મધુરી કોટક એટલે ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના પત્ની અને ‘ચિત્રલેખા’ના સહસંસ્થાપક. મધુરીબેનની એક ખૂબીથી આજની પેઢી કદાચ ભાગ્યે જ પરિચિત હશે. ૫૦ના દાયકામાં પારસી મહિલા હોમાઈ વ્યારાવાલા દેશના સૌપ્રથમ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. ૬૦ અને ૭૦ના દાયકામાં મધુરી કોટક પણ એટલા જ કાબેલ ફોટોગ્રાફર તરીકે સતત કાર્યરત હતા. શરમાળ સ્વભાવ અને હંમેશા પડદા પાછળ રહીને કામ કરતાં મધુરીબેન પબ્લિસિટીથી જોજનો દૂર રહેતા એટલે એમની આ સિદ્ધિની આજની પેઢીને જાણ ન થઇ હોય એ સ્વાભાવિક છે.
વજુ કોટક પાસેથી જ પત્રકારત્વની સાથે ફોટોગ્રાફીના પાઠ ભણનારા મધુરી કોટકે સૌપ્રથમ ‘ચિત્રલેખા’ પછી ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિનમાં લગભગ વીસ-પચીસ વર્ષ સુધી એમના પાડેલા ફોટા છપાતાં હતાં. ૬૦ અને ૭૦ના દાયકાની જાણીતી ફિલ્મ હિરોઈનો સાથે મધુબેનને પરિચય હતો. ૧૯૭૧ના યુદ્ધ પછી ફિલ્મ અભિનેત્રી આશા પારેખ અને અન્ય અભિનેત્રીઓ ઘાયલ જવાનોને મળવા ને ખબર-અંતર પૂછવા માટે સરહદ પર ગઈ હતી. આશા પારેખે મધુબેનનાં કહેવાથી ખાસ સરહદથી મુંબઈ પરત ફરીને ‘ચિત્રલેખા’ માટે સ-તસવીર લેખ લખ્યો હતો.
એ જ પ્રમાણે લાખો ગુજરાતી વાચકોના માનીતા લોકપ્રિય નવલકથાકાર હરકિશન મહેતા તેમની પ્રથમ નવલકથા ‘જગ્ગા ડાકુના વેરના વળામણા’થી રાતોરાત જાણીતા થયા હતા. ૧૯૬૭-૬૮ના સમયગાળામાં મધુરી કોટક સાથે હરકિશનભાઇ જગ્ગા ડાકુને ‘ચિત્રલેખા’ના લેખ માટે મળવા ગયા હતા. આ મુલાકાત પછી મધુરી કોટકે જ હરકિસન મહેતાને પ્રોત્સાહિત કર્યા કે, ‘તમે નવલકથા લખો.. તમે લખી શકશો અને સફળ થશો.’ હરકિશન મહેતાએ નવલકથા લખી અને પછી તો ઇતિહાસ રચાઈ ગયો.
ભાવનગરનિવાસી પિતા જીવરાજ રૂપારેલ અને માતા દિવાળીબેનનાં નવ સંતાનોમાં મધુરીબેન ચોથું સંતાન હતા. વજુ કોટક સાથે ૧૯ મે, ૧૯૪૯ના દિવસે મધુબેનના લગ્ન થયા હતા. ૨૨ એપ્રિલ ૧૯૫૦ના દિવસે ‘ચિત્રલેખા’નો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો. ૧૯૫૯માં વજુ કોટકનું અવસાન થયું હતું. માત્ર દસ વર્ષનું દાંપત્યજીવન. વજુ કોટકએ આ દુનિયાની વિદાય લીધી ત્યારે મધુબેનની ઉંમર ૩૦ વરસ હતી. મૃત્યુના થોડા દિવસ પહેલા વજુ કોટકે કહ્યું હતું કે, ‘હું આપણા ત્રણ સંતાનો ઉપરાંત ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ‘જી’… આપણા મેગેઝિનની પણ જવાબદારી તને સોંપી જાઉં છું. તારે આ છ એ છ સંતાનોની જવાબદારી ઉપાડવી પડશે…
મધુરી કોટકે, જીવનભર…સતત… આ જવાબદારી નિભાવી… પોતાના ત્રણ સંતાનો ઉપરાંત ત્રણેય મેગેઝિનોને ‘ચિત્રલેખા’ની ટીમની સહાયથી એક અલગ જ ઊંચાઈ પર મૂકી આપ્યા.
મધુરીબહેનને નજીકથી જાણનારા લોકો, ‘ચિત્રલેખા’નો સ્ટાફ અન્ય વાચકોને એક બાબત જ અચંબામાં મૂકી દેતી કે વજુભાઇની વિદાયના ૬૦ વર્ષ પછી પણ મધુરી કોટક સતત પ્રવૃત્તિમય રહેતાં. ‘ચિત્રલેખા’ના કાર્યાલયમાં પણ નિયમિતપણે હાજર હોય.
‘ચિત્રલેખા’ શરૂ થયું ત્યારે વજુ કોટક એકલા હાથે ૮૦ ટકા લેખો લખતા. વજુભાઇના લેખનકાર્યમાં બે બાબત સહાયરૂપ બની. એક એમની શિસ્તબદ્ધતા અને બીજું મધુરી કોટક. શરૂઆતના વર્ષોમાં વજુભાઈ અઢળક લખીને ‘ચિત્રલેખા’નો મજબૂત પાયો ચણી ગયા. એમાં મઘુરી કોટકનો સાથ-સહકાર અને પ્રેમાળ દાંપત્યનો સિંહફાળો હતો.