અમદાવાદ-સ્થિત વિશ્વવિખ્યાત ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ એનઆઈડી (NID)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને પ્રોફેસર અશોક ચેટરજીની વાત સાંભળીએ તેમને પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ મસુરીમાં થયો. ત્રણ ભાઈનું નાનું કુટુંબ હતું. પિતાજી ઇમ્પિરિયલ બેંકમાં કામ કરતા. તેમણે શાળાનો અભ્યાસ વુડસ્ટોક સ્કૂલ, મસૂરીમાંથી કર્યો. પછી સેન્ટ સ્ટીફન સ્કૂલ દિલ્હીમાં અને ત્યારબાદ મિયામી યુનિવર્સિટી, ઓહાયોમાંથી એમબીએ કર્યું. દસ વર્ષ કલકત્તાની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. ત્યારબાદ ઇન્ટરનેશનલ સિવિલ સર્વિસમાં યુએન(UN) અને (IMF) આઈએમએફમાં કામ કર્યું. ભારત પાછા આવી ઇન્ડિયન ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ITDCમાં પાંચ વર્ષ કામ કર્યું. 1975માં એનઆઇડીમાં Director તરીકે જોડાયા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 8:00 વાગે ઊઠે. સવારે પોણો કલાકથી કલાક યોગા કરે છે. વળી પોણો કલાક ચાલવાનું. અમદાવાદ યુનિવર્સિટી, સેન્ટર ફોર હેરિટેજ, ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રી વગેરેમાં નિયમિત હાજરી આપે છે, કામ કરે છે. સાંજે પૌત્ર સાથે રમવાનું! તે તેમની કસરત અને તે તેમનો શોખ!
શોખના વિષયો :
લખવાનું બહુ ગમે. પાંચ પુસ્તકો લખ્યા છે. ફરવાનું ગમે. કામને માટે દુનિયા આખીમાં ઘણું ફર્યા છે, પણ માત્ર ફરવાને માટે ફરવાનો મોકો મળ્યો નથી.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ઉંમરના હિસાબે તબિયત સારી છે. બીપી કે કોલેસ્ટ્રોલ જેવા પ્રોબ્લેમ નથી, પણ આંખનો થોડો પ્રોબ્લેમ છે. 1984માં હાર્ટએટેક આવ્યો હતો, એટલે તબિયતનું ધ્યાન રાખવું પડે છે.
યાદગાર પ્રસંગ:
તેમણે એનઆઇડીની વગડોર સાંભળી ત્યારે એનઆઇડીના વિદ્યાર્થીઓને સારી નોકરી મળે તે જવાબદારી પણ તેમણે સ્વીકારી. એનઆઇડીના અભ્યાસક્રમ મુજબ તો ફાઈનલ પરીક્ષા નહીં લેવાની અને માર્ક પણ નહીં આપવાના! તો ડિપ્લોમા કેવી રીતે માન્ય ગણાય? તે ઇન્ડસ્ટ્રીનો મુખ્ય પ્રશ્ન હતો. જો કે વર્ષોનો અનુભવ થતો ગયો તેમ તેમ વિદ્યાર્થીઓની આવડત અને તેમની કોમ્યુનિકેશન સ્કિલને કારણે કોઈ પણ કંપનીએ ક્યારેય આવો પ્રશ્ન કર્યો નથી. પહેલા જ વર્ષથી એનઆઇડીના બધાં વિદ્યાર્થીઓને સરસ નોકરીઓ મળી. યુએનમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને ડેવલોપમેન્ટ માટે એનઆઇડી સારું ઇન્સ્ટિટયૂટ છે તેવું ગ્લોબલી સ્વીકારવામાં આવ્યું! આ તેમની મોટી સિદ્ધિ!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
તેઓ લેપટોપ અને સ્માર્ટફોનનો બહુ સરસ ઉપયોગ કરે છે. તેમના મત મુજબ એક સાધન તરીકે નવી ટેકનોલોજીનું સ્વાગત કરવું જોઈએ. વડીલો માટે બહુ સારું સાધન છે, વડીલોને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવવા કોઈ ઇન્સ્ટિટયૂટ હોવું જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર તો ચાલે એવું જ નથી, પણ ટેકનોલોજી આપણા પર રાજ ન કરે તે જોવું જોઈએ. બાળકો 24 કલાક લેપટોપ કે મોબાઈલ વાપરે છે તે યોગ્ય નથી.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમના મત મુજબ ત્યારમાં અને અત્યારમાં કોઈ ફેર નથી! એ જ સમસ્યાઓ છે અને એ જ આશા, ઉમેદ છે! તેના તે પ્રશ્નો છે! ક્લાઈમેટ-ચેન્જનો નવો પ્રશ્ન છે, બાકી તો પોલિટિક્સ પાગલ કરે છે! વિકાસ કોના કોના માટે? શું આપણે ખરેખર આગળ જઈ રહ્યાં છીએ?
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
અમદાવાદ યુનિવર્સિટી અને બીજાં ઘણાં ઇન્સ્ટિટયૂટ સાથે સંકળાયેલા છે એટલે યુવાનોના સંપર્કમાં આવે છે. આજનો યુવાન સેન્સિટિવ છે, ક્રિએટિવ છે, તેની પાસે ઘણી ઇન્ફોર્મેશન છે. તેઓ ડરતા નથી, ચેન્જને સ્વીકારે છે, પોતાને જે કરવું હોય તે કરી શકે છે. અમને આટલી તક મળતી ન હતી. પણ પહેલાના યુવાનો પાસે જે રોલ-મોડલ હતા તે આજના યુવાનો પાસે નથી. એવું કોઈ રોલ-મોડલ કે સાધન નથી જે તેમને ઇન્સાનિયત શીખવાડે! તેમને એક પુત્ર અને પુત્રવધૂ છે જેઓ તેમનું બહુ ધ્યાન રાખે છે. એક પૌત્રી (આલિશા 15 ) એક પૌત્ર (કબીર 20) છે.
સંદેશો : ઉમ્મીદ રાખો! ઇન્સાનિયત રાખો ! ઓર નફરત છોડો!