અરે યાર! ગૂગલ કરો ને. કોઈ પણ માહિતી મળી જશે.
રેલવેની ટિકિટ બૂક કરાવવી છે? તો રેલવેની વેબસાઇટ ખોલો.
ભારતના રન જોવા છે? તો ક્રિકેટની ફલાણી વેબસાઇટ ખોલો.
શૅરબજારમાં શૅરના ભાવ જોવા છે તો બીએસઇની વેબસાઇટ ખોલો.
તમે આવું લોકોના મોઢે સાંભળતા હશો. જોકે હવે તો વેબસાઇટના બદલે મોબાઇલમાં ઍપ આવી ગઈ છે. તેથી વેબસાઇટ પણ જોવાની જરૂર નથી. પરંતુ આમ છતાં ઘણી ઍપનો આધાર તો વેબસાઇટ જ હોય છે. જે વેબસાઇટ પર મૂકાય તે જ ઍપમાં હોય. એવી ઍપ ઓછી છે જે માત્ર મોબાઇલ પર જ પ્રાપ્ય છે અને તેની કોઈ વેબસાઇટ નથી હોતી.
પરંતુ તમને જો કોઈ એમ કહે કે આ વેબસાઇટ અથવા વર્લ્ડ વાઇડ વેબ હવે પહેલાં જેવી નથી રહી તો? તમે કહેશો કે શું વાત કરો છો? પહેલાં કરતાં તો સુધરી છે. પહેલાં કરતાં ઝડપથી ખુલે છે. પહેલાં કરતાં ચિત્રો (તસવીરો અથવા ગ્રાફિક્સ) વધુ છે. વિડિયો વધુ છે. પરંતુ અમે ઝડપ કે તેનાં સ્વરૂપની વાત નથી કરતા. અમે વાત કરીએ છીએ તેના સારા-નરસાપણાની. અને અમે આ વાત કરીએ છીએ ત્યારે અમારો આધાર છે એક એવા વ્યક્તિની જેમણે પોતે વર્લ્ડ વાઇડ વેબ શોધ્યું છે!
જી હા, તેમનું નામ છે સર ટિમ બર્નર્સ લી. તેઓ બ્રિટિશ એન્જિનિયર છે અને કમ્પ્યૂટર વૈજ્ઞાનિક જેઓ વર્લ્ડ વાઇડ વેબના શોધક તરીકે જાણીતા છે. તેમનો મત છે કે હવે વેબનું પતન થઈ રહ્યું છે અને તે સાવ બંધ થઈ જાય તે પહેલાં વૈશ્વિક સ્તરે કોઈ પગલાં લેવાની જરૂર છે. તેમણે વેબ માટે પ્રસ્તાવ મૂક્યો તેનાં ૩૦ વર્ષ થયાં છે ત્યારે તેમણે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
સર ટિમે કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકાના કૌભાંડ પછી હવે લોકોને સમજાઈ રહ્યું છે કે તેમની માહિતી (ડેટા)ની સાથે ચેડા થઈ શકે છે. જોકે તેમણે કહ્યું હતું કે આવા માહિતીના ઉલ્લંઘન, અનધિકૃત પ્રવેશ (હૅકિંગ) અને ખોટી માહિતી અંગે પગલાં લઈ તેને દૂર કરી શકાય છે.
વેબના સર્જક એવા તેમણે સ્વીકાર્યું કે ઘણા લોકોને હવે શંકા થઈ રહી છે કે વેબ હવે સારી બાબતોનું બળ રહ્યું નથી. અર્થાત્ ખરાબ બાબતોનું બળ બની ગયું છે. તેમને પોતાને પણ વેબના ભવિષ્ય વિશે શંકાઓ છે. તેમણે કહ્યું, “મને તેની દુર્ભાવના અને ફેલાઈ રહેલી ખોટી માહિતી અંગે ચિંતા છે.”
સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમને લાગે છે કે લોકો હવે તેમને વેબવપરાશકારો તરીકે જે જોખમોનો સામનો કરવો પડે છે તેને સારી રીતે સમજવા લાગ્યા છે. તેઓ કહે છે, “જ્યારે કેમ્બ્રિજ એનાલિટિકાનું પતન થયું (એટલે કે તેણે બદમાશી કરી) ત્યારે લોકોને સમજાયું કે તેઓ જે પોતાની માહિતી (ડેટા) પૂરી પાડે છે તેના દ્વારા ચૂંટણીઓમાં ચેડા થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે તાજેતરના વર્ષોમાં તેમને વધુ ને વધુ એવી લાગણી થઈ રહી છે કે ઑપન વેબના સિદ્ધાંતોની સુરક્ષા થવી ખૂબ જ જરૂરી છે.
પોતાના પત્રમાં સર ટિમે દુષ્ક્રિયાના ત્રણ ચોક્કસ વિસ્તારો જણાવ્યા જેમના વિશે તેઓ કહે છે કે તેઓ આજે વેબને નુકસાન પહોંચાડી રહ્યા છે: એક, હૅકિંગ અને સતામણી જેવી દુષ્પ્રવૃત્તિ, બે, પોતાની વેબસાઇટ પર લોકો આવે તે માટે ક્લિક કરવા વપરાશકારોને આકર્ષનારા બિઝનેસ મૉડલ જેવી સમસ્યારૂપ સિસ્ટમ ડિઝાઇન, ત્રણ, અજાણતાં જ મળતાં પરિણામો જેમ કે આક્રમક અથવા ધ્રૂવીકરણવાળી ચર્ચાઓ.
આ સમસ્યાઓનાં સમાધાનો શોધી શકાય છે. તે માટે નવા કાયદાઓ અને પ્રણાલિઓ લાવી શકાય છે જેનાથી ઑનલાઇન વર્તણૂંકને મર્યાદિત કરી શકાય છે તેમ તેમનું માનવું છે. તેમણે પોતે આ માટે પહેલ કરી છે. ગયા વર્ષે તેમની મદદથી વેબ પ્રૉજેક્ટ માટેનો કૉન્ટ્રાક્ટ શરૂ થયો છે. પરંતુ તેમનું માનવું છે કે આવાં પગલાં માટે એકલદોકલ નહીં, સમગ્ર સમાજ, સમગ્ર વિશ્વની મદદની જરૂર છે. ઉદ્યોગ-ધંધા અને રાજકીય નેતાઓની ખાસ જરૂર છે.