સવારસવારમાં બ્રશ કરવાનો તમને કંટાળો આવે છે? શું તમને તમારાં મમ્મીપપ્પા કે મોટી બહેન કહે છે કે આ દાંત તો બ્રશ કરવાના રહી ગયા? શું તમારો નાનો ભાઈ તમને ચીડવે છે કે કે મોટા, તું રાતે વહેલો સૂઈ જતો હોય તો? ઊંઘમાં બરાબર બ્રશ નથી થયું. આવા લોકો માટે હંમેશની જેમ ટૅક્નૉલૉજી મદદે આવી છે. ઑરલ-બીએ સ્માર્ટ ટૂથ બ્રશ વિકસાવ્યું છે તે તેના વપરાશકારોના સ્વાસ્થ્યને સુધારવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આશ્રય લે છે.
આ બ્રશ બ્લુટૂથ મારફતે સ્માર્ટફૉનની ઍપ સાથે જોડાય છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે તે સેન્સરની મદદ લે છે અને જાણે છે કે તમે ક્યાં બ્રશ કરી રહ્યા છો અને તમારે કઈ રીતે બ્રશ કરવાની ટૅક્નિક સુધારવાની જરૂર છે.
આ નવીન પ્રકારના બ્રશનું નામ છે જિનિયસ એક્સ. તે ખાસ કરીને બાળકોને ઉપયોગી થાય તેવું છે અથવા તો જે લોકો સવારે ઊઠીને પણ ઊંઘમાં જ હોય છે અને ઊંઘમાં ને ઊંઘમાં જ જેમતેમ બ્રશ કરે છે તેમના માટે સુવિધારૂપ છે. તે તેના વપરાશકારોને જણાવે છે કે કયા દાંત બ્રશકર્યા વગરના રહી ગયા અથવા તો તમે ક્યાં બહુ ભાર મૂકીને બ્રશ કરો છો જે તમારે ન કરવું જોઈએ.
બાર્સેલૉનામાં તાજેતરમાં મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસ યોજાઈ હતી. તેમાં આ બ્રશના નમૂનાને પ્રદર્શિત કરાયા હતા. તેની કિંમત હજુ જાહેર નથી થઈ. પ-જી અને ઘડી વાળી શકાય તેવા ફૉનની વિકાસ શ્રેણીમાં આ બ્રશને દર્શાવવામાં આવ્યું હતું. ટૂથ બ્રશની અંદર જાયરૉસ્કૉપ અને એક્સલેરૉમીટર હોય છે. ટૂથબ્રશ સ્થાનમાં કયા ફેરફારો કરવા જોઈએ તે નક્કી કરવા માટે આ બંનેનો ઉપયોગ થાય છે.
લક્ઝમબર્ગમાં ડેન્ટિસ્ટ્રી ઍન્ડ મેડિસિનમાં ડિજિટલ ટૅક્નૉલૉજી યુનિવર્સિટીના પ્રાધ્યાપક રાલ્ફ રૉસલર કહે છે કે “દરેક દર્દી અદ્વિતીય હોય છે. અજોડ હોય છે. આથી જ અમે એવા ઉકેલો શોધી રહ્યા છીએ જે જે-તે વ્યક્તિ માટે લાગુ કરી શકાય. આ ટૂથબ્રશ દર્દીઓને સુંદર અને વ્યક્તિગત કરેલ બ્રશનો અનુભવ આપે છે. અને બ્રશથી મળતું આરોગ્યનું પરિણામ મેળવવા માટે તેઓ જે રીતે બ્રશ કરતા હોય તેમાં કોઈ ફેરફાર કર્યા વગર આમ થઈ શકે છે.”
“આ ખરેખર મોટી સફળતા છે,” તેમ તેઓ કહે છે.
આવા પ્રકારનો વિચાર આ પહેલી વાર જ આવ્યો છે તેવું નથી. આ અગાઉ જીનિયસ નામની કંપનીને પણ આવો વિચાર આવેલો. પરંતુ તેમાં કાચ પર એક ફ્રેમ લગાડવાની વાત હતી અને વપરાશકારે તેમની બ્રશ કરવાની પદ્ધતિને રેકૉર્ડ કરવાની હતી. પરંતુ એવું જણાય છે કે તે કરતાં આ નવો અભિગમ વધુ સારો અને સરળ છે. આ માટે જરૂરી નથી કે વપરાશકારનો ફૉન પણ એ જ રૂમમાં હોય. ઑરલ-બીની ઍપ વપરાશકારને તેમની બ્રશ કરવાની ટેવનો ઇતિહાસ જાણવા દે છે. તેમના સ્વાસ્થ્યનું ગુણાંકન કરે છે અને તેમાં આવતી રમતોમાં એવૉર્ડ પણ વપરાશકારને જીતવા દે છે.
રોજબરોજનાં કંટાળાજનક કામોને રમતમાં જોડવાના અનેક પ્રયાસો ઉણા ઉતર્યા છે. તેનું કારણ કાં તો તેમની અપીલ, કાં તો તેમનું સૌંદર્ય અથવા સૉફ્ટવેરની મર્યાદાઓ છે.
પરંતુ એમ લાગે છે કે આ બ્રશમાં તેવું નહીં થાય તેમ આ બ્રશનું પરીક્ષણ (ટ્રાયલ) કરનારાઓનું કહેવું છે. આ વર્ષના અંતે તેને બજારમાં મૂકવામાં આવશે પરંતુ હજુ સુધી તેની કિંમત નક્કી કરાઈ નથી. જીનિયસ બ્રશની કિંમત ૨૬૦ ડૉલર (!) જેટલી હતી. પરંતુ અત્યારે જે રીતે સ્માર્ટ ચીજોની ઘેલછા કે બોલબાલા છે તે જોતાં નવી ચીજોને અજમાવવાની ટેવ ધરાવતા લોકો આ બ્રશને અજમાવે પણ ખરા.
બજારના જાણકારો કહે છે કે જીનિયસના ૬૦ લાખ ટૂથબ્રશ આટલી ભારે કિંમત છતાં વેચાયા છે. આથી ઑરલ-બીનાં ટૂથબ્રશ પણ વેચાવાની શક્યતા, તેની ઊંચી કિંમત રખાશે તો પણ, ઘણી રહેશે.