ગુજરાતની સંસ્કારનગરી વડોદરાની આગવી ઓળખ તરીકે કળારસિકોમાં જાણીતી “સર્જન આર્ટ ગેલેરી” દ્વારા એક અનોખું કળાપ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કળાક્ષેત્રે વડોદરાને વિશ્વભરમાં નોખું સ્થાન અપાવતી ફાઈન આર્ટસ્ ફેકલ્ટીની સ્થાપનાના આરંભના વર્ષોની, એટલે કે ૧૯૫૦થી ૧૯૭૦ના ગાળાની, ઝાંખી આ પ્રદર્શન દ્વારા કરાવવાનો આશય છે. ફેકલ્ટીની સ્થાપના થઈ હતી ૧૯૪૯માં. સંસ્થાના ઘડતરમાં યોગદાન આપનાર પ્રારંભના અધ્યાપકો અને પછીનાં વર્ષોમાં નીવડેલાં અધ્યાપકો અને કળાકારો તરીકે પ્રતિષ્ઠા પામેલાં વિદ્યાર્થીઓ મળીને કૂલ ૩૪ કળાકારોની કળાયાત્રાનો આલેખ આ પ્રદર્શનમાંથી મળશે. પ્રદર્શનનું શીર્ષક રાખવામાં આવ્યું છે, ‘Variegated Blossoms’ (રંગરંગી ફૂલો). કારણ કે વિગત સિતેર વર્ષોનું આધુનિક ભારતીય કળાનું ઉપવન આ કળાકારોની વૈવિધ્યસભર કળાથી શોભાયમાન છે. પ્રસ્તુત પ્રદર્શનના પ્રયોજક છે “સર્જન આર્ટ ગેલેરી”ના સંસ્થાપક હિતેશ રાણા. કૃતિ મુખરજીએ આ પ્રદર્શનનું નિયોજન કર્યું છે. ગઈ પાંચ ઓક્ટોબરથી શરૂ થયેલું આ પ્રદર્શન 12 નવેમ્બર, 2022 સુધી ચાલશે સમય છે બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી. (રવિવાર અને રજાના દિવસોએ પ્રદર્શન બંધ રહે છે)
ચિત્રકળા, શિલ્પકળા અને છાપકળાની અદ્યાપી વણજોવાયેલી અનેક કળાકૃતિઓ આ પ્રદર્શનમાં જ ભારતમાં સૌપ્રથમવાર નિહાળી શકાશે. કળાકૃતિઓની સાથોસાથ વિગત વર્ષોનાં કળાઈતિહાસને દર્શક પોતાની રીતે ઉકેલે એવી યોજના આ પ્રદર્શનમાં કરવામાં આવી છે. કળાકારની સર્જનયાત્રા આલેખતી સંદર્ભસામગ્રી તેમજ કળાકારની કળા–નિર્મિતિમાં પ્રયોજવામાં આવેલ સામગ્રીનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આવા એક આગવા પ્રદર્શનના નિયોજન પાછળ બે સબળ કારણો રહ્યાં છે. એક – “સર્જન આર્ટ ગેલેરી”ની સ્થાપનાના પચ્ચીસ વર્ષને અમે ઉજવવા માંગીએ છીએ અને “સર્જન આર્ટ ગેલરી”ની સંકલ્પનામાં જેમનું મૂલ્યવાન યોગદાન રહ્યું છે તેવા આપણા કાંતિ રાણા સરને અમે શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ.
પ્રદર્શનનાં વિશેષ આકર્ષણ:
૧. કેટલાંક પ્રતિભાવંત છતાં વિસરાયેલાં દિવંગત કળાકારોનું પુણ્યસ્મરણ: વી.આર. આંબેરકર, યુ.પી. રાવ, તથા પ્રભાબહેન ડોંગરે.
૨. ફેકલ્ટીની સ્થાપના વખતે વિદ્યાર્થી તરીકે જોડાયેલાં બે સાહસિક બહેનોનાં કળાવિશ્વની ઝાંખી : કુમુદબહેન પટેલ અને પ્રભાબહેન ડોંગરેનાં ચિત્રો.
૩. ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો બોલીવુડના કળાકારો સાથેનો અનોખો સ્નેહસંબંધ: કળાકાર રમેશ પંડ્યાએ વિદ્યાર્થી અવસ્થામાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરનું કરેલું રેખાંકન. પૃથ્વીરાજ કપૂરના હસ્તાક્ષર સાથેનું એ રેખાંકન પ્રદર્શનમાં નિહાળી શકાશે.
૪. ફેકલ્ટીના એકાધિક કળાકારોને પછીના વર્ષોમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવાં નાગરિક સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. એમની કળાનું અવલોકન.
પુરસ્કૃત કળાકારોની નામાવલિ:
એન.એસ. બેંદ્રે (૧૯૧૦–૧૯૯૨): ચિત્રકાર – પદ્મશ્રી (૧૯૬૯)
શંખો ચૌધરી (૧૯૧૬–૨૦૦૬): શિલ્પકાર – પદ્મશ્રી (૧૯૭૧)
કે.જી. સુબ્રહ્મણ્યન (૧૯૨૪–૨૦૧૬): ચિત્રકાર – પદ્મશ્રી (૧૯૭૫), પદ્મભૂષણ (૨૦૧૪) તથા પદ્મવિભૂષણ (૨૦૧૨)
હકુ શાહ (૧૯૩૪–૨૦૧૯): ચિત્રકાર અને લોકકલાવિદ્ – પદ્મશ્રી (૧૯૮૯)
ભૂપેન ખખ્ખર (૧૯૩૪–૨૦૦૩): ચિત્રકાર – પદ્મશ્રી (૧૯૮૪)
શાન્તિ દવે (૧૯૩૧): ચિત્રકાર – પદ્મશ્રી (૧૯૮૫)
ગુલામમોહમ્મ્દ શેખ (૧૯૩૭): ચિત્રકાર – પદ્મશ્રી (૧૯૮૫) તથા પદ્મભૂષણ (૨૦૧૪)
જ્યોતિ ભટ્ટ (૧૯૩૪): ચિત્રકાર– પદ્મશ્રી (૨૦૧૯)
૫. વિગત વર્ષોનાં વિવિધ વિચારવલણો, માધ્યમો અને સાહસોની મુખોમુખ થવાનો અવસર. જેરામ પટેલના લાકડું બાળીને રચેલી કળાકૃતિઓ, રજનીકાન્ત પંચાલની પતરામાંથી બાનવેલ રીલિફ કૃતિઓ. દામોદર ગજ્જરના ટેક્ષટાઈલની સીમાઓ વિસ્તારતી નાવીન્યસભર કૃતિઓ.
૬. ફેકલ્ટીની સ્થાપનાના પ્રારંભનાં વર્ષોના કળાકારોના રોચક પ્રસંગો અને કિંવદંતીઓને સાંભળી શકાશે : ગુલામમોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, રતન પારિમુ તથા દીપક કન્નલે વાગોળેલાં પ્રેરક સંભારણાં.
૭. નામાંકિત કળાકારોની વિદ્યાર્થી સમયની કૃતિઓ નિહાળી શકાશે: રમેશ પંડ્યા અને નીલિમા શેખનાં વિદ્યાર્થી સમયના રેખાંકનો અને ડ્રોઈંગ્સ.
૮. કેટલાંક કળાકારોની ઓળખને વિસ્તારતી કૃતિઓનો સમાવેશ: જેરામ પટેલે કરેલાં(મોડેલ સ્ટડી)નાં રેખાંકનો, વિવાન સુંદરમ્ની પ્રારંભિક ચિત્રશ્રેણી, રતન પારિમુના કશ્મીરના જીવનને લગતાં યુવા વયનાં ચિત્રો.
૩૪ કળાકારોની યાદી :
ચિત્રકાર:
યૂ. પી. રાવ (૧૯૦૦–૧૯૮૯) : ચિત્રકાર
વી. આર. આંબેરકાર (૧૯૦૭–૧૯૮૮) : ચિત્રકાર, કલાવિવેચક અને કલાઈતિહાસકાર
એન. એસ. બેંદ્રે (૧૯૧૦–૧૯૯૨) : ચિત્રકાર
કે. જી. સુબ્રહ્મણ્યન (૧૯૨૪–૨૦૧૬): કવિ, ચિત્રકાર અને કલાચિંતક
વિનય ત્રિવેદી (૧૯૨૯–૨૦૦૧): ચિત્રકાર
ગ્યારસીલાલ વર્મા (૧૯૩૦–૨૦૦૦): ચિત્રકાર (પારંપરિક ફ્રેસ્કો ટેકનિક્સના તજજ્ઞ)
જેરામ પટેલ (૧૯૩૦–૨૦૧૬): ચિત્રકાર
રમેશ પંડ્યા (૧૯૩૦ – ૨૦૧૯) : ચિત્રકાર
શાન્તિ દવે (૧૯૩૧): ચિત્રકાર
વી. આર. પટેલ (૧૯૩૩–૨૦૦૭): ચિત્રકાર
દામોદર ગજ્જર (૧૯૩૩–૨૦૧૭) : ચિત્રકાર (પ્રાકૃતિક રંગો અને બીબાંઓ સાથે કામ)
જ્યોતિ ભટ્ટ (૧૯૩૪): ચિત્રકાર, છબિકાર, છાપકલાકાર અને કલાચિંતક
હકુ શાહ (૧૯૩૪–૨૦૧૯): ચિત્રકાર અને લોકકલાવિદ્
કાન્તિ રાણા (૧૯૩૪–૨૦૨૧): ચિત્રકાર અને બાળકોમાં કળાસંસ્કારના પ્રસારક
વિનોદ શાહ (૧૯૩૪–૨૦૨૧): ચિત્રકાર
ભૂપેન ખખ્ખર (૧૯૩૪–૨૦૦૩): ચિત્રકાર અને વાર્તાકાર
રતન પારિમુ (૧૯૩૬): ચિત્રકાર, કલાવિવેચક અને કલાઈતિહાસકાર
ગુલામમોહમ્મ્દ શેખ (૧૯૩૭): કવિ, ચિત્રકાર અને કલાઈતિહાસકાર
રણજિતસિંહ ગાયકવાડ (૧૯૩૮–૨૦૧૨): ચિત્રકાર અને સંગીતજ્ઞ
જયંત પરીખ (૧૯૪૦) : ચિત્રકાર અને છાપકલાકાર
વિવાન સુન્દરમ્ (૧૯૪૩) : ચિત્રકાર અને કલાચિંતક
શિલ્પકાર :
શંખો ચૌધરી (૧૯૧૬–૨૦૦૬): શિલ્પકાર
મહેન્દ્ર પંડ્યા (૧૯૨૬–૨૦૧૫) : શિલ્પકાર
ગિરીશ ભટ્ટ (૧૯૩૧ – ૨૦૧૫) : શિલ્પકાર
રાઘવ કનેરિયા (૧૯૩૬) : શિલ્પકાર
રજનીકાન્ત પંચાલ (૧૯૩૭–૨૦૦૪) : શિલ્પકાર
નાગજી પટેલ (૧૯૩૭–૨૦૧૭) : શિલ્પકાર
સ્ત્રીકળાકાર :
પ્રભા ડોંગરે (૧૯૨૨–૧૯૯૬): ચિત્રકાર
કુમુદ પટેલ (૧૯૨૬–?): ચિત્રકાર
નયના દલાલ (૧૯૩૫) : ચિત્રકાર અને છાપકલાકાર
નસરીન મોહમદી (૧૯૩૭–૧૯૯૦): ચિત્રકાર
જ્યોત્સ્ના ભટ્ટ (૧૯૪૦–૨૦૨૦) : શિલ્પકાર (સિરેમિક કળાકાર)
નીલિમા શેખ (૧૯૪૫) : ચિત્રકાર
રીની ધુમાલ (૧૯૪૮–૨૦૨૧): ચિત્રકાર, છાપકલાકાર