથી વધુ ટુકડાનો દોરડાથી બાંધીને ભારો બનાવ્યો હશે તો એ લાકડાના સમૂહ યા લાકડાના ભારાને આસાનીથી તોડી શકાતો નથી. મહિલાશક્તિ હેતુ સંગઠનશક્તિ આજના સમયની માગ છે.
હિન્દી ફિલ્મના એક ગીતની પંક્તિ જાણીતી છેઃ “સાથી હાથ બઢાના…એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઊઠાના…” કોઈ પણ કાર્યને એક વ્યક્તિ કરે ત્યારે જે સમય લાગતો હોય છે તે જ કાર્ય જો એકથી વધુ વ્યક્તિ કરે તો એ કાર્ય ઓછામાં ઓછા સમયમાં અને ઝડપથી પૂર્ણ થઈ જતું હોય છે. સંગઠનમાં અથવા સમૂહમાં આ શક્તિ રહેલી છે.એક વ્યક્તિને કદાચ પરાજીત કરી શકાય પરંતુ વ્યક્તિઓના સમૂહને પરાજીત કરવો આસાન નથી. સંઘશક્તિનું આ મહત્વ છે.કોઈ પણ જ્ઞાતિ યા સમાજના વિકાસમાં પણ તેનું જતન કરનારી સંસ્થાનું આગવું મહત્વ હોય છે.
સમાજના વિકાસમાં મહિલાઓનું અને સંસ્થાકીય યોગદાન વિશે આપણે વાત કરીએ તો કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે સંસ્થાગત પ્રદાન-યોગદાન ખૂબ જ અગત્યનું છે. કોઈ પ્રશ્ન અથવા સમસ્યાના ઉકેલ માટે પણ સંઘશક્તિ મહત્વની છે. જેમ કે સરકારી કે બિનસરકારી કર્મચારી અથવા અધિકારી પોતાના પ્રશ્નની એકલદોકલ રજૂઆત કરવા જાય તો એનો પડઘો પડે અથવા ન પણ પડે. પરંતુ એક સમાન પ્રશ્ન માટે કર્મચારી-અધિકારીનું સંગઠન જો તેમના પ્રશ્નની રજૂઆત કરે તો તેમને અવશ્ય હકારાત્મક પ્રતિભાવ મળે. સંગઠનશક્તિનો આ પ્રતાપ છે, આ જ પ્રમાણે મહિલાઓના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમની મૂંઝવણો અને મુશ્કેલીઓ વગેરે માટે મહિલાઓનું સંગઠન હોય, એમનો સમૂહ હોય તો એમનો અવાજ વધુ બુલંદ બની શકે છે. મહિલા સંસ્થાઓ મહિલાઓ માટે કામ કરતી હોય છે, એ જ રીતે સરકારી સ્તરે મહિલા આયોગ પણ મહિલાઓને લગતા પ્રશ્નો – સમસ્યાઓના ઉકેલ માટે કાર્યરત હોય છે.
અમદાવાદ શહેર વેપારી પ્રજાથી ઓળખાય છે. અમદાવાદમાં વેપારી મહાજનની એક અનોખી પરંપરા રહી છે. માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાત હોય કે દેશ હોય કે દુનિયાનો કોઈ પણ હિસ્સો હોય, સામાજિક અને સર્વાંગી વિકાસમાં સંસ્થાગત ફાળો નોંધપાત્ર હોય છે, આ અર્થમાં અમદાવાદમાં કાપડના વેપારીઓનું મહાજન અને માણેકચોકના સોની-ઝવેરી વેપારીઓનું મહાજન તેમની ઉજ્જવળ પરંપરાઓના કારણે પ્રતિષ્ઠિત છે. અમદાવાદ વેપારી મહાજનની રીતે જેમ ઈતિહાસ ધરાવે છે એમ જ છેક આઝાદી કાળથી અમદાવાદની મહિલાઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં ખભેખભા મિલાવીને ભાગ પણ લીધો અને અંગ્રેજોના શાસનમાં જેલવાસ પણ વેઠ્યો.
સ્વાતંત્ર્યોત્તર કાળમાં મહિલાઓના સ્વમાન, સ્વાભિમાન અને સામાજિક સુરક્ષાના ઉમદા હેતુઓને લઈને શ્રીમતી ચારુમતીબહેન યોદ્ધાએ “જ્યોતિસંઘ” સંસ્થાની સ્થાપના કરી હતી.મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો અને સ્વરોજગાર તથા હુન્નર ઉદ્યોગની તાલીમ પણ શરુ કરાવી હતી.
અમદાવાદમાં જ્યારે મિલોનો યુગ હતો ત્યારે અમદાવાદની કાપડમિલોના અગ્રણી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેન સારાભાઈ અને ગીરાબહેન સારાભાઈએ ગાંધીજી સાથે મળીને મિલકામદારોના હકો અને હિતો માટે મજૂર મહાજન સંઘની સ્થાપના કરી. જેમાં વર્ષો સુધી સેવા કર્યા બાદ જાણીતાં સમાજસેવિકા શ્રીમતી ઈલાબહેન ભટ્ટે માત્ર મહિલા શ્રમજીવીઓ માટે સને 1972માં “સેવા” સંસ્થાની સ્થાપના મહિલાઓના કલ્યાણ, ઉત્કર્ષ અને પગભર બનાવવા માટે કરી. જે આજે વિશ્વભરમાં નામના પામી છે.
ઉલ્લેખનીય છે કે અંબાલાલ સારાભાઈએ કેલિકો મ્યૂઝિયમ અને ટેક્સટાઈલ ક્ષેત્રે શોધ-સંશોધન માટે અટિરા (અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રીસર્ચ એસોસિએશન)ની સ્થાપના કરવામાં પણ ઊંડો રસ લીધો. અમદાવાદ એક સમયે જ્યારે વીસમી સદીના પાંચમા-છઠ્ઠા અને સાતમા દસકથી 100થી વધુ કાપડ મિલોથી ધમધમતું હતું ત્યારે ભારતનું માન્ચેસ્ટર કહેવાતું ત્યારે કાપડ મિલોના માલિકો શહેર-શ્રેષ્ઠીઓ કહેવાતા. અમદાવાદ શહેરના વિકાસમાં અને નાગરિકોના સમાજજીવન, શિક્ષણ અને સંસ્કૃતિને ઘડવામાં આ નગરશ્રેષ્ઠીઓએ જુદી જુદી સંસ્થાઓની સ્થાપના કરીને ફાળો આપ્યો છે.“સેવા” સંસ્થા તરફથી “સેવા બૅન્ક”ની પણ સ્થાપના કરવામાં આવી. જેમાં મહિલાઓ સ્વરોજગાર ઉદ્યમ માટે ધીરાણ પણ મેળવી શકે અને બચત ખાતામાં બચત પણ કરી શકે છે.
અમદાવાદમાં સ્વાતંત્ર્ય ચળવળની સાથોસાથ શિક્ષણ ક્ષેત્રે ક્રાન્તિ અને સામાજિક સુધારણા માટે પણ શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠ, શ્રીમતી વિનોદિની નીલકંઠ, શ્રીમતી પ્રિયંવદાબહેન, શ્રીમતી લીલાવતીબહેન સહિત ઘણી બધી સન્નારીઓનું યોગદાન નોંધપાત્ર છે.એચ.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાથે નગરશ્રેષ્ઠી હરિવલ્લભદાસ કાળીદાસનું નામ જોડાયેલું છે. એ જ પ્રમાણે અમદાવાદમાં દીવાન બલ્લુભાઈ શાળા અને એ પહેલાં સ્થપાયેલી પી.ટી.સી. કોલેજ – પ્રેમચંદ રાયચંદ અધ્યાપન મંદિર એક સંસ્થા જ નહીં, શિક્ષણનો યજ્ઞ ચલાવતી વટવૃક્ષ સમાન સંસ્થાઓ છે.
જ્યોતિસંઘ અને વિકાસગૃહ તથા “સેવા” સંસ્થાની જેમ જ “અવાજ” સંસ્થા પણ અમદાવાદમાં મહિલાઓ માટે કાર્ય કરતી અગ્રણી સેવાભાવી સંસ્થા છે, જેની સ્થાપના પ્રૉ. ઈલાબહેન પાઠકે કરી હતી. “અવાજ” સંસ્થાનો હેતુ પણ તેના નામ મુજબ જ મહિલાઓ પ્રત્યે થતાં અત્યાચાર, શોષણ, અન્યાય સામે અવાજ ઊઠાવવાનો રહ્યો. આ ઉપરાંત પણ મહિલાઓની સેવા, સુરક્ષા, શિક્ષણ-જાગૃતિ, મહિલાઓને કાનૂની માર્ગદર્શન તથા સ્વસરુક્ષા જેવા કાર્યો પણ થાય છે.
દેશમાં મહત્વની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય, ધાર્મિક ચળવળોમાં પણ મહિલાઓ અને જુદી જુદી મહિલા સંસ્થાઓનો ફાળો ઐતિહાસિક છે. સ્ત્રીકલ્યાણ અને કન્યાઓને દૂધપીતી કરવાના કુરિવાજની નાબૂદી માટે કામ કરનાર રાજા રામમોહન રાયે બ્રહ્મસમાજની સ્થાપના કરી. ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં તેમના નામ સાથે જોડીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
જુદી જુદી મહિલા કલ્યાણ સંસ્થાઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતી હોય છે. મહિલાઓ માટે સ્વસુરક્ષા તાલીમ કેમ્પ, મહિલાઓ માટે આર્થિક ઉપાર્જનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ, પરિવારો માટે રહેણાંક-આવાસ યોજના અને સહાય, સીનિયર સિટિઝન મહિલાઓના કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ, બાળકો માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પરિવાર માટે આરોગ્ય અને તબીબી સેવાઓ, મહિલાઓને સ્વરોજગાર હેતુ આર્થિક પ્રવૃત્તિઓ, ગૃહ ઉદ્યોગ, રોજગાર એકમોની સ્થાપના માટે મદદ અને લૉન-સહાય વગેરે કાર્યો કરી શકાય છે.
દિનેશ દેસાઈ