દુનિયાભરમાં પ્રખ્યાત થયેલી સુરતની બહાદુર બાઇકિંગ ક્વીન્સ – ડો. સારિકા મહેતા અને ઋતાલી પટેલ સફરમાં અનેક અડચણો અને અવરોધોનો સામનો કરીને 25 ઓગસ્ટના રવિવારે લંડન પહોંચી ગઈ હતી. તેમની બાઈક સફરનો આ અંતિમ પડાવ છે. આજે ભારતીય રાજદૂત એમનું સ્વાગત અને સમ્માન કરશે. એ સાથે જ એમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ યૂકે-લંડન એવોર્ડ પણ એનાયત થશે.
લંડનમાં Ace Cafe પહોંચીને બાઈકિંગ ક્વીન્સે ત્યાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. Ace Cafe દુનિયાભરનાં બાઈકર્સનાં મિલન સ્થળ તરીકે જાણીતું છે.
‘રાઈડ ફોર વિમેન્સ પ્રાઇડ’ અને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સંદેશના પ્રસાર માટે આ બાઈકિંગ ક્વીન્સ 3 ખંડના 22 દેશોના પ્રવાસે નીકળી હતી.
આ પ્રવાસની શરૂઆત 3 બાઈકિંગ ક્વીન્સે ગઈ પાંચ જૂને કરી હતી. ડો. સારિકા અને ઋતાલી સાથે જીનલ શાહ પણ હતાં, પરંતુ રશિયાના મોસ્કોમાં જીનલનો પાસપોર્ટ, દસ્તાવેજો ચોરાઈ જતાં એમને ભારત પાછાં ફરવું પડ્યું હતું. ડો. સારિકા અને ઋતાલી સફરમાં આગળ વધ્યાં હતાં. પરંતુ, નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં એ બંનેની કેટીએમ બાઈક ચોરાઈ ગઈ હતી. જોકે સારિકા અને ઋતાલિએ બાઈક ભાડે લઈને મક્કમ જુસ્સા સાથે એમનું મિશન આગળ ધપાવ્યું હતું.
બાઈકિંગ ક્વીન્સનાં આ અનોખા સાહસ સાથે ‘ચિત્રલેખા’ મેગેઝિન મિડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. એમની આ અનોખી સફરનાં પ્રત્યેક તબક્કાની લેટેસ્ટ માહિતી પ્રિન્ટ તેમજ ડિજિટલ ‘ચિત્રલેખા’ આપતું રહ્યું છે.