જાતિગત પીઠબળ કે ચૂંટણીમાં મત ઉઘરાવી શકે એવો ચહેરો ન હોવા છતાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી વિજય રૂપાણી પાંચ દાયકાના જાહેરજીવનમાં પોતાની સહજતા અને સરળતાના જોરે લોકોના દિલ જીતી ગયા…
——————————————
અઘરું હોય છે કોઇની શ્રધ્ધાંજલિ લખવાનું, ખાસ કરીને વ્યક્તિ જાહેરજીવનની હોય ત્યારે. બે કારણ હોય એનાઃ એક તો, વ્યકિત જાહેરજીવનમાં હોય એટલે એના જીવનની મોટાભાગની વિગતો સાર્વજનિક બની ચૂકી હોય અને બીજું, વ્યક્તિના નિધન પછી સોશિયલ મિડીયામાં આડેધડ ઠલવાતી સાચીખોટી અંજલિઓ વચ્ચે વિવેક દાખવીને સમજપૂર્વક લખવાનું.ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પછી એમના અંગત અને જાહેર જીવન વિશે ઘણું બધું લખાઇ ચૂક્યું છે. 4 ઓગસ્ટ, 1956ના રોજ બર્માના રંગૂનમાં જન્મ, રાજકોટમાં ઉછેર અને શિક્ષણ, યુવાવસ્થાથી જ સંઘના સંસ્કાર અને ભાજપમાં પ્રવેશ, કટોકટીમાં જેલવાસ, સંઘ પરિવારના જ અંજલિબહેન સાથે પ્રેમલગ્ન. લગભગ પાંચ દાયકાના રાજકીય જાહેરજીવનમાં રાજકોટના મેયર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, રાજ્યસભાના સભ્ય, પ્રદેશ ભાજપના પ્રમુખ અને છેલ્લે ગુજરાતના મુખ્યમંત્રી એમ સંગઠન-સરકારમાં અનેક જવાબદારીઓ નિભાવી. પંજાબના ભાજપના પ્રભારી પણ રહ્યા. (ચિત્રલેખાઃ 7 માર્ચ, 2016)
પરંતુ એક રાજકીય આગેવાન તરીકે વિજયભાઇ બીજા કરતાં એ બાબતમાં અલગ પડયા કે, કોઇ જ્ઞાતિ-જાતિના પીઠબળ વિના ફક્ત એક સમર્પિત કાર્યકર્તા તરીકે એ મુખ્યમંત્રી જેવા ટોચના હોદ્દા સુધી પહોંચ્યા. નહીં તો આજકાલ કોઇ હોદ્દા માટે પસંદગી કરવાની હોય ત્યારે જ્ઞાતિનું પીઠબળ પહેલાં જોવાય છે, પણ વિજયભાઇ જેની કોઇ વોટબેંક જ નથી એવા સમાજમાંથી આવતા હોવા છતાં મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીના રાજકારણમાં એ મત ઊઘરાવી શકે એવો લોકપ્રિય ચહેરો ન બની શક્યા, પણ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું એટલે પક્ષના કાર્યકરો-નેતાઓનો વિશ્વાસ જીતી શક્યા. એ અર્થમાં વિજય રૂપાણી અપવાદ છે કે, જ્ઞાતિવાદના જોરે કે વ્યક્તિગત લોકપ્રિયતાના બળ વિના પણ એ ફક્ત પક્ષ માટે કામ કરતા કરતા પોતાની રાજકીય કારકિર્દી બનાવી શક્યાય. રાજકીય ચડાવ ઉતાર વચ્ચે ય એ કરતા જાળ કરોળીયોની માફક પક્ષ માટે મહેનત કરતા રહ્યા.
મિલનસાર અને સહજ સ્વભાવે આ બાબતમાં એમની મદદ કરી. મુખ્યમંત્રી નહોતો ત્યારે અને હતા ત્યારે પણ પક્ષના નાના કાર્યકર્તાઓને પણ મળતા રહ્યા. એમને મળવાનું કોઇ માટે અઘરું નહોતું. એપોઇન્ટમેન્ટ લેવાની બહુ મોટી ઝંઝટ નહોતી એટલે રાજકીય આગેવાનોમાં દુર્લભ એવી આ ‘ઇઝી એક્સેસ’ ના કારણે એમની આ સરળતાનો પરિચય એમના સંપર્કમાં આવનાર તમામ લોકોને થયો.
ઓગસ્ટ 2026માં એ મુખ્યમંત્રી બન્યા ત્યારે ચિત્રલેખાને આપેલી મુલાકાતમાં એમણે કહેલું કે, ‘હું ખુરસી પર બેઠો છું, પણ ખુરસીને મારા પર બેસવા નહીં દઉં.’ (ચિત્રલેખાઃ 29 ઓગસ્ટ, 2016) અને, આ બોલેલું એમણે ખરા અર્થમાં પાળી બતાવ્યું. મુખ્યમંત્રી તરીકે એમનામાં સત્તાનો ઘમંડ કે રોફ જોવા ન મળ્યા. એમની આ વધારે પડતી સહજતા અને સરળતાએ એમને રાજકીય રીતે નુકસાન કરવામાં ભાગ ભજવ્યો એ જૂદી વાત છે.અફકોર્સ, છેવટે તો વિજયભાઇ એક રાજકારણી હતા. રાજકીય તેલ જોઇને, એ તેલની ધાર જોઇને ડગલું માંડનાર રાજકારણી. મળે ત્યારે સામેવાળી વ્યક્તિને, ખાસ કરીને મોટાભાગના પત્રકારોને લાગે કે વિજયભાઇએ એમની સાથે પેટછૂટી રાજકીય વાતો કરી છે, પણ હકીકતમાં વિજયભાઇ જેટલું બોલવાનું હોય એટલું જ બોલ્યા હોય! જે સંજોગોમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું એ પછી ય જાહેરમાં ક્યારેય બળાપો કાઢ્યો નહીં, કુશળ રાજકારણીની જેમ રાજકીય રહસ્યો પચાવી રાખવાની કળા એમને સાધ્ય હતી. એ શાણા રાજકારણી જરૂર હતા, પણ લુચ્ચા નહોતા. એ અર્થમાં વિજયભાઇ શાતિર પણ નહોતા કે કિન્નાખોર પણ નહોતા.
પક્ષ પ્રત્યેની વફાદારી એમના રાજકીય જીવનનો સૌથી મોટો ગુણ હતો. સત્તા છોડવી પડે ત્યારે ભલભલા રાજકારણીઓથી પક્ષ વિરુધ્ધ બળાપો નીકળી જતો હોય છે. એમની નારાજગી સીધી કે આડકરતી રીતે છતી થઇ જતી હોય છે, પણ વિજયભાઇ એમાંથી બચી શક્યા. હજુ થોડાક સમય પહેલાં જ ગાંધીનગરસ્થિત એમના નિવાસસ્થાને અનૌપચારિક વાતચીતમાં અમે એમને પૂછ્યું કે, ક્યારેય તમને પક્ષ છોડી દેવાનો કે બળવો કરવાનો વિચાર ન આવ્યો?
વિજયભાઇએ બહુ સરસ જવાબ આપેલો. એમણે કહેલુઃ ‘સંગઠનમાં જિલ્લા-તાલુકા કક્ષાએ કોઇ કાર્યકર્તા પોતાને અન્યાય થયો હોવાની ફરિયાદ કરે કે પક્ષના કોઇ નિર્ણય સામે વિરોધના સૂર બતાવે ત્યારે અમે હંમેશા એમને વ્યક્તિ કરતાં પક્ષ મહાન છે અને પક્ષની શિસ્ત જ સર્વોપરી છે એમ કહીને સમજાવતા આવ્યા છીએ. હવે આજે હું જ એ શિસ્ત તોડું તો ક્યો કાર્યકર્તા મારા બોલવા પર ભરોસો મૂકે?’
કાર્યકર્તાઓનો આ ભરોસો, કાર્યકર્તાઓની આ લાગણી જ તમારા ગયા પછી એમની આંખો છલકાવી ગઇ છે, વિજયભાઇ!
કેતન ત્રિવેદી (ગાંધીનગર)
