સમાજમાં અથવા જાહેર જીવનમાં તમારે કંઈક નવું કરવા માટે, કંઈક જૂદું કરવા માટે જો પ્રેરણારુપ બનવું હોય તો લીડ લેવી પડે. લીડ લેવી યાને આગેવાની લેવી. બહાદુરીપૂર્વક ટોળામાંથી બહાર નીકળી આવવું. બીજા લોકોથી અલગ પડવું. આવી હિંમત બધાં પાસે હોતી નથી.
ભારતીય સિનેમાની વીતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોરે (તા.14મી ઑક્ટોબર, 2017) મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી કે “હિન્દી ફિલ્મોમાં પીઢ અભિનેતા યાને વયસ્ક અથવા સીનિઅર માટે જગ્યા કાયમ હોય છે. તેમને ધ્યાનમાં રાખીને ખાસ સ્ક્રિપ્ટ પણ લખવામાં આવે છે અને અભિનેતા ક્યારેય નિવૃત્ત થતા નથી. બસ, પીઢ અભિનેત્રી માટે અહીં કોઈ જગ્યા નથી. હું આજની હિરોઈનોને એ કહેવા માગું છું કે તમે સહેજ પણ ઑવર વૅઈટ થયા અથવા લૂક પ્રત્યે બેધ્યાન થયા કે ફેંકાઈ જવાનું નસીબમાં લખાયેલું જ છે. હિરોઈન માટે બે-પાંચ વર્ષની કરિઅર તો બહુ મોટી વાત થઈ ગઈ. જ્યારે હિરો કદી ઑલ્ડ-ઍજ થતા નથી. પુરુષ માટે સ્કાય ઈઝ ધ લિમિટ.”
વાત સમજવા જેવી છે. ભારત સરકાર કે યુનાઈટેડ નેશન્સ્ અથવા દુનિયાની કોઈ પણ તાકાત ભલે એમ કહેતી હોય કે “જૅન્ડર બાયસ” નથી. પરંતુ તમને દુનિયાભરમાં ઠેર ઠેર ડગલેને પગલે આ “જૅન્ડર બાયસ” યાને લૈંગિક અસમાનતા જોવા યા અનુભવવા મળે, મળે અને મળે જ. એમાંથી કોઈ નારી બાકાત હોઈ શકે નહીં. ઊચ્ચ પદ પર આસનસ્થ હોય તે નારી કદાચ પોતાને સ્ત્રી-પુરુષ વચ્ચે થયેલા ભેદભાવના જાતઅનુભવની વાત જાહેર ના પણ કરે, તો એથી દુનિયાનું સત્ય બદલાઈ જતું નથી.
શર્મિલા ટાગોરે જે ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે સિલ્વર સ્ક્રિન ઉપર કામ કર્યું છે, તેઓ આજે 75 વર્ષે પણ સ્ટાર બનીને ચમકી રહ્યા છે. જ્યારે હકીકત એ છે કે શર્મિલા ટાગોરનો કોઈ ભાવ પણ પુછતું નથી. શર્મિલા ટાગોરનું આ નિવેદન કોઈ ફ્રસ્ટ્રેશન નથી. જમાનાની વાસ્તવિકતા છે.ચલણી નોટની કિંમત યા મૂલ્ય ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તે ચલણમાં ચાલી શકે. ટુકડા થયેલી ચલણી નોટ ચાલતી નથી. ખનકતા સિક્કાનું જ ચલણમાં મહત્વ હોય છે. બોદા સિક્કાનો કોઈ ભાવ પણ પુછતું નથી. ઊગતા સૂરજને લોકો પૂજતા હોય છે. ઢળેલી સાંજનું કોઈ મહત્વ રહેતું નથી. આથમેલા સમયનું કોઈ મૂલ્ય હોતું નથી.
શ્રીદેવીએ પોતાનાથી ડબલ કરતા સહેજ નાના પણ ઘણા બધા મોટી ઉંમરના બૉની કપુર સાથે લગ્ન કરી લીધા કે તરત તેની ટૉપ ઉપર રહેલી કરિઅરનો ગ્રાફ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવી ગયો હતો. શ્રીદેવીએ કહેલી કેફિયત અનુસાર તેણે લગ્ન પૂર્વે જ પ્રેમી-પતિ બૉની કપુરને પૂછી લીધું હતું કે “તું લગ્ન તો કરી રહ્યો છે, પણ શું તું મારી લાઈફ-સ્ટાઈલને અનુરુપ ખર્ચો આખી જિંદગી ઉપાડી શકીશ ને?”
બૉની કપુરે ઉત્સાહમાં અને શરુઆતમાં તો હા પાડી દીધી હતી. પરંતુ પાછળથી બૉની હાંફી ગયો હતો. શ્રીદેવીએ “ઈંગ્લિશ વિંગ્લિશ” ફિલ્મ પોતે બનાવી અને સીનિઅર અભિનેત્રી તરીકે બૉલિવૂડમાં કમ-બૅક કર્યું ત્યાર પહેલા તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે “મારો એકલીનો મહિનાનો ખર્ચ દોઢ લાખ રૂપિયા છે અને બૉની હવે મારો બધો ખર્ચ ઉઠાવી શકતો નથી. તેનું કામ ચાલી રહ્યું નથી. આથી તેનો હાથ ભીડમાં રહે છે. આથી હવે મારે કામ કરવું પડે એ સ્થિતિ આવી ગઈ છે.” આ પછી શ્રીદેવીએ “ઈંગ્લિશ-વિંગ્લિશ” ફિલ્મ કરી. ગ્લૅમરની દુનિયાના લોકોની આ વાસ્તવિકતા છે.
બચ્ચન ફેમિલીમાં (1) અમિતાભ બચ્ચન, (2) જયા બચ્ચન, (3) અભિષેક બચ્ચન, (4) ઐશ્વર્યા રાય બચ્ચન અને (5) આરાધ્યા બચ્ચન મળીને પાંચ જણાના પરિવારમાં આજની તારીખે એક માત્ર અમિતાભ બચ્ચન જ મુખ્ય રુપે કમાનાર વ્યક્તિ છે. બાકી બધા જ તેમના ઉપર નિર્ભર જીવન જીવી રહ્યા છે. જીવનની સચ્ચાઈ આ પણ છે. ડુંગર દૂરથી રળિયામણાં. અન્ય હકીકત એ પણ છે કે આપણો સમાજ જે ગ્લૅમર-વર્લ્ડના ચમકતા સિતારાઓને પોતાની ઈન્સ્પિરેશન માનતા હોય છે, પરંતુ એ સિતારાઓની લાઈફ કંઈક જુદી જ દિશામાં ટર્ન-ઑન અને ટર્ન-ઑફ થતી રહેતી હોય છે.
સમાજમાં અથવા જાહેર જીવનમાં તમારે કંઈક નવું કરવા માટે, કંઈક જુદું કરવા માટે જો પ્રેરણારુપ બનવું હોય તો લીડ લેવી પડે. લીડ લેવી યાને આગેવાની લેવી. બહાદુરીપૂર્વક ટોળામાંથી બહાર નીકળી આવવું. બીજા લોકોથી અલગ પડવું. આવી હિંમત બધા પાસે હોતી નથી. જે ફુગ્ગો હવામાં ઊડી શકતો નથી તેને લોકો હાથમાં દબાવીને ફોડી કાઢતા હોય છે. ફુગ્ગાના નસીબમાં તો મરવાનું લખાયું જ છે. યા તો તે ઊંચે નીલગગનમાં ઊડી બતાવે અને પછી “ફર્રર્ ફુસ્સ”થાય યા તો નાસીપાસ થઈને પડ્યો રહે અને કોઈક આવીને તેને હાથમાં દબાવીને ફોડી નાખે. માણસનું પણ એવું જ છે ને. હવા ભરેલી હોય ત્યાં સુધી હવામાં ઊંચે સુધી ઊડે અને હવા નીકળી જતાં જ પાછા વાસ્તવિકતાની ધરતી ઉપર પડી જાય.
દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજની સ્ટુડન્ટ અને વીર શહીદ મનદીપસિંહ હેરીની દીકરી ગુરમહેર કૌર આજકાલ એક પુસ્તક લખી રહી છે. પુસ્તકનું નામ આપ્યું છેઃ “સ્મૉલ ઍક્ટ્સ ઑફ ફ્રીડમ” યાને આઝાદી પ્રાપ્ત કરવા માટેની નાની નાની બાબતો. તમે રાતોરાત હિમાલય ચઢી શકો નહીં. રોજ થોડું થોડું મંઝિલ તરફ ચાલો તો એક દિવસ તમે ચોક્કસ ટારગેટ ઍચિવ કરી શકો છો. મુખ્ય વાત લીડ લેવાની છે અને સમાજ સમક્ષ એક ઍક્ઝામ્પલ પુરો પાડવાની છે. તે કહે છેઃ “મહિલાઓ, ઘરની બહાર નીકળો. નીડર બનો અને અન્યાય સામે અવાજ ઊઠાવો. તમે મૌન બેસી ના રહો. મહિલાઓ જેટલી સ્પૅસ માગશે, તમને એટલી જ સ્પૅસ મળશે. હક્ક માગો અને મેળવીને જ રહો.”
આચમનઃ- “સત્ય અને અહિંસા નામના શસ્ત્ર અન્યાય સામે લડવા માટે છે કે જે ક્યારેય બૂઠા થતા નથી.”: ગાંધીજી
દિનેશ દેસાઈ