આજે ચાળીસી વટાવી ગયેલી પેઢીને ‘આઇ લવ યુ, રસના…’ વાળી એ સમયે અત્યંત લોકપ્રિય થયેલી જાહેરાત અને એ ક્યુટ છોકરી બરાબર યાદ હશે. રસના- આ બ્રાન્ડને આજે વિશેષ ઓળખની જરૂર નથી. બેવરેજ માર્કેટમાં આવી મજબૂત બ્રાન્ડના સર્જક એટલે કુશળ અને સોજ્જાસારા પારસી જેન્ટલમેન અરીઝ પિરોજશા ખંભાતા.
હમણાં ભારત સરકારે એમને મરણોત્તર પદ્મશ્રી સમ્માન આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇ 19 નવેમ્બર, 2022ના રોજ 85 વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
અરીઝ પિરોજશા ખંભાતાએ ઉદ્યોગના નિર્માણથી રોજગારીનું સર્જન કરવાની સાથે સામાજિક ઉત્થાન માટે પણ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
અરીઝ ખંભાતા લોકપ્રિય સોફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ રસનાના સ્થાપક-ચેરમેન હતા. વીસેક વર્ષ સુધી અમદાવાદમાં હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં કમાન્ડન્ટ તરીકે કામ કામ કરનાર અરીઝજી વિશ્વ પારસી ઇરાની જરથ્રોષ્ટિના પણ સંસ્થાપક હતા. 10 વર્ષ સુધી અમદાવાદની પારસી પંચાયતના પ્રમુખ પણ રહ્યા. એમણે સ્થાપેલું અરીઝ ખંભાતા બેનેવેલેન્ટ ટ્રસ્ટ (AKBT) આરોગ્ય, શિક્ષણ અને આંત્રપ્રિન્યોર સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કામગીરી કરે છે.
વિવિધ એવોર્ડથી સન્માનિત
એમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ એવોર્ડ અને પશ્ચિમી સ્ટાર સમરસેવા અને સંગ્રામ મેડલ પણ એવોર્ડ એનાયત થયા છે. રાષ્ટ્રપતિ ડો. શંકર દયાળ શર્માને હસ્તે એમને વેપાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે નેશનલ સિટિઝન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
એમને રાજ્યના સર્વોચ્ચ ટેક્સ પેયર્સ તરીકે નાણાં મંત્રાલય દ્વારા સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. અમદાવાદ પારસી પંચાયત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને PYLA દ્વારા એમની અમદાવાદના સૌપ્રથમ પારસી નાગરિક તરીકે પસંદગી થઈ હતી. એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ખંભાતાએ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ કમાન્ડટ તરીકે રમખાણો અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ નિર્ણાયક કામગીરી કરી હતી.
કાર્યની અસર
અરીઝ ખંભાતાના યોગદાનને સમજવા માટે 1970ના દાયકામાં લટાર મારવી જરૂરી છે, જ્યારે ભારતીય અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો હતો અને ગ્રાહકોને ઊંચી કિંમત છતાં બહુરાષ્ટ્રીય કંપનીઓના ઠંડાં પીણાંના ઉત્પાદનો પર નિર્ભર રહેવું પડતું હતું. એ સમયગાળામાં ખંભાતાએ દૂરદ્રષ્ટિથી સોફ્ટ ડ્રિન્કનું એક પેક બજારમાં મુક્યું, જેમાંથી સોફ્ટ ડ્રિન્કના 32 ગ્લાસ બની શકતા હતા. વળી, એ ઠંડા પીણામાં વિટામિન અને મિનરલ્સ હોવા સાથે અન્ય ઠંડા પીણાંની તુલનાએ દસગણું સસ્તું હતું.
આ એ સમય હતો, જ્યારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની પાસે –ખાસ કરીને ગરમીની સીઝનમાં કોઈ સારી ગુણવત્તાવાળાં ઠંડાં પીણાં પહોંચ્યાં નહોતાં. પોતાની આ બિઝનેસ સ્ટ્રેટેજીથી રસનાને એમણે ગામેગામ પહોંચાડીને લોકપ્રિય બ્રાન્ડ બનાવી.
સમાજોપયોગી કાર્યો
અમદાવાદ પારસી પંચાયતના અધ્યક્ષ તરીકે એમણે ઘણી ઉમદા કામગિરી કરી હતી. પોતાની લોકપ્રિયતા અને સમાજ માટે કામ કરવાની નિષ્ઠાના કારણે એ બે વખત આ પંચાયતના અધ્યક્ષપદે ચૂંટાઇ આવ્યા હતા.
અરિઝ ખંભાતા બેનેવેલેન્ટ ટ્રસ્ટ (AKBT) થકી એમણે આરોગ્ય, મહિલા અધિકાર, શિક્ષણ અને વંચિત લોકોના સામાજિક ઉત્થાન માટે ઘણી કામગિરી કરી. વિકલાંગ વ્યક્તિઓને મદદ કરવાની સાથે એમને રોજગારી પૂરી પાડવા માટે પણ એમણે આ ટ્રસ્ટ થકી ઘણા પ્રયત્નો કર્યા.
અમદાવાદના બારેજાસ્થિત બ્લાઇન્ડ પીપલ એસોસિયેશનના સહયોગથી એમણે નાનાં બાળકોની સારવાર માટે એક લો વિઝન કેર ક્લિનિકની સ્થાપના કરી હતી, જેમાં જન્મથી દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓની સારવાર કરવામાં આવતી હતી. એમનું ટ્રસ્ટ અમદાવાદના બ્લાઇન્ડ એસોસિયેશન સાથે પણ સંકળાયેલું છે, જે મફત આંખોની તપાસ, મફત મોતિતાનાં ઓપરેશનસ મફત આંખના રોગોનું નિદાન કરે છે. આ ટ્રસ્ટે સેવ સાઇટ અમદાવાદ પ્રોજેક્ટ દ્વારા 10,000 ઓપરેશન કરવાની પહેલ કરી છે.
અરીઝ ખંભાતાએ રાજ્યના કરમસદમાં આરોગ્ય મંડળમાં ચરોતરના HM પટેલ મેડિકલ સેન્ટર માટે બે વેન્ટિલેટર દાન આપ્યાં છે. આ વેન્ટિલેટરનો ઉપયોગ દર મહિને 100થી વધુ બાળકો માટે થાય છે. એમના આ ઉમદા કાર્યને કારણે મોટી સંખ્યામાં બાળકો અહીંથી સ્વસ્થ થઈને બહાર જાય છે.
દેશમાં શિક્ષણને સકારાત્મક રૂપે અસરકારક કરવાના ઉદ્દેશથી AKBT ફાઉન્ડેશને દાદાભાઈ નવરોજી લોન-સ્કોલરશિપનો પ્રારંભ કર્યો હતો. એ સ્કોલરશિપ એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેમને શૈક્ષણિક ક્ષેત્રે સારો દેખાવ કર્યો હોય.
અમદાવાદની CIMS હોસ્પિટલના સહયોગથી આ ટ્રસ્ટે એક સુપર સ્પેશિયલિટી CIMS-ખંભાતા સેન્ટર શરૂ કર્યું છે, જેમાં રેડિયો થેરેપી લિનેક મશીનોથી વંચિત રોગીઓને સારસંભાળની સુવિધા આપવામાં આવે છે.
એક કુશળ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે અરીઝ પિરોજશા ખંભાતાએ પોતાની સામાજિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી છે. એક અદ્દલ પારસી જેન્ટલમેનને છાજે એ રીતે જ પોતાના સરળ અને ઉદાર સ્વભાવથી એમણે સમાજમાં પોતાની એક આગવી છાપ ઊભી કરી હતી.