નોટ આઉટ @ 89 : ડૉ. હેમંતભાઈ બ્રોકર

ગુજરાત-રત્ન ગૌરવ એવોર્ડ તથા જૈનસેવા-રત્ન એવોર્ડથી પુરસ્કૃત, માનદ પી.એચ.ડી.(A.M) ડિગ્રીથી શોભિત, પૂજ્ય કૈલાસ સાગરજી મહારાજના પ્રિય ભક્ત અને આ ઉંમરે પણ સમાજના તમામ વર્ગને વૈદકીય સહાય આપવા કટિબદ્ધ છે તેવા હેમંતભાઈ બ્રોકરની વાત સંભાળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

હેમંતભાઈનો જન્મ અમદાવાદમાં, મૂળ ક્ષેત્રપાળની પોળના. સાત ભાઈ-બહેનનું બહોળું ગર્ભ-શ્રીમંત કુટુંબ. તેમના દાદા અમદાવાદ અને મુંબઈ શેરબજારના ફાઉન્ડર-મેમ્બર. પિતાજી ચીમનલાલ શેઠ શેર-બ્રોકર અને એસ્ટેટ-એજન્ટ, રાણા-શેઠ નામે ઓળખાય. વી.એસ.સ્મશાનગૃહ તથા સેનેટોરિયમનું ડોનેશન પિતાએ આપેલું. ઘરમાં ધાર્મિક વાતાવરણ અને વિચારો આગળ પડતા. પરદાદા બેચરદાસ એ પોતાની બાળ-વિધવા દીકરી માટે વર્ષે 1200 રૂપિયાનું વિલ કર્યું હતું જેથી તે સરખી રીતે રહી શકે! દેરાસરમાં પરદાદા બેચરદાસનું પૂતળું પણ છે. સી.જી.રોડના સીમાચિન્હ જેવા લાલ-બંગલાના તેઓ માલિક. 75 સભ્યોનું સંયુક્ત-કુટુંબ આજે પણ વર્ષમાં પ્રસંગે ત્રણ વાર ભેગા થાય! પોતે લાલ-બંગલામાં છેલ્લા 44 વર્ષથી હોમિયોપેથિક દવાઓની નિઃશુલ્ક સેવા કરે છે.

 

શરૂઆતના ત્રણ વર્ષ રાજકુમાર કોલેજ આર.કે.સી.માં અભ્યાસ કર્યો, પછી સી.એન. વિદ્યાલયમાં. એમ.જી. સાયન્સ કોલેજમાંથી, B.Sc.(કેમેસ્ટ્રી અને જીયોલોજી) કર્યું. તેમને શેર-બજારના ધંધામાં રસ ન હતો. તે ધંધો બંધ કર્યો પણ કાર્ડ ચાલુ રાખ્યું. અભ્યાસ પછી હેમંતભાઈએ ‘નવું શું છે?’ની શોધ કરી પ્લાસ્ટિક-ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. પોલીથીન-બેગ-શીટ, કેનાલ-લાઇનિંગ, પ્લાસ્ટિક-વેલ્ડીંગ, અમદાવાદની મિલોમાં ખાસ વપરાતા ‘જે-બોક્સ’ વગેરે પ્લાસ્ટિક-ટેકનોલોજી વાપરી તૈયાર કર્યાં. ગુજરાતના પ્લાસ્ટીક-ઇન્ડસ્ટ્રીના તેઓ પ્રણેતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે 8:00 વાગે ઊઠે, ચા-પાણી કરી નાહી-ધોઈ માળા ફેરવે, દેરાસર જાય, છાપા વાંચે. ઘણાં જૈન-ટ્રસ્ટોમાં અને પેઢીઓમાં ટ્રસ્ટી છે.આનંદજી-કલ્યાણજી પેઢીમાં 20 વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યા. માતાજી નારાયણીએ વિકસાવેલી હોમિયોપેથિક દવાઓ દર્દીઓને તપાસી ફ્રી આપે. છેલ્લાં 44 વર્ષથી ઘણાં દર્દીઓને તેમણે ઘણી વિકટ બીમારીઓમાંથી સાજા કર્યા છે. બે-અઢી લાખ તપસ્વીઓને ડૂંટીના ટીપાં આપી શાતા પહોંચાડી છે.

શોખના વિષયો : 

સેવા અને ઓલ્ટરનેટ મેડિસિન તેમના શોખના વિષયો. નાનપણમાં મેચ-બોક્સ અને સિગારેટ-બોક્સ ભેગા કરવા બહુ ગમે. કોઇન-કલેક્શન અને સ્ટેમ્પ-કલેક્શનનો પણ ઘણો શોખ. બાગાયતી-પ્રવૃત્તિમાં ખાસ રુચિ. એક ગુલાબમાં 10 આંખો લગાડી 10 જાતના ફુલનો સુંદર છોડ તૈયાર કર્યો હતો! લો-ગાર્ડન પાસે ગુજરાત હોર્ટીકલ્ચર એસોસિએશન શરૂ કર્યું. બહેનોને ઘેર-ઘેર શાકભાજી ઊગાડવાનું પ્રોત્સાહન આપ્યું! માતા-પિતા સાથે કાશ્મીરથી કન્યાકુમારી ગાડીની મુસાફરી સેલ્ફ-ડ્રાઈવમાં કરી. સાઉથ-આફ્રિકા, રશિયા, ઈજિપ્ત સિવાય આખી દુનિયા ફર્યા છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:   

તબિયત સરસ છે. 2002માં બાયપાસનું ઓપરેશન કર્યું છે. રેગ્યુલર સ્વિમિંગ કરે છે. હાથના હલનચલનની કસરત ‘સ્વાઈસો’ નિયમિત કરે અને સાતે ચક્રોને ચાર્જ કરે. ઈલેક્ટ્રીક સુજોગ પણ કરે. ખોરાકમાં વૈદરાજ હાર્ડીકરએ સૂચવ્યા પ્રમાણે ચૌદ-ગણા પાણીમાં જાવરું ઉકાળી બનાવવાના હિમાયતી છે. અત્યાર સુધી પોતાના દર્દીઓને 100 ટન જાવરુ ખવડાવ્યું હશે!

યાદગાર પ્રસંગ:  

1962માં પ્લાસ્ટિકની થેલીમાં ઝાડ ઊગાડવાનો રચનાત્મક વિચાર તેમનો. ફોરેસ્ટ-ડિપાર્ટમેન્ટમાં આ વિચાર લઈને અધિકારીને મળ્યા. જોકે શરૂઆતમાં તેમની આ વાત કોઈએ માની નહીં. થોડા અનુભવ પછી આઠ-દસ લાખ થેલીનો ઓર્ડર પહેલી જ વારમાં લઈ આવ્યા! કોબા જૈન મંદિરમાં ભગવાનની મૂર્તિ પર અમુક ચોક્કસ દિવસે સૂર્ય-કિરણનું તિલક થાય તે તેઓની પરિકલ્પના!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

નવી-ટેકનોલોજી બહુ સારી રીતે વાપરી શકે છે. મેડિકલ-રિસર્ચ માટે અનેક જાતની સાઈટનો ઉપયોગ કરે છે. તેમણે જાતજાતનાં મશીન બનાવ્યાં છે. 3500 રોગોમાં કામ લાગે તેવું રાઈફ-ફ્રિકવન્સી ડિવાઇસ ‘હેમ-હંસ’ મશીન તેમણે બનાવ્યું છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજકાલ બધાંને બધું ફટાફટ જોઈએ છે! રોગો વધ્યા છે, સામે જાણકારી પણ ઘણી વધી છે, ઇન્વેસ્ટિગેશન પણ વધ્યું છે, સ્પેસિફિક દવાઓ વધી છે. એલોપથી દવાઓની સાઈડ-ઈફેક્ટને કારણે મેડિકલ-સાયન્સમાં આસ્થા અને ભરોસો ઓછાં થઈ ગયાં છે. લોકો ઓલ્ટરનેટીવ મેથડને આવકારવા માંડ્યા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનોને દવાની ઝડપી અસર જોઈએ છે. લોકો એલોપથી દવાની અસર ન થાય ત્યારે તેમની પાસે આવે છે. યુવાનોમાં શરીર માટેની જાગૃતિ વધી છે પણ તેઓ રેગ્યુલર દવા લેતા નથી. તેમને બાળકો બહુ ગમે છે. તેમને એક દીકરો,એક દીકરી તથા ચાર પૌત્ર-પૌત્રી અને ત્રણ પ્રપ્રૌત્ર-પ્રપૌત્રી છે.

 

સંદેશો : 

એલોપથી મેડિસિન ઓછી કરી એમાંથી બહાર આવવું જોઈએ અને ઓલ્ટરનેટ મેડિસિન એટલે વૈકલ્પિક સારવાર ઉપર ભાર આપવો જોઈએ.