જીવન કેવું હોવું જોઈએ? જીવન હોળી જેવું, રંગસભર હોવું જોઈએ. જીવન કદાપિ કંટાળાજનક અને નિસ્તેજ ન બને તે માટે સજગતા જરૂરી છે. પ્રત્યેક રંગની જેમ અનોખી ઓળખ હોય છે તે જ રીતે આપણી અંદર ઉઠતા પ્રત્યેક ભાવની અનોખી ઓળખ હોવી જોઈએ, જીવનમાં આપણી વિવિધ ભૂમિકાઓની વ્યાખ્યા પણ જુદા જુદા રંગની જેમ સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે વિવિધ ભૂમિકાઓ અને તે ભૂમિકાઓને સુસંગત ભાવનાઓનું મિશ્રણ થાય ત્યારે જીવનમાં સંભ્રમ અને સમસ્યા ઉત્પન્ન થાય છે.
જ્યારે આપ ઘરમાં છો, એક પિતા છો ત્યારે ફક્ત પિતા જ બનીને રહો. જ્યારે આપ ઓફિસમાં છો ત્યારે માત્ર આપનાં કામ પ્રત્યે જ ધ્યાન આપો. પરંતુ આ બંને ભૂમિકાઓનું મિશ્રણ કરશો તો ગડબડ ઊભી થશે. પ્રત્યેક ભૂમિકાને શત પ્રતિશત નિભાવશો ત્યારે જીવન સંવાદીત અને રંગસભર બનશે. જેમ બધા રંગોની ઉત્પત્તિ શ્વેત રંગમાંથી થાય છે અને બધા રંગોને ભેળવીએ તો શ્યામ રંગ બને છે, તો એ જ રીતે શ્રદ્ધા, મૌન, શાંતિ અને ધ્યાન દ્વારા આપણાં હ્રદય શુદ્ધ બને છે અને જીવનનાં વિવિધ પરિમાણો વિશેષ સુંદર બને છે. આ શુદ્ધતા દ્વારા આપણે જીવનની દરેક ભિન્ન ભિન્ન ભૂમિકાને પૂર્ણતાથી નિભાવવા માટે સક્ષમ બનીએ છીએ.
ધ્યાનસ્થ ચેતનાની અવસ્થામાં રહો અને પ્રત્યેક ભૂમિકા નિભાવો. જ્યારે આપ ચેતનાની શુદ્ધ અવસ્થાની સ્થિતિમાં કોઈ પણ કાર્ય કરો છો ત્યારે આપ સફળ થાઓ છો. આ અવસ્થામાં એક કવિ મહાન કવિ બને છે, એક તબીબ નિષ્ણાંત તબીબ બને છે, આપ જે કોઈ કાર્ય કરો છો તે સંપૂર્ણ અને યોગ્ય જ બની રહે છે. આપે માત્ર આપની ભીતર જવાનું છે. આપની ભીતરની ગહનતામાં ડૂબકી લગાવવાની છે. પછી આપ જે કઈં કરશો તે શ્રેષ્ઠ જ થશે. આપ અંદરથી સતત વિશ્રામની સ્થિતિમાં રહેશો તો જીવનની દરેક ભૂમિકા આપને ખૂબ સરળ લાગશે!
આપ શા માટે વિશ્રામ નથી કરી શકતાં? એવું શું છે જે આપણને વિશ્રામ કરતાં રોકે છે? એ છે આપની ઈચ્છાઓ! આ ઈચ્છાઓ જ તણાવને ઉત્પન્ન કરે છે, આપનાં હ્રદય અને મનમાં વિહ્વળતા ઉત્પન્ન કરે છે. અહીં એક રહસ્ય છે. જો આપ નાની નાની અંગત ઈચ્છાઓ રાખશો તો તે તણાવ ઉત્પન્ન કરશે પરંતુ જો આપની દ્રષ્ટિ વિશાળ છે, આપ વિશ્વ કલ્યાણની ઈચ્છા ધરાવો છો તો તે ઈચ્છા આપની અંદર તણાવ ઉત્પન્ન નહીં કરે. એ જ રીતે જ્યારે આપ ધ્યાન કરો છો ત્યારે આપ તણાવમુક્ત બનો છો. નાની નાની વ્યક્તિગત ઈચ્છાઓ આપને સંકુચિત બનાવે છે. તો, ઈચ્છાઓ ઉત્પન્ન થવા લાગે ત્યારે શું કરવું જોઈએ? તેમનું અવલોકન કરવું જોઈએ. ઇચ્છાઓનું અવલોકન કરવાથી તે હળવી પડી જાય છે.
જ્યારે આપણી સજગતા, ઈચ્છા (કામ) ઉપર એકાગ્ર થાય છે ત્યારે ચેતનાની જે અવસ્થાનું સર્જન થાય છે તેને જ “કામાક્ષી” કહેવાય છે. સજગતાની સ્થિતિમાં ઈચ્છાઓની પકડ ઢીલી પડે છે, સમર્પણ ઘટિત થાય છે, ભીતરના સ્ત્રોતમાંથી અમૃત વહે છે. દેવી કામાક્ષીના એક હાથમાં શેરડીનો સાંઠો છે અને બીજા હાથમાં પુષ્પ છે. આનો અર્થ શું છે? શેરડી કઠિન છે, તેનો મિષ્ટ રસ મેળવવા પ્રયત્ન કરવો પડે છે જ્યારે પુષ્પ કોમળ છે, તેનો અર્ક મેળવવો સરળ છે. આ પ્રતીકો જીવનને દર્શાવે છે. જીવન કઠિન પણ છે અને સરળ પણ છે. પોતાનાં અંતરજગતમાંથી, સ્વયંનાં આંતરિક સ્ત્રોતથી આનંદની પ્રાપ્તિ કરવી અત્યંત સરળ છે પરંતુ બાહ્ય જગતમાંથી ખુશી મેળવવા માટે અથાક પ્રયત્નો કરવા પડે છે અને બહારથી મેળવેલી પ્રસન્નતાથી જ્યારે આપણે આનંદિત હોઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરને કદાચિત ભૂલી જતાં હોઈએ છીએ! પરંતુ ના, આપણે પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક સ્થળે, અવિભાજીત હ્રદયથી દિવ્ય ઈશ્વરીય શક્તિની અનુભૂતિ કરીએ તે વાસ્તવમાં અત્યંત આવશ્યક છે.
શું આપ સ્વયંને આ પૃથ્વી, વાયુમંડળ કે સમુદ્રનું જ એક અભિન્ન અંગ માનો છો? શું આપ સમગ્ર સૃષ્ટિ સાથે ઐક્ય અનુભવો છો? આ જ દિવ્ય પ્રેમ છે. દિવ્યતાને, ઈશ્વરને નિહાળવા માટે પ્રયત્નો ન કરો! તે આપની પાસે છે જ, તે સત્યને સ્વીકારો. જેમ આપની ચોતરફ વાયુમંડળ છે, તેમ જ આપની આસપાસ ઈશ્વર છે. દિવ્ય ઈશ્વરીય શક્તિની ઉપસ્થિતિ માત્ર હ્રદય દ્વારા અનુભવી શકાય છે. અને જ્યારે આપ પૂર્ણ આંતરિક વિશ્રામની સ્થિતિમાં છો ત્યારે આપ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત દિવ્યતા સાથે તાદાત્મ્ય અનુભવો છો. પક્ષીઓનું ચહેકવું, પર્ણોનું લહેરાવું અને જળનું વહેવું જેવી નાની ઘટનાઓ દિવ્યતાનું જ પ્રકટીકરણ છે.
આપણી સીમિત દ્રષ્ટિની પરે દિવ્યતાનું રાજ્ય વ્યાપેલું છે. જ્યારે આપને આ સત્ય સમજાય છે ત્યારે જીવન ઊર્જાવાન રંગોથી સભર, એક ઉત્સવ બની જાય છે, જીવન અનેક રંગોથી ભરેલું છે તે સત્યની સ્મૃતિ, હોળીના ઉત્સવથી પુનર્જીવિત થઈ ઉઠે છે. પ્રત્યેક વ્યક્તિનો પણ અનોખો રંગ છે, જીવન પણ વિવિધ રંગસભર ભાવોનો એક ઉત્સવ છે! અસ્તિત્વના વિવિધ રંગોને નિહાળીએ, તેનાંથી જીવન સમૃદ્ધ બનશે!
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)