દુનિયાભરમાં લોકપ્રિય સોશ્યલ મીડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરને ટક્કર આપવા માટે માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટા કંપનીની ફોટો, વિડિયો શેરિંગ સોશ્યલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામે પોતાનું નવું, ટેક્સ્ટ-આધારિત પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ કર્યું છે. આનો વેબ યૂઝર્સની સાથોસાથ એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ પણ ઉપયોગ કરી શકે છે. થ્રેડ્સ એપ ટ્વિટર સાથે મળતી આવે છે. વળી, એમાં ઈન્સ્ટાગ્રામના અમુક ફીચર્સ પણ જોડવામાં આવ્યા છે. કહેવાય છે કે, ટેક્નોલોજી ક્ષેત્રમાં અમેરિકાના બે અબજોપતિ – ઈલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ જામેલી હરીફાઈનું આ પરિણામ છે. મસ્કની માલિકીની ટ્વિટર સેવાને સીધી ટક્કર આપવા માટે ઝુકરબર્ગ થ્રેડ્સ લાવ્યા છે.
ટેક્નોલોજી ક્ષેત્રના ઘણા નિષ્ણાતો થ્રેડ્સને ટ્વિટર કિલર તરીકે ઓળખાવે છે. થ્રેડ્સ અને ટ્વિટરમાં ઘણી સામ્યતા છે, પરંતુ અમુક રીતે તે ટ્વિટર કરતાં અલગ પણ છે તેથી એ વિશે જાણવું જરૂરી છે.
થ્રેડ્સની વિશેષતા
આ પ્લેટફોર્મ પર યૂઝર્સ ટ્વિટરની જેમ જ અમુક મર્યાદિત સંખ્યામાં શબ્દો સાથે પોતાની પોસ્ટ અપલોડ કરી શકશે. થ્રેડ્સમાં વધુમાં વધુ 500 અક્ષરવાળી પોસ્ટ શેર કરી શકાશે. સાથોસાથ, યૂઝરને ફોટો અને વિડિયો પોસ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કેટલાક દિવસો અગાઉ ટ્વિટર ઉપર પણ ફોટો તથા વિડિયો અપલોડ કરવાનું ફીચર આપવામાં આવ્યું હતું. થ્રેડ્સમાં યૂઝર પાંચ મિનિટ લાંબો વિડિયો પોસ્ટ કરી શકે છે. ટ્વિટર પર રેગ્યૂલર યૂઝર્સ માટે પ્રતિ પોસ્ટમાં અક્ષરોની મર્યાદા 280ની છે. ટ્વિટરના બ્લૂ ધારકોને મહત્તમ 10,000 અક્ષરોનો લાભ મળે છે અને એમને બોલ્ડ તથા ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગનો સપોર્ટ પણ મળે છે.
ધારો કે કોઈ વ્યક્તિ ઈન્સ્ટાગ્રામનો યૂઝર હોય તો એણે થ્રેડ્સ માટે અલગથી એકાઉન્ટ બનાવવો નહીં પડે. એ માટે એણે માત્ર થ્રેડ્સ એપને ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તે એપ આપોઆપ લોગ-ઈન થઈ જશે. એ માટે યૂઝરે કોઈ પાસવર્ડ નાખવાની પણ જરૂર નહીં રહે. યૂઝર એક વાર લોગ-ઈન થાય કે થ્રેડ્સ પર મોજૂદ વ્યક્તિઓની યાદી એને જોવા મળશે, જેમાંથી યૂઝર કોઈને પણ ફોલો કરી શકે છે.
આ એપમાં યૂઝરને પોતાનો પ્રોફાઈલ જાહેરમાં અથવા ખાનગીમાં રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હાલ થ્રેડ્સ જાહેરખબર-મુક્ત એપ છે. તેનું સ્વરૂપ એકદમ ઈન્સ્ટાગ્રામ જેવું છે, પરંતુ ફીચર્સ ટ્વિટર જેવા છે.
થ્રેડ્સને ડાઉનલોડ કરો
થ્રેડ્સ એપનો ઉપયોગ કરવો હોય તો મોબાઈલ ફોનમાં Threads Appને ડાઉનલોડ કરવાની રહેશે. ડેસ્કટોપ યૂઝર આનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો Threads.net પર જઈને લોગ-ઈન કરી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ પાસે ઈન્સ્ટાગ્રામ એપ ન હોય અને એણે સાઈન-અપ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે અને એ માટે તેમણે ઈન્સ્ટાગ્રામ ક્રેડેન્શિયલ્સ મેન્યુઅલી નોંધાવવાની રહેશે. ત્યારબાદ યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ પર જેને ફોલો કરતા હોય એમને થ્રેડ્સ ઉપર પણ ફોલો કરી શકશે.
ઈન્સ્ટાગ્રામ પર વેરીફાઈડ થયેલા લોકોને થ્રેડ્સ ઉપર પણ બ્લૂ ટીક મળશે. જે લોકો 16 વર્ષની નીચેની વયનાં હશે એમને પ્રાઈવેટ પ્રોફાઈલમાં ડિફોલ્ટ કરવામાં આવશે.
ફંક્શન્સની દ્રષ્ટિએ થ્રેડ્સ એપ ટ્વિટર કરતાં અલગ નથી, પરંતુ ટ્વિટરથી વિપરીત, થ્રેડ્સમાં ડાયરેક્ટ મેસેજિંગનું ફીચર નથી. તે છતાં ઈન્સ્ટાગ્રામનું કહેવું છે કે જો યૂઝર્સ માગણી કરશે તો અમે ફીચર્સમાં તેનો ઉમેરો કરીશું.
થ્રેડ્સ અને ટ્વિટર વચ્ચે સૌથી મોટો ફરક એ છે કે તે થ્રેડ્સ ભવિષ્યમાં એક કરતાં વધારે એપ્સમાં જોડાશે. જ્યારે ટ્વિટરની બીજી કોઈ એપ નથી.
માર્ક ઝુકરબર્ગનો આશાવાદ
થ્રેડ્સને લોન્ચ કર્યા બાદ માર્ક ઝુકરબર્ગે કહ્યું, અમને આશા છે કે ઈન્સ્ટાગ્રામ જે ઉત્તમ કામ કરે છે તેને આપણે અપનાવીશું અને ટેક્સ્ટ, કલ્પના તેમજ તમારા મનમાં જે કંઈ વિચારો ચાલતા હોય તે વિશે એક નવો અનુભવ બનાવીશું. મારા મતે, એક અબજથી વધારે લોકોની હાજરી ધરાવતી જાહેર સંવાદવાળી એક એપ હોવી જોઈએ. ટ્વિટરને તે તક મળી હતી, પરંતુ તે એનો લાભ લેવામાં નિષ્ફળ ગઈ છે. અમે તે લાભ ઉઠાવીશું એવી અમને આશા છે.
અમેરિકાના સમય મુજબ, બુધવારના દિવસે Threads એપ લોન્ચ કરાઈ તેના માત્ર 7 કલાકમાં જ એના યૂઝર્સનો આંક 1 કરોડ પર પહોંચી ગયો હતો. ટ્વિટર સેવા ઉપર જ તે નંબર-1 પર ટ્રેન્ડિંગ બની હતી.
પિતૃ કંપની મેટાનું કહેવું છે કે થ્રેડ્સ એપ લોકોને એમનાં વિચારો પ્રદર્શિત કરવા માટે સકારાત્મક અને રચનાત્મક સ્પેસ સમાન છે. લોકો ટેક્સ્ટ અપડેટ શેર કરી શકે અને જાહેર સંવાદમાં સામેલ થઈ શકે એ હેતુથી આ તૈયાર કરવામાં આવી છે.
ઈલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને હસ્તગત કરી તે પછી તેમણે એમાં અનેક ફેરફારો કર્યા છે. પરંતુ એને કારણે તેના યૂઝર્સ નારાજ થયા છે અને એના હરીફ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ તરફ વળી ગયા છે.
થ્રેડ્સ એપ લોન્ચ કરાઈ તે પૂર્વે જ અમેરિકાની શેરબજારોમાં મેટા કંપનીનો શેર ત્રણ ટકા વધી ગયો હતો. સામી બાજુ, ટ્વિટરનું મૂલ્ય ઘટી ગયું છે. અસંખ્ય એડવર્ટાઈઝર્સ પણ તેને છોડી ગયા છે. આ પરિસ્થિતિમાં અસંખ્ય બ્રાન્ડ્સ એમનો બિઝનેસ વધારવા માટે થ્રેડ્સમાં ઈન્વેસ્ટ કરતા અચકાશે નહીં.
ટ્વિટર સમાચારો અને વિશ્વમાં બનતી ઘટનાઓ પર ફોકસ કરે છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ એક વિઝ્યુઅલ એપ છે. જોકે ઝડપથી વૃદ્ધિ પામી રહેલા સોશિયલ મિડિયા મોડલ પર તસવીરો અને ટૂંકા વિડિયો સર્વોત્તમ સાધનો બન્યા છે. આમાં ટિક-ટોક પ્લેટફોર્મ વિજેતા બન્યું છે. હવે મહત્ત્વનું એ છે કે AIની મદદથી કન્ટેન્ટને કઈ રીતે ક્યૂરેટ કરવામાં આવશે.