અમદાવાદમાં બાળરોગ-ચિકિત્સા અને સારવારના પ્રણેતા ગણાતાં અને સિવિલ હોસ્પિટલમાં બાળરોગ-ચિકિત્સા વોર્ડ અને નિઓ-નેટલ વોર્ડ શરૂ કરાવવાનું શ્રેય જેમને જાય છે તેવાં અવલોકિતાબહેન દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અમદાવાદના ધાર્મિક નાગર કુટુંબમાં, પાંચ ભાઈ-બહેન, પિતા કેલિકો મિલમાં સેક્રેટરી, માતા કાબેલ ગૃહિણી. ઘરમાં બધા ધાર્મિક તહેવારો (બળેવ, નવરાત્રી, વટસાવિત્રી…) ઉજવાય. મેટ્રિક સુધીનો અભ્યાસ અમદાવાદમાં, મેડિકલનો અભ્યાસ(MBBS, MD) જે.જે.હોસ્પિટલ, ગ્રાન્ટ મેડિકલ કોલેજ, મુંબઈમાં. અભ્યાસ પછી તરત પ્રોફેસરની નોકરી લીધી, એડવોકેટ ભદ્રમુખ દેસાઈ સાથે લગ્ન કર્યાં. અનાયાસ અમદાવાદ આવ્યાં, સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસરની નોકરી મળી. પતિએ પોતાની કેરિયરનો વિચાર કર્યા વગર મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયા. પતિ સારા ક્રિકેટર, સિંગર અને સ્પોર્ટ્સમેન. અવલોકિતાબહેને ઇન્ડિયન-એકેડેમી-ઓફ-પીડીયાટ્રીશન(IAP)ની અમદાવાદ બ્રાન્ચની શરૂઆત કરી. (1987માં IAPના બિનહરીફ પ્રેસિડેન્ટ ચૂંટાયા.) 1966માં WHOની ફેલોશિપ મળતાં એક વર્ષ ઇંગ્લેન્ડ ગયાં. પાછાં આવી બાળ-ચિકિત્સા વોર્ડ અને નિઓ-નેટલ વોર્ડ શરૂ કર્યો. તેમને રાજીવ ગાંધીના હસ્તે બી.સી. રોય એવોર્ડ તથા હરિઓમ આશ્રમ એવોર્ડ મળ્યા છે. WHOના કામ માટે આખી દુનિયામાં ફર્યાં છે અને 100થી વધારે લેખો લખ્યાં છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
1986માં રિટાયર થયાં પછી 2006 સુધી પોતાનું કન્સલ્ટિંગ કામ કર્યું. 2007માં પતિનું મૃત્યુ થયું. ત્યારબાદ જીવરાજ હોસ્પિટલમાં જોડાયાં તે છેક કોવિડ સુધી કામ કર્યું. ઘરના સંસ્કારો અને માતાની કેળવણીને લીધે આધ્યાત્મના માર્ગે ઘણું ખેડાણ કર્યું. પુરાણ-વેદ-ઉપનિષદ-ગીતા વાંચ્યાં, ચાર ચોપડીઓ લખી છે(કૃષ્ણ-કથા, દેવાધિદેવ મહાદેવ, માતાજી, નરસિંહ મહેતાનું જીવન-ચરિત્ર). સવારે છ વાગે ઊઠે, ચા લે, પછી છાપુ વાંચે, નાહી-ધોઈને નવથી 12:30 સુધી પ્રભુસ્મરણ કરે. દીવો-સ્તોત્ર-મંત્ર-લેખન વગેરે… થોડો સમય ટીવીમાં સમાચાર અને સ્પોર્ટ્સ જોઈ, જમીને બે થી પાંચ આંખો બંધ કરીને આધ્યાત્મનું ચિંતન કરે. પછી વળી પુરાણ-ઉપનિષદ-વેદનું વાંચન. સાંજે સાડા-છ વાગે હાથ-પગ ધોઈ ગીતા-માળા-મંત્ર. સવાર-સાંજ પ્રાણાયામ-યોગ-અષ્ટાંગયોગ કરે. શિર્ષાસન સહિત નિયમિત કસરત અને આસાનો કરે.
શોખના વિષયો :
વાંચન અને લેખન ગમે. આધ્યાત્મિક-ચિંતનમાં ઘણી રૂચી. માનસિક-કસરતો, પઝલ-સોલ્વિંગ, ક્રોસ-વર્ડ, સુડોકુ કરવામાં મઝા આવે! છાપામાં અથવા આઇપેડ ઉપર વ્યસ્ત રહે છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
હસતાં હસતાં કહે છે: તબિયત સારી છે. એવો એક પણ પ્રોબ્લેમ નથી જે થયો ન હોય, અને એવો એક પણ પ્રોબ્લેમ નથી જેમાંથી તેઓ ઊભાં ન થયાં હોય! બે વાર કોવિડ થયો, હૃદયરોગનું ઓપરેશન થયું…. પણ અદભુત વિલપાવર છે.
યાદગાર પ્રસંગ:
WHOના કામકાજ માટે આખી દુનિયા ફર્યાં છે. દેશ-પરદેશની મેડિકલ-કોલેજોમાં લેક્ચર્સ આપ્યાં છે, સ્ટેનફર્ડ મેડિકલ-કોલેજમાં અને આફ્રિકાની કોલેજમાં આપેલાં લેક્ચર યાદ છે. IAP તરફથી લાઈફ-ટાઈમ-એચિવમેન્ટ-એવોર્ડ મળ્યો તે કેમ ભૂલાય? 1979માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મા-દીકરા બંનેને એક સાથે એવોર્ડ મળ્યા છે! દીકરા(રિટાયર્ડ જજ પ્રણવ દેસાઈ)ને કાયદા-શાખામાં હિન્દુ-લો માટે અને માતાને રિસર્ચ માટે! બહુ ધન્ય ઘડી હતી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી ઘણી સારી રીતે વાપરી શકે છે. કેનેડા કાઉન્સિલેટનું 10 વર્ષ કામ લેપટોપ પર જ થતું. પણ હવે જરૂરત નથી. અત્યારે પણ પોતાના પ્રોફેશનમાં થતી લેટેસ્ટ શોધખોળોથી માહિતગાર છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાનાં શિક્ષકો જે ડિવોશનથી વિદ્યાર્થીઓને ભણાવતાં તે ડિવોશન, નિયમિતતા, નિષ્ઠા અને ઓનેસ્ટી આજે નથી. અવલોકિતાબહેન સવારે નવ વાગતાં, સૌથી પહેલાં કોલેજ પહોંચી જતાં! તેમનાં વિદ્યાર્થીઓ હજુ પણ તેમને યાદ કરે છે અને માન આપે છે! આજનાં વિદ્યાર્થીઓ તો માથાના મળ્યાં છે, દમદાટી આપે, આત્મહત્યાની બીક બતાવે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો? આખી જીંદગી:
યુવાનો સાથે જ ગાળી છે એટલે યુવાનો સાથે ફાવે. મોટી પૌત્રી અદિતિ(હાલ USA) સાથે ઘણું ફાવે. એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે તેની સાથે વાત ન થઈ હોય! પૌત્રીને ફોનથી આખું ભાગવત, રામાયણ, ગીતાના 18 અધ્યાય સંભળાવ્યાં છે! રોજ રાત્રે ગુડ-નાઈટ તો કહેવાનું જ! તેની સાથે અવલોકિતાબહેન પગથિયા, કુકા, આંધળી-ખિસકોલી રમ્યાં છે. અરે! તેને પતંગ ચગાવતાં અને ડ્રાઇવિંગ કરતાં પણ તેમણે શીખવ્યું છે! અવલોકિતાબહેનને એક દીકરો, એક દીકરી અને ચાર પૌત્ર-પૌત્રીઓ છે. પુત્ર(પ્રણવ) અને પુત્રવધૂ(નીતા દેસાઈ) તેમનું ઘણું ધ્યાન રાખે છે.
સંદેશો :
Teaching is the best way of learning!
And learning is a non-ending process!
So, keep learning and enjoying your life!