યુવતીઓ માટે લિપસ્ટિક એક એવુ સૌંદર્ય પ્રસાધન છે કે જે લગાવવાથી ચહેરાનું રૂપ ખીલી ઉઠે છે. માત્ર સામાન્ય ચહેરો ધરાવતી હોય એવી યુવતી પણ જો ચહેરા પર લિપસ્ટિક લગાવે તો ચહેરો સુંદર લાગવા લાગે છે. અને એમાં પણ ડાર્ક લિપસ્ટિક તમારા ચહેરાને સુંદર બનાવે છે. હાલ યુવતીઓ પોતાની પસંદગી ડાર્ક લિપસ્ટિક પર ઉતારી રહી છે. પહેલા પીંક અને ઓરેંજ લિપસ્ટિકનો ક્રેઝ વધ્યો હતો જ્યારે હવે અત્યારે ડાર્ક લિપસ્ટિકનો ક્રેઝ વધી રહ્યો છે. લિપસ્ટિક લગાવવા માટે પણ અનેક રીત હોય છે જો તેને હોઠ પર બરાબર રીતે એપ્લાય કરવામાં આવે તો વધુ સુંદર લાગે છે. ઘણીવાર એવુ થાય છે કે જો લિપસ્ટિક બરાબર લગાવવામાં ન આવે તો લિપસ્ટિક જલદીથી ભૂંસાઈ જાય છે અથવા તો લિપસ્ટિકનો જેવો લુક આવો જોઈએ એવો નથી આવતો.
તમે ડાર્ક લિપસ્ટિક પર પસંદગી ઉતારો ત્યારે અમુક બાબતો એવી છે કે જેને તમારે ધ્યાનમાં લેવી જોઇએ. મેકઅપ કરો ત્યારે ખાસ એ ધ્યાન રાખો કે જેમાં માત્ર તમારા હોઠ હાઇલાઇટ થાય. ફેસ પર કંસિલર અને પ્રાઇમર લગાવી દો કે જેથી ફેસ સ્પોટલેસ થઇ જાય. ફેસની સાથે-સાથે હોઠ ઉપર પણ કંસિલર લગાવવુ. કંસિલર લગાવ્યા બાદ લૂઝ પાવડર લગાવી લિપ લાઇનર લગાવી દો. લિપસ્ટિકમાં લિપ લાઇનર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. લિપ લાઇનર તમારી લિપસ્ટિકનાં કલરથી ડાર્ક શેડ અથવા તો એ જ કલરની લિપ લાઇનર લગાવો. જો હોઠ નાના હોય તો થોડી બહારની સાઇડથી લિપ લાઇનર લગાવવી જેથી કરીને હોઠ જાડા દેખાશે અને લિપસ્ટિક પણ સારી લાગશે.
લિપ લાઇનરને હોઠની અંદરથી લગાવવી જેથી લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ રહેશે. લિપસ્ટિક ડાયરેક્ટ લગાવો અને લિપ લાઇનર બાદમાં લગાવો એ બંનેમાં ખૂબ ફરક પડે છે. લિપ લાઇનર બાદ લિપસ્ટિક લગાવશો એની ઇફેક્ટ વધુ સારી આવશે. ત્યારબાદ લિપસ્ટિક ડાયરેક્ટ લગાવો એના કરતા બ્રશથી લગાવવાનો આગ્રહ રાખો. હવે દરેક લિપસ્ટિકના કલર બધા પર સારા લાગે એવુ જરૂરી નથી હોતુ. બધાની સ્કિનનો અંડરટોન અલગ હોય છે. એટલે સ્કિનના અંડરટોન પ્રમાણે લિપસ્ટિકના શેડ પસંદ કરવા. અંડરટોન હથેળીના કાંડા પરથી તમે ચેક કરી શકો છો. હથેળી પર દેખાતી નસનો કલર બ્લ્યુ હોય તો તમારો અંડરટોન કૂલ હશે. જો એ નસનો કલર ગ્રીન હશે તો અંડરટોન વોર્મ હશે અને જો નસનો કલર થોડો બ્લ્યુ અને થોડો ગ્રીન હશે તો અંડરટોન ન્યુટ્રલ હશે.
અંડરટોન કૂલ હોય તેને પિંક, રેડ શેડ્ઝ સારા લાગે છે. જેનો અંડરટોન વોર્મ હોય તેને ઓરેંજ, બ્લડ રેડ, મરૂનીઝ શેડ્ઝ સારા લાગે છે. જેને ન્યૂટ્રલ હોય તેને ચોકલેટ બ્રાઉન, પર્પલ, વાઇન કલર જેવા શેડ્ઝ સારા લાગશે. અત્યારે લિપસ્ટિકને 3D અને રોઝી લિપ જેવી ઇફેક્ટ પણ આપે છે એના માટે લિપ લાઇનર બ્લેક કલરનું વાપરી અંદરથી એને થિક કરવી. અને અંદર ડાર્ક મરૂન કલર વાપરવો. જ્યારે પણ લિપસ્ટિક લગાવો ત્યારે એનો કોટ કર્યા બાદ ડ્રાય ટીશ્યૂને હોઠ વચ્ચે દબાવી દો જેથી વધારાની લિપસ્ટિક નીકળી જશે. ત્યારબાદ બ્રશથી બીજો કોટ લગાવો જેનાથી હોઠ પર શાઇન આવી જશે. બીજો કોટ લગાવશો એટલે લિપ લાઇનર નીકળી જશે અને લિપસ્ટિકનો જે શેડ છે એ સેટ થઇ જશે અને તમારા હોઠ શેપમાં દેખાશે. લિપસ્ટિક પર શાઇન આપવા માટે લિપગ્લોસનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો. તમે ગોલ્ડન કલરનું હાઇલાઇટર વાપરી શકો છો. જે અત્યારે પાર્ટી, ફંક્શન રીસેપ્શનમાં યુવતીઓ ખાસ લગાવે છે. રાતના સમયે ફંક્શન કે પાર્ટીમાં આ પ્રકારની લિપસ્ટિક અને હાઇલાઇટર વધુ ઉઠાવ આપશે.