મુંબઈ શહેર વધુ ને વધુ આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે પશ્ચિમ રેલવેના ઉપનગરીય નેટવર્ક પરના બાન્દ્રા રેલવે સ્ટેશને પોતાની દાયકાઓ જૂની આગવી ઓળખને જાળવી રાખી છે.
પશ્ચિમ રેલવેના ભવ્ય ઐતિહાસિક માળખાકીય વારસાના પ્રચારાર્થે રેલવે વહીવટીતંત્રે ખાસ ઉજવણી કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ સંદર્ભમાં બાન્દ્રા સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર બહારના ભાગ તરફ એક વિશિષ્ટ પ્રદર્શન રાખ્યું છે, જેમાં પશ્ચિમ રેલવેનાં ગૌરવવંતા અને સમૃદ્ધ ભૂતકાળને દર્શાવવામાં આવ્યો છે. વધુ મહત્ત્વની વાત એ છે કે આ હેરિટેજ સ્ટ્રક્ચરને ગ્રેડ-1 હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન નિહાળવા માટે ઘણા પ્રવાસીઓ અને મુલાકાતીઓ મોકો ઝડપી લેતા જોવા મળ્યા છે.
આ પ્રદર્શનની વિશેષતા એ છે કે રેલવેની હેરિટેજ ટ્રેનોની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ પ્રતિકૃતિઓ આદિલ દિવેચા જેવા વિશિષ્ટ આર્ટિસ્ટ્સ દ્વારા બનાવવામાં આવી છે.
બાળકો અને યુવાઓને આકર્ષિત કરવા માટે પ્રદર્શનમાં ભારતીય રેલવે દ્વારા જૂના જમાનામાં વાપરવામાં આવેલા એન્જિનો અને ચલિત મોડલ, દુર્લભ શિલ્પકૃતિઓ, જૂના જમાનાનાં રેલવે સ્ટેશનો, હેરિટેજ પૂલોની દુર્લભ તસવીરો અને ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.
ભારતીય રેલવેએ દાયકાઓ દરમિયાન હાંસલ કરેલી ટેક્નીકલ પ્રગતિ, સેલ્ફ પ્રિન્ટિંગ ટિકિટ મશીનો પણ પ્રદર્શનમાં કુતૂહલનું કેન્દ્ર બન્યા છે.
આ ઉપરાંત પ્રવાસીઓ તથા મુલાકાતીઓ માટે ચિત્રકામ અને ક્વિઝ સ્પર્ધા જેવી આનંદદાયક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓમાં ભાગ લેનારાઓનો ઉત્સાહ વધે એ માટે એમને રેલવેની સ્મારક ચીજવસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવી છે.
આ પ્રદર્શનનું એક મુખ્ય આકર્ષણ રહ્યું સેલ્ફી પોઈન્ટ, જેના બેકડ્રોપમાં હેરિટેજ બાન્દ્રા સ્ટેશનને રાખવામાં આવ્યું છે.
બાન્દ્રા સ્ટેશનને મુંબઈના ઉપનગરીય સ્ટેશનોનું ‘ક્વીન’ ગણવામાં આવે છે. અહીં આજે પણ છત જૂની ઢબની જ રાખવામાં આવી છે. એની સીલિંગ ડબલ હાઈટની છે. બાન્દ્રા સ્ટેશન ભવન વિક્ટોરિયન તથા સ્થાનિક વાસ્તુશૈલીનું મિશ્રણ છે. આ બંને શૈલીથી બનાવવામાં આવેલો સ્ટેશનનો અગ્રભાગ વાસ્તુકલાનો અદ્દભુત નમૂનો છે. સ્ટેશનના પશ્ચિમ ભાગ તરફના પ્રવેશદ્વાર પાસે મોટો વરંડા છે જે પ્રવાસીઓને વરસાદ વખતે રક્ષણ પૂરું પાડે છે.
બાન્દ્રા સ્ટેશનને પર્યટન સ્થળ તરીકે અપગ્રેડ કરવામાં આવનાર છે. આ માટે કેન્દ્રીય રેલવે મંત્રાલય તથા UNESCO સંસ્થાએ સમજૂતી કરી છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન બાદ બાન્દ્રા સ્ટેશનનું હેરિટેજ મકાન મુંબઈનું બીજું સ્ટેશન છે જેને UNESCO સંસ્થાની મદદથી અપગ્રેડ કરવામાં આવશે.
(તસવીરો અને વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)
httpss://youtu.be/gcSSafoMJN8