“આ શું છે” જાણવાનું કુતુહુલ આમ જોવા જઈએ તો આપણને બાળપણથી જ શરુ થઇ જતું હોય છે. ફરક એટલો છે કે ઈન્ટરનેટ ન હતું ત્યારે વસ્તુઓ સાથે ઓળખાણ કરાવવાની જવાબદારી માતાપિતા, દાદાદાદી, નાનાનાની અને શિક્ષકો નિભાવતા હતાં, જયારે હવે આ જવાબદારી ગૂગલ નિભાવે છે. ટેક્સ્ટ અને વોઈસ સર્ચની સુવિધાઓ ગૂગલ વર્ષોથી આપી જ રહ્યું છે. પરંતુ; હવે વિઝ્યુલ સર્ચની અચરજ પમાડે તેવી એક સુવિધા “ગૂગલ લેન્સ” એપ્લીકેશન દ્વારા વિશ્વભરમાં લોકપ્રિય થઇ રહી છે.
ગૂગલ લેન્સ કેટલાક પ્રતિબંધિત ડિવાઈસીઝ અને પ્લેટફોર્મ્સને બાદ કરતાં મોટાભાગનાં મોબાઈલમાં ચાલે છે. ઘણાં ફોનમાં પ્રી-લોડેડ આવે છે. પ્લે-સ્ટોર દ્વારા ડાઉનલોડ પણ કરી શકાય છે.
ઇન્સ્ટોલ કર્યા પછી આ એપને શરુ કરીએ એટલે સ્ક્રીનના ઉપરનાં ભાગમાં કેમેરો ચાલુ થયેલો જોવા મળે છે અને નીચેનાં ભાગે અલગ-અલગ પાંચ ગોળ બટનમાં મેનુ જોવા મળે છે. કેમેરાને ટેક્સ્ટ, ઈમેજ અથવા બારકોડ તરફ ફોકસ કરીને ગૂગલ લેન્સનો ઉપયોગ શરુ કરી શકાય છે. ગૂગલની અન્ય ત્રણ સર્વિસ “ગૂગલ આસિસ્ટન્ટ”, “ગૂગલ સર્ચ-એન્જીન” અને “ગૂગલ મેપ્સ” સાથે ગૂગલ લેન્સને જોડી દેવામાં આવ્યું હોવાથી “આ શું છે” સહિતનાં આપણા બીજા અનેક પ્રશ્નોના જવાબ ગૂગલ લેન્સ સહેલાઈથી આપી શકે છે.
“ગૂગલ લેન્સ” મુખ્યત્વે આ પાંચ સુવિધાઓ આપે છે…
ભાષાંતર: તમારા ફોનનાં કેમેરાને કોઈ લખાણ પર ફોકસ કરો અને પછી નીચેનાં મેનુ બટનમાં “ટ્રાન્સલેટ” ઉપર ક્લિક કરો. જો ગૂગલ ટ્રાન્સલેટનું પ્લગ-ઇન તમારા ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ હશે તો તમારી આંખોની સામે જ લખાણનું તમારી પોતાની ભાષામાં તત્કાલ ભાષાંતર થઇ જશે.
સ્માર્ટ ટેક્સ્ટ સિલેક્શનઃ તમારા ફોનનાં કેમેરાને કોઈ લખાણ પર ફોકસ કરો અને જરૂરી લખાણ સિલેક્ટ કરો. આ પછી નીચેનાં મેનુ બટનમાં “ટેક્સ્ટ ટુ કોપી” ઉપર ક્લિક કરો. હવે આ લખાણને તમે જ્યાં પણ કોપી-પેસ્ટ કરવાં હોય ત્યાં કરી શકો છો.
ઓબ્જેક્ટ ડીટેઈલ્સ: તમારી આસપાસ શું છે તે ઓળખવું હોય તો કેમેરો ફોકસ કરીને મેનુ બટનમાં “ઓબ્જેક્ટશ ફોર ડીટેઈલ્સ” ઉપર ક્લિક કરો. તમારી આસપાસની દુનિયાની કોઈપણ વસ્તુ શું છે તે બાબતની અકલ્પનીય માહિતીઓ સ્ક્રીન ઉપર હાજર થઇ જશે.
બારકોડ સ્કેનીંગ: તમારા ફોનનાં કેમેરાને કોઈ બારકોડ અથવા ક્યુઆરકોડ પર ફોકસ કરો અને જરૂરી એરિયા સિલેક્ટ કરો. આ પછી નીચેનાં મેનુ બટનમાં “બારકોડ” ઉપર ક્લિક કરો. તત્કાલ જ બારકોડ અથવા ક્યુઆરકોડમાં જે કોઈ માહિતી સંગ્રહાયેલી હશે તે તમારા સ્ક્રીન ઉપર દેખાવા લાગશે.
રેસ્ટોરન્ટ મેનુ: તમારા ફોનનાં કેમેરાને તમે જે રેસ્ટોરન્ટમાં બેઠા છો તેનાં છપાયેલા મેનુ ઉપર ફોકસ કરો. આ પછી નીચેનાં મેનુ બટનમાં “ડીશીઝ ઓન એ મેનુ” ઉપર ક્લિક કરો. તત્કાલ જ આ રેસ્ટોરન્ટની વખણાતી આઈટમ અને અન્ય જરૂરી માહિતી તમારા સ્ક્રીન ઉપર દેખાવા લાગશે.
ગૂગલ લેન્સ એટલે માહિતીઓનાં ખજાનાનું “ખૂલ-જા-સીમ-સીમ”…
ગૂગલ લેન્સનો મોટો ફાયદો એ છે કે સ્માર્ટફોનનાં કેમેરાને આમથીતેમ ફેરવીને થોડી ક્લિકથી વિશેષ કશું કરવાનું ન હોવા છતાં “ખૂલ-જા-સીમ-સીમ”ની માફક માહિતીનો વિશાળ ખજાનો આપણી સમક્ષ ખૂલ્લો મૂકી દે છે.
તમે કેમેરાને કોઈ વીઝીટીંગ કાર્ડ સામે ફોકસ કરો અને તેમાંના મોબાઈલ નંબર ઉપર તમારે ફોન લગાવવો હોય તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાથી સીધો જ ફોન લાગી જાય. કોઈ ઈમેઈલ આઈડી ઉપર ક્લિક કરો અને સીધો જ ઈમેઈલ કરી શકાય. સરનામું સિલેક્ટ કરો અને ગૂગલ મેપ્સ તરત જ તમને રસ્તો બતાવે. કોઈ સિનેમાની ટીકીટને કેમેરા સામે રાખો અને તેમાં લખેલી તારીખ અને સમય સીધો જ તમારા સ્માર્ટફોનનાં કેલેન્ડરમાં સેટ થઇ જાય. તમારા વાઇ-ફાઇ રાઉટર પાછળનાં એસએસઆઈડી સ્ટીકરની તસવીર લઇ લો અને ટેક્સ્ટમાં તબદીલ કરીને મોબાઈલના વાઇફાઇ સેટિંગમાં પેસ્ટ કરી દેવાય. કેમેરા દ્વારા દેખાતા કોઈપણ દ્ર્શ્યમાંની ટેક્સ્ટ સિલેક્ટ કરો અને ગૂગલ આસિસ્ટન્ટ તરત જ ઈન્ટરનેટ ઉપરથી તેનું સર્ચ-રીઝલ્ટ હાજર કરી આપશે.
માર્કેટમાં શોપિંગ કરતી વખતે તમને ગમતા ડ્રેસ તરફ કેમેરા રાખો અને તત્કાલ જ ગૂગલ લેન્સ તેને ઓળખીને એ જ પ્રકારનાં અન્ય સમાંતર ડ્રેસીસ તમને અન્ય કઈ જગ્યાએ મળશે તે કહી દેશે. કોઈ ફર્નિચરના શોરૂમમાં જાઓ અને ત્યાં વેચાતો કોઈ સોફાસેટ પસંદ પડે તો કેમેરા સામે તેને રાખતા જ આ પ્રકારનાં બીજા કેવાકેવા સોફાસેટ માર્કેટમાં મળી રહ્યા છે, ક્યાં અને કેટલી કિમતમાં મળી રહ્યા છે તે તમામ માહિતીઓ પૂરી પાડશે.
ફૂલ-છોડ-વૃક્ષો, પુસ્તકો, ડીવીડી કે પછી સમજોને કે કોઈપણ ચીજવસ્તુને કેમેરાથી ફોકસ કરતાં જ ગૂગલ લેન્સ તેને ઓળખી કાઢશે અને લાગતીવળગતી તમામ માહિતીઓ સ્ક્રીન ઉપર આવી જશે. કેમેરાને ઇમારતો અથવા સીમાચિન્હરૂપ રસ્તાઓ અથવા વિસ્તારો સમક્ષ રાખો અને તેમાં ક્યાંથી કઈ રીતે અવરજવર કરવાની છે તેના દિશાનિર્દેશો, જગ્યાનું ઐતહાસિક મહત્વ અને આંકડાઓ ઉપરાંત તે ક્યારે ખૂલશે ક્યારે બંધ થશે વિગેરે પ્રકારનાં સમયની જાણકારી તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જશે. કોઈ પુસ્તક સામે રાખો અને એ પુસ્તકનો ટૂંકસાર, રિવ્યૂ, કીમત, ક્યાં મળશે વિગેરે માહિતીઓ ધરી દેશે. કેમેરો કોઈ રેસ્ટોરન્ટ તરફ રાખો એટલે તરત જ તમને તે રેસ્ટોરન્ટનાં મેનુ, રેટીંગ, રિવ્યૂ, ક્યારે ખૂલશે ક્યારે બંધ થશે અને આસપાસની અન્ય રેસ્ટોરન્ટની વિગતો રજુ કરી દેશે.
આવા તો બીજા અગણિત કામો ગૂગલ લેન્સ દ્વારા કરી શકાય છે. આ એપની ખાસિયત એ છે કે માહિતીઓનાં ઢગલાની સાથે-સાથે આ જ માહિતીઓનો ઉપયોગ કરવા માટે તમારે જે પણ ઓપ્શન્સ અને એપ્સની જરૂર પડવાની શક્યતા હોય તેને “બોલો મેરે આકા”નાં જિન માફક સ્ક્રીન ઉપર હાજર કરી દે છે.
જો ટેકનીકલ ભાષામાં સમજીએ તો; ગૂગલ લેન્સ…
સ્માર્ટફોનનાં કેમેરા, ડીપ મશીન લર્નિંગ અને આર્ટીફીસીયલ ઈન્ટેલેજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ઈમેજ સર્ચની એક એપ્લીકેશન છે. ગૂગલની આપણા જીવન સાથે વણાઈ ગયેલી બીજી અનેક એપ્લીકેશન્સને ગૂગલ લેન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવી હોવાથી તેની ઉપયોગીતા અનેકગણી વધી ગઈ છે. આ ટેકનોલોજી પોતાના પ્રારંભિક તબક્કામાં હોવાથી બધા પરિણામો સચોટ મળે છે તેવો દાવો તો ન જ કરી શકાય. પરંતુ; સ્માર્ટફોનનાં સ્માર્ટ ઉપયોગને યથાર્થ સાબિત કરી શકે તે રીતની સુવિધાઓ ગૂગલ લેન્સમાં ઠાંસીઠાંસીને ભરી છે તેમાં કોઈ બેમત નથી.
તો; “શુભસ્ય શીઘ્રમ”…ગૂગલ લેન્સ “ફ્રી” જ છે…વાર શેની…ચાલો અત્યારે જ ઇન્સ્ટોલ કરીએ…
(લેખક: પુનીત આચાર્ય સોમપુરા)