એક રમૂજ છે. તેને રમૂજ તરીકે જ લેવા વિનંતી.
પત્ની (પતિ પણ રાખી શકાય) અને સ્માર્ટફૉનમાં એમ જ થાય કે થોડી રાહ જોઈ હોત તો સારું હતું. ? પત્ની બાબતે તો કંઈ થઈ ન શકે પરંતુ ફૉન બાબતે થઈ શકે. ઘણા લોકો વારંવાર ફૉનબદલતા રહે છે. તેનું કારણ? દર વખતે અપડેટ આવે છે, નવી-નવી સુવિધા આવતી રહે છે. તેથી જ લોકોને મન થયા રાખે છે- સ્માર્ટફૉન બદલતા રહેવાનું. તો એક નવું અપડેટ હવે આવી રહ્યું છે જેના કારણે તમને થશે કે હવે જો ફૉનલેશું તો આ પ્રકારની સુવિધાવાળો ફૉન લેવો પડશે. આ અપડેટ કોઈ કેમેરા કે ફૉનના કદ વગેરેનું નથી, પરંતુ ફૉન જેના પર ચાલે છે તે ઓ.એસ. એટલે કે ઑપરેટિંગ સિસ્ટમનું છે. જી હા, હવે નવી ઑપરેટિંગ સિસ્ટમ આવી રહી છે. ચિંતા ન કરો. સાવ નવી પણ નથી. પરંતુ ઍન્ડ્રૉઇડની જ છે.
ગૂગલે જાહેર કર્યું છે કે તેની નવી ઑપરેટિંગ સિસ્ટમનું નામ ઍન્ડ્રૉઇડક્યૂ રહેશે. આ વખતે તેણે કોઈ મીઠાઈ પરથી ઑપરેટિંગ સિસ્ટમનું નામ નથી રાખાયું. તે તેને ઍન્ડ્રૉઇડ ૧૦ જ કહી રહ્યું છે. આ ઑપરેટિંગ સિસ્ટમને ઘણા બધા વિકાસકારો અને જાહેર બૅટા સંસ્કરણો માંથી પસાર થઈ ચૂકી છે, મતલબ કે તેનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. અને એટલે જ તેમાં જે નવી ખાસિયતો છે તે જોવા જેવી છે. આ ખાસિયતોને જોઈને તમને પણ થશે કે હવે ફૉનલઈશું તો ઍન્ડ્રૉઇડ ૧૦વાળી જ લઈશું.
ડાર્કમૉડ
આ ખાસિયત પહેલા જાહેર બૅટા સંસ્કરણ વખતથી છે અને હવે આઈ.ઓ. વિકાસકાર પરિષદમાં પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. સેટિંગ ઍપમાંથી બૅટરી ખાનામાં જઈને ડાર્કથીમ સક્રિય કરી શકાય છે. ગૂગલે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કેટલીક ઍપમાં આ મૉડ લાવી દીધો છે.
તમારા સ્થાનને જાણતા પહેલાં…
તકલીફ એ હતી કે ફૉન સતત તમારા સ્થાન- તમે ક્યાં છો તેની જાણકારી મેળવતો રહેતો હતો. કેટલીક ઍપમાં પણ આવું જોવા મળતું હતું. પરંતુ ઍન્ડ્રૉઇડ ૧૦માં, ગૂગલે વપરાશકારની ગોપનીયતાને વધારી દીધી છે. સ્થાનમાં પ્રવેશને વધુ કડક બનાવ્યો છે. આના લીધે વપરાશકાર પાસે સંપૂર્ણ નિયંત્રણ રહે છે. સ્થાન સેવાને સક્રિય કરવા, નિષ્ક્રિય કરવા ઉપરાંત ત્રીજો વિકલ્પ રહેશે જેમાં જ્યારે કોઈ ઍપ વપરાશમાં હશે કે સક્રિય હશે ત્યારે જ સ્થાનમાં પ્રવેશ રહેશે.
ઝડપી વહેંચણી…
ગૂગલ નવી એક ખાસિયત લાવી શકે છે જેમાં વપરાશકારો ફાઇલો વધુ સરળતાથી હસ્તાંતરિત (ટ્રાન્સ્ફર) કરી શકશે. કંપનીએ કહ્યું કે તેને અમે ‘ફાસ્ટ શૅર’ કહીશું. ગૂગલમાં આવી જ એક ખાસિયત પહેલાં પણ હતી. તેને ‘ઍન્ડ્રૉઇડ બીમ’ કહેતા હતા. પરંતુ પછીનાં સંસ્કરણોમાં આ ખાસિયત દૂર કરી દેવામાં આવી.
બૅટરીનું સંકેતક
બૅટરીની ક્ષમતા બતાવતું સંકેતક (ઇન્ડિકૅટર) હવે ઍન્ડ્રૉઇડ ૧૦માં બદલાશે. આ ઑએસમાં ‘Until 11 PM’ એવું બતાવશે જેથી તમને ખબર પડે કે બૅટરી ૧૧ વાગ્યા સુધી જ ચાલશે. એટલે હવે ટકાવારી નહીં દેખાડે. કેટલાક અહેવાલો મુજબ, આ પ્રકારનું લખાણ બૅટરી કેટલીક હદ સુધી ઘટે તે પછી જ બતાવશે.
રંગબેરંગી થીમ
ઍન્ડ્રૉઇડ ૧૦ની ડિઝાઇનમાં જ માત્ર પરિવર્તન નહીં લાવે પરંતુ વપરાશકારોને રંગબેરંગી થીમ પણ આપશે. જોકે અંતિમ સંસ્કરણમાં રંગની વિવિધતા મર્યાદિત રહેશે. બૅટા સંસ્કરણના ડૅવલપર વિકલ્પમાં આ મેળવી શકાય છે.
વાઇફાઇ પાસવર્ડ વગર
આનંદિત ન બનો. બીજા કોઈનો વાઇફાઇ પાસવર્ડ વગર મળી જશે તેવું નથી, પરંતુ જો તમારે કોઈનું વાઇફાઇ જોઈતું હોય તો તે વ્યક્તિએ તમને પાસવર્ડ કહેવો પડે છે. હવે તેવું કરવાની જરૂર નથી. નવી ઑએસમાં તમે તેનો ક્યૂઆરસ્કેન કરીને તેના વાઇફાઇ સાથે જોડાઈ શકશો.
પીસી સાથે વધુ સારું સમન્વય
ઍન્ડ્રૉઇડ ૧૦માં ડૅસ્કટૉપ મૉડ હશે જેના લીધે તમારો ફૉન ડૅસ્કટૉપ કમ્પ્યૂટર સાથે વધુ સરળ રીતે જોડાઈ શકશે. તેનાથી તમારું કામ વધુ ઝડપી બનશે.