એક સમય હતો, જયારે વર્ષમાં એક જ વખત ખરીદી થતી. ઘરમાં દરેક સભ્ય માટે એક જ વાર કપડાં લેવાતાં, તેમાંય
વળી બાં ને પપ્પા તો ‘અમારે હજી ચાલે એમ છે’ એમ કહીનેજ ખરીદી ના કરતાં, જેથી બાળકોના કપડાં લઈ શકાય. બાકીના સમયમાં, સિલાઈ અને થીગડાંથી કામ ચાલી જતું. મોટાભાઈના કપડાં, નાનો ભાઈ પહેરતાં, કદી શરમ ના અનુભવતા, માસી અને ફોઈ વચ્ચે તો આવાં કપડાંની અદલબદલ સામાન્ય રીતે હોંશભેર થતી.
આજે જમાનો અલગ છે. શોપિંગ એ હવે જરૂરિયાત નહીં, ફેશન અને ટ્રેન્ડનું પર્યાય બની ગઈ છે. દરેક તહેવાર, દરેક મૂડ અને દરેક ફોટો માટે નવી રેન્જ. શોપિંગ એ ઇન્ડિયન ઈકોનોમીની કરોડરજ્જુ છે. એટલે જ દરેક પરિસ્થિતિ કે તહેવારમાં શોપિંગને ડોમિનેટ કરવા માટે, ઈકોમર્સ કલ્ચરે કમર કસી છે. કેઝુઅલ વેર, પાર્ટી વેર, ફોર્મલ વેર, એથનિક વેર, નાઈટ વેર, જિમ વેર, સમર વેર, બીચ વેર, સ્પ્રિંગ વેર જેવી અસંખ્ય કેટેગરી તો માત્ર કપડાં માંજ છે, એ સિવાય બાકીની અકસેસરીઝની કેટેગરી તો અલગ. અને લગભગ એક ચોક્કસ વર્ગ આ બધુ જ ઓફિશ્યિલી ફોલ્લો પણ કરે છે. કારણ કે અત્યારે શોપિંગ, એ જરૂરિયાત કરતા ફેશન અને ટ્રેન્ડ બની ગઈ છે. કોઈ પણ નાના ફંક્શન કે વેકેશન પ્લાન કરતાં પહેલા શોપિંગનો આનંદ જ ખાસ અને અનેરો હોય છે. ફ્રેન્ડ્સ સાથે મૂડ ચેન્જ કરવાં કે ટાઈમ પાસ કરવાં શોપિંગ પર જવું સામાન્ય વાત છે, એમાંય વળી, મોલ કલ્ચરે તો છોકરાઓના રમવાના પાર્ક, નાની પિકનીક અને ફેમિલિ ગેધરિંગને લગભગ નષ્ટ જ કરી નાખ્યું છે. કેમકે ફ્રી ટાઈમમાં લોકો મોલમાં જવાનું જ પસંદ કરે છે.

પરંતુ છેલ્લા 2 વર્ષ થી, આ અભિગમ બદલાયો છે. ભીડથી બચવાં, મોટા ભાગના લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યાં છે. ઓનલાઇન શોપિંગમાં ટાઈમની બચત સાથે, હેવી ડિસ્કાઉન્ટ, પ્રોડક્ટની અવેબીલિટી, તથા તેની સંપૂર્ણ જાણકારી, એક સાથે ઘણી જ બ્રાન્ડ ઓપ્શનના લીધે ઓનલાઇન શોપિંગને લોકો પસંદ કરવાં લાગ્યા છે. ઉપરાંત ઓનલાઇન શોપિંગમાં, જે તે શોપિંગ આસિસ્ટન્ટના ખરીદી કરવાના પ્રેસરને અને ભીડમાં બિલિંગ માટે લાઈનમાં ઉભવાની માથાકૂટથી ટોટલી બચી શકાય છે.
ઈકોમર્સ વેબસાઈટ પર લગભગ બધી જ નેશનલ, ઇન્ટરનેશનલ બ્રાન્ડની ઉપલબ્ધીને લીધે જ આજે ગણોદના ગોરધનકાકા, Gucci ના ગોગલ અને લંડનમાં રહેતો લુઇસ માળીયાની ગાયના ગોબરમાંથી બનેલ છાણાં, આરામથી ઘર બેઠા મંગાવી શકે છે.

ઢગલાબંધ ડિસ્કાઉન્ટ અને HD ફોટોગ્રાફીને કારણે ગ્રાહકો,ઓનલાઇન શોપિંગના નામે છેતરાતા ઠગની જાળમાં આરામથી ફસાય જાય છે. તમે, હું બધાને જ આવાં કોઈ ને કોઈ નાના મોટા અનુભવ થયેલા છે.. એવુ નથી કે અહીંયા બધા જ ચોર છે,પણ મોટા ભાગે ઈકોમર્સ હેકરસ બહુજ ચાલાક હોય છે. તે તમારી નાની ભૂલનો પણ મોટો ફાયદો લઈ શકે છે, ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચવાથી લઈને તેઓ આપણા બેંક એકઉન્ટ પણ હેક કરી શકે છે. પણ થોડી ઓનલાઇન શોપિંગ માટેની ટિપ્સથી આવાં હેકરસથી બચી શકાય છે.
જેમ કે હંમેશા ઓનલાઇન શોપિંગ માટે સિક્યોરડ વેબસાઈટ જ સિલેક્ટ કરવી વધુ હિતાવહ છે, જેમાં URL, HTTPS:// હોય, ના કે HTTP:// વેબસાઈટની, URLની જમણી બાજુ આવેલ Padlock હંમેશા બંધ હોય, આવી locked વેબસાઈટ સેફ્ટી પ્રોટોકોલને ફોલ્લો કરતી હોય છે. જે તમારી બેંકની ડિટેઇલને હંમેશા Safe રાખે છે, જો Padlock, લોક ના હોય કે ગાયબ હોય તો તે વેબસાઈટ શોપિંગ માટે સિક્યોર નથી.
હંમેશા તમારા એકાઉન્ટના પાસવૉર્ડ સ્ટ્રોંગ રાખવાથી કોઈ તેને ટેકલ કરી શકતા નથી, ઘણી બધી વેબસાઈટ એવી છે, જે બિનજરૂરી અંગત માહિતી માંગે છે, જે બિલકુલ આપવી નહિ. હંમેશા બંને તેટલી ઓછી માહિતી જ આપવાનો આગ્રહ રાખો. જ્યારે પણ શોપિંગ કરો ત્યારે યાદ રાખો કે તે પર્સનલ ગેજેટસ પર થી જ કરો, પબ્લિક કોમ્યુટર પરથી શોપિંગ કરવાથી બેંક ડિટેઇલ લીક થવાની સંભાવના રહેલી છે. આ જ રીતે ઈન્ટરનેટ કનેકશન પણ પ્રાઇવેટ હોય તે જરૂરી છે, પબ્લિક વાઇફાઇ કનેકશનથી ડીટેઈલ્સ હેક થઇ શકે છે.

આતો હતી safe શોપિંગની વાત, તેમ છતાં તમે ઓર્ડર કરેલ પ્રોડક્ટ ડુપ્લીકેટ કે ડેમેજડ આવે છે, તો તમે તે વેબસાઈટ પર કાયદેસર કાર્યવાહી કરી શકો છો. કેમકે 2020 સુધી ગ્રાહક સુરક્ષામાં ઓનલાઇન કે ટેલિશોપિંગ માટે કોઈ કાયદાઓ ન હતા. પણ જુલાઈ 2020 થી ઇકોમર્સ કંપનીઓ માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 લાગુ પાડેલ છે, જેમાં ઈકોમેર્સ કંપનીઓ માટે ગાઈડ લાઈન બનાવામાં આવી છે. આ નિયમો પ્રમાણે ઓનલાઇન શોપિંગ કરનારાઓની સાથે હવે કોઈ પણ છેતરપિંડી માટે સજા થઇ શકે છે. જેમાં ખરાબ સામાન ડિલિવરી માટે રિફંડ, એક્સચેન્જ, ગેરેન્ટી, વૉરંટી જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત પ્રોડક્ટને લગતી તમામ ડીટેઇલ્સ કંપનીએ ગ્રાહકોને આપવી પડશે. જેમાં હિડન ચાર્જીસ તેમજ ખોટી કિંમત ઉપર પણ જોગવાઈ થઇ શકે છે. આ કાયદામાં ટેલિશોપિંગ, ડાયરેક્ટ સેલિંગ, ઓનલાઇન કે ઓફલાઈન બંને પ્રકારની લેવડ દેવડ સામેલ છે.
તો માણો શોપિંગ તમારા મૂડ મુજબ, ઓનલાઇન કે ઓફલાઈન, ટાઈમ પાસ માટે, કે મૂડ રિફ્રેશ માટે.. ગમે ત્યારે, ગમે ત્યાં, પણ સેફ્ટી પ્રોટોકોલ સાથે…
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)


